મન્ચુરીયન, ચટણી, દાઝ્યુ તેલ, સરબત અને બાફેલા બટેકા સહિતના અખાદ્ય ખોરાકનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાનગી લોકમેળામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન લીક્વીડ નાઇટ્રોજનવાળી ખાદ્ય ચીજ-વસ્તુઓનું વેંચાણ તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવ્યું હતું.
ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક ખાનગી લોકમેળામાં ખાણીપીણીના 12 સ્ટોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્થળ પર સાત ખાદ્ય સામગ્રીનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્મોક બિસ્કીટમાં ઉપયોગમાં લેવાતા લીક્વીડ નાઇટ્રોજન સિધુ જ ખાદ્ય ચીજના સંપર્કમાં આવતું હોવાનું જણાતા તાત્કાલીક અસરથી તેનું વેંચાણ બંધ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાઇનીઝ, મન્ચુરીયનનું વેંચાણ કરતા સ્ટોલ પર ચકાસણી કરવામાં આવતા પાંચ કિલો મન્ચુરીયન અને બે કિલો અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો.
જ્યારે ફીંગર ચીપ્સનું વેંચાણ કરતા સ્ટોલ પર તપાસ કરાતા ત્રણ કિલો દાઝ્યુ તેલ મળી આવ્યું હતું. વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં પણ ખાનગી મેળાના 14 સ્ટોલમાં ચકાસણી કરાયું હતું અને આઠ નમૂનાનું સ્થળ પર ચકાસણી કરવામાં આવ્યું હતું. ઇન્ડીયન જ્યુસ સેન્ટરમાંથી પાંચ લીટર અખાદ્ય પાઇનેપલ સરબતનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો.
જ્યારે ન્યૂ બોમ્બે સ્ટાઇલ ભેળ ખાતે ચાર્ટ પુરીનું વેંચાણ કરતા સ્ટોલ પર ચકાસણી કરાતા બાફેલા ચાર કિલો અખાદ્ય બટેટાનો જથ્થો મળી આવ્યો હતો. જેનો પણ નાશ કરાયો હતો.