કલેક્ટર તંત્રએ માત્ર 2 જ મહિનામાં મોટા પ્રમાણમાં અરજીઓનો કર્યો નિકાલ : અશાંતધારાના નવા વિસ્તારોની કામગીરી પણ પ્રાંતને સોંપવા સરકારની મંજૂરી મંગાઈ
કલેક્ટર તંત્રએ માત્ર 2 જ મહિનામાં અશાંતધારાના નવા વિસ્તારોમાંથી 1850 મિલકતોના ખરીદ-વેચાણને મંજૂરી આપી છે. બીજી તરફ હવે આ વિસ્તારોની કામગીરી પણ પ્રાંતને સોંપવા માટે સરકારમાં મંજૂરી મંગાઈ છે.
રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં 15 જાન્યુઆરી- 2021થી અશાંતધારો લાગુ થયા બાદ થોડા સમય પૂર્વે વધુ કેટલાંક વિસ્તારોમાં આ ધારો તત્કાલ અસરથી અમલી બનાવવામાં આવ્યો હતો. તેમાં મોટાભાગે સોરઠિયાવાડી સર્કલથી આગળ હુડકો ચોકી સુધીની 31 વસાહતોને હાલ સમાવી લેવામાં આવી છે. જેમાં નિલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર,સોરઠિયાવાડી વિસ્તાર સોસાયટી,વિવેકાનંદ સોસાયટી, પુનિત સોસાયટી,પટેલનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ,તક્ષશિલા સોસાયટી, યાદવનગર સોસાયટી, શિયાણી સોસાયટી,કીર્તિધામ, મારૂતિનગર,રાધાકૃષ્ણ નગર, હુડકો- સી અને ડી ટાઈપ, તિરૂપતિ સોસાયટી તેમજ સૂચિત સોસાયટીઓમાં ગોવિંદનગર, ન્યુ કેદારનાથ, સર્વોદય સોસાયટી, ન્યુ સર્વોદય સોસાયટી, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ સોસાયટી,ભોજલરામ સોસાયટી, નાડોદાનગર, સીતારામ સોસાયટી અને દિપ્તીનગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાંથી આવેલી મોટા પ્રમાણમાં અરજીઓનો કલેક્ટર તંત્રએ માત્ર 2 જ મહિનામાં નિકાલ કર્યો છે. 1850 મિલકતોના ખરીદ-વેચાણને અપાઈ મંજૂરી આપવામાં આવી છે. અગાઉના અશાંત વિસ્તારોમાં મંજૂરી આપવાની સત્તા પ્રાંત અધિકારીને તબદિલ કરી દેવામાં આવી હોવાથી આ નવા વિસ્તારોમાં પણ રાજકોટ સિટી- 1 પ્રાંત અધિકારીને સત્તા સોપવા કલેક્ટર તંત્રએ આજે સરકારમાં દરખાસ્ત કરી દીધાનું સૂત્રોએ જણાવ્યું છે.