વિપક્ષનાં આગેવાનો,નેતાઓને દબાવવા, ડરાવવા અને અટકાવવાનો નિમ્નકક્ષાનો પ્રયાસ: શંકરસિંહ અને મોઢવાડિયા એક સ્ટેજ પર આવશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજકીય કિન્નાખોરી લોકશાહીને છિન્નભિન્ન કરતી, સહકારી સંસ્થાનાં માળખાને તોડતી અને ખાસ કરીને રાજકીય કિન્નખોરી રાખતી ભાજપની આ માનસિકતા વિરુદ્ધ કાલે ગુરુવારનાં રોજમાં અર્બુદા ભવન કેમ્પસ, મહેસાણા ખાતે સાક્ષી હુંકાર મહા સભાનું આયોજન કરેલ છે.

માત્રને માત્ર રાજકીય કિન્નખોરી પ્રેરિત અને સત્તાનો દુરુપયોગ કરી વિપક્ષનાં આગેવાનો,નેતાઓને દબાવવા, ડરાવવા અને અટકાવવાનો નિમ્નકક્ષાનો પ્રયાસ છે જે કોઈ પણ સંજોગે ચાલવી લેવામાં નહીં આવે. મળતી માહિતી મુજબ  વિપુલ ચૌધરીને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડનાં ચેરમેન તરીકેની નિમણુંક માટે કરવામાં આવેલ ભલામણની વાત જણાય છે. આ પહેલા પણ તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી બાજપેયીએ પણ એન.ડી.ડી.બીનાં ચેરમેન માટે સ્વ.એચ.એમ.પટેલની સુપુત્રી ડો. અમૃતા પટેલ માટે અભિપ્રાય  શંકરસિંહ વાઘેલાજી પાસે મંગાવેલો. જાહેરજીવનની રાજનીતિમાં રેલવે, બીએસએનએલ સહિતની સંસ્થાઓમાં ભલામણો કરવાની સુનિયોજિત વ્યવસ્થા છે. તેમ છતાં કિન્નાખોરી રાખીને, કાયદાનો દુરુપયોગ કરી  ડબલ એન્જીન સરકાર વિપક્ષના અવાજને દબાવવાનું નક્કી કર્યું હોય તેમ જણાઈ રહ્યું છે.

પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત કોંગ્રેસ પક્ષનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે  સહકારી ક્ષેત્રમાં સભ્યોનો કબજો હોવો જોઈએ, એને બદલે ભાઉ-ભાજપ નક્કી કરે એ જ ચેરમેન થાય અને જે વિરોધ કરે તેને જેલમાં જવાનો વારો આવે છે આવી નીતિ સામે વિરોધ યથાવત્ રહેશે. તે સામે અવાજ ઉઠાવવા  કાલે વિશાળ ’સાક્ષી હુંકાર મહાસભા’ યોજાશે. સહકારી માળખું ભાગવાની અને સહકારી આગેવાનો ઊભા થાય તેને તોડી નાખવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે એની માટે અમારો વિરોધ છે. મહેસાણા કોર્ટમાંથી સરકારી વકીલ મારફત સમન્સ મળ્યું છે. આ સમન્સની અંદર સાક્ષી તરીકે હાજર રહેવા માટે બોલાવ્યા છે.

સમન્સ આપવા પાછળ કારણ કોઈ ઠોસ કારણ જાણવામાં નથી આવ્યું. વિપક્ષના અવાજને દબાવવા ભાજપ સરકારનું આયોજન હોઈ શકે છે. અમે પશુપાલકો અને સહકારી કક્ષાએથી ભલામણ કરીને  વિપુલ ચૌધરીને રાષ્ટ્રીય કક્ષાએ ઉપયોગ થવો જોઈએ એવી અમે ભલામણ કરી હતી. ભાજપના મળતિયાઓ દ્વારા સુરેન્દ્રનગર, પોરબંદરમાં આવેલી દૂધ ડેરીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વિગતો હોવા છતાં ભાજપ કેમ કોઈ કાર્યવાહી કરતી નથી? સત્તાનો દુરુપયોગ કરીને રાજકીય કિન્નાખોરી રાખી વિપક્ષના અવાજને દબાવવાનો કોઈપણ પ્રયાસ ચલાવી લેવામાં નહિ આવે. ડો. બાબાસાહેબ આંબેડકરે ઘડેલા બંધારણથી દુર લોકશાહીના ગળે ટૂંપો દેવાનું કામ અને પોતાના પક્ષના ફાયદા માટે સહકારી સંસ્થાઓને છિન્નભિન્ન કરવાની ભાજપની માનસિકતા વિરુદ્ધ પ્રજાનો સાચો અવાજ રજુ કરવા વિશાળ ’સાક્ષી હુંકાર મહાસભા’ કરવામાં આવશે.

મહેસાણા ખાતે યોજાનાર ’સાક્ષી હુંકાર મહાસભા’ માં પક્ષાપક્ષીથી પર થઈને બિનરાજકીય રીતે ભાજપ સરકારની કિન્નાખોરી સામેની લડાઈમાં મોટી સંખ્યામાં જોડાવા સૌ ભાઈ-બહેનોને આહવાન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.