કોરોનાની સારવાર માટે રુા.7 લાખની કરેલી મદદનો ઉપકારનો બદલો અપકારથી આપ્યો: બગસરાના દંપતી સહિત ત્રણ સમે નોંધાતો ગુનો
કોરોનાના કપરા સમયે સારવાર માટે સાઢુ ભાઇને રુા.7 લાખની કરેલી મદદની ઉઘરાણી કરવા છતાં પરત ન આપતા કોર્ટમાં ચેક રિટર્નના કરેલા કેસથી ઉશ્કેરાયેલા સાઢીભાઇ, તેની પત્ની અને પુત્રએ બગસરાથી રાજકોટ આવી હોકી અને ધોકાથી માર માર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા કોર્પોરેશનના નિવૃત સફાઇ કામદાર રાજુભાઇ મેઘજીભાઇ ગોરીએ બગસરા રહેતા પોતાના સાઢુભાઇ હરેશભાઇ છગનભાઇ વાઘેલા, તેની પત્ની મધુબેન અને પુત્ર સુનિલ હોકી અને ધોકાથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુભાઇ ગોરીની પત્ની ભાનુબેનનું 1999માં ફરજ દરમિયાન મોત થયુ હતુ તેમનું પીએફ અને રાજુભાઇ ગોરી 2005માં નિવૃત થતા તેમના પીએફના રુા.7 લાખ પોતાની પાસે હોવાથી કોરોના સમયે બગસરા ખાતે રહેતા પોતાના સાઢુભાઇ હરેશભાઇ વાઘેલાને સારવાર માટે આપ્યા હતા. લાંબો સમય થવા છતાં હરેશભાઇ વાઘેલા સાત લાખ પરત આપતા ન હોવાતી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટ દ્વારા હરેશભાઇ વાઘેલાને નોટિસ ફટકારવામાં આવતા ઉશ્કેરાયેલા હરેશભાઇ વાઘેલા તેમની પત્ની મધુબેન અને પુત્ર સુનિલ બગસરાથી રાજકોટ આવી કેસ પાછો ખેચી લેવાનું કહી હોકી અને ધોકાથી માર માયાનું ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.વી.જીલરીયા સહિતના સ્ટાફે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.