કોરોના મહામારી, વેપાર પર પ્રતિબંધ, આમ આદમીના હાથમાં પૈસાની ખેંચ સહિતના પડકારો વચ્ચે ‘સહકાર’ કેવી રીતે આપવો તે વેપારીઓ માટે મોટો પ્રશ્ર્ન!!
રાજાના કુંવરનો મહેલ બનતો હોય તો ચોક્કસ સમાજનો તમામ વર્ણ એક હાંકલ પર યથાયોગ્ય સહયોગ કરતું જ હોય છે તે બાબતમાં શંકાને સ્થાન નથી અને તેમાં પ્રજાજનો ઉત્સાહથી જોડાય તો ઠીક નહીંતર ધરાર તો ધરાર જોડાવું તો પડે જ. જો રાજાના કામમાં પ્રજા સહયોગ ન આપે તો રાજ્ય બહાર હાંકી મુકવાનું ફરમાન બહાર પડે તો પણ નવાઈ નહીં. તેવી જ રીતે હાલ રાજકોટ શહેરની મધ્યમાં આવેલી સદર બજાર ચોકીને પણ નવું રૂપરંગ અપાઈ રહ્યું છે ત્યારે આસપાસના વેપારીઓ પાસેથી તમામ પ્રકારનો સહયોગ લેવાઈ રહ્યો છે. વેપારીઓ સ્વેચ્છાએ સહયોગ આપે તો ઠીક નહીંતર ધરાર સહયોગ પણ મેળવી લેવા દબાણ કરાયું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટની મધ્યમમાં આવેલું સદર બજાર સિઝન સ્ટોર્સનો ગઢ છે. ધુળેટીમાં રંગેબરંગી કલર, ઉત્તરાયણમાં માંજો-પતંગ તો દિવાળીમાં ફટાકડાનું વેચાણ થતું હોય છે પરંતુ એક સમયની ધમધમતી બજારના વેપારીઓની હાલ તો જાણે કમર જ તૂટી ગઈ છે. એક તરફ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને તેના પગલે આકરા નિયંત્રણોને લીધે મોટાભાગે વેપાર તો બંધ જ રહ્યો અને વેપારની છૂટ મળી તો આમ આદમીના હાથમાં રોકડ નહિ હોવાથી વેપારમાં 50%નો ઘટાડો જોવા મળ્યો છે.
જેથી વેપારીઓની પરિસ્થિતિ તો હાલ ’પડ્યા માથે પાટુ’ સમાન બની છે. અધૂરાંમાં પૂરું એક તરફ વેપારમાં જંગી ઘટાડો અને બીજી બાજુ રાજાના કુંવર માટે તૈયાર થઈ રહેલાં મહેલ માટે આર્થિક સહયોગ આપવાનું દબાણ હોવાથી વેપારીઓની પરિસ્થિતિ ’ન કહેવાય, ન રહેવાય’ જેવી થઇ ગઈ છે તેવું વેપારી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ફટાકડાના વેંચાણ માટે લાયસન્સ મેળવવું જરૂરી છે ત્યારે લાયસન્સ વિના થતા ફટાકડાના વેંચાણ પર ત્રાટકવાની સત્તા પોલીસને છે. હવે બન્યું છે એવું કે, જેને સતા અપાઈ છે તેમણે ગેરકાયદે વેંચાણ પર લગામ લગાવવાની જગ્યાએ તમામ આસપાસના વેપારીઓને ’રાજમહેલ’ આવવાનું નોતરું આપવામાં આવ્યું હતું. એકાએક નોતરું મળતા મોટા ભાગના વેપારીઓ સમજી જ ગયા હતાં કે, ’રાજાજી’ને કંઈક ખાસ કામ પડ્યું હશે.
મોટાભાગના વેપારીઓને ’રાજમહેલ’ ખાતે તેડાવી કુંવર માટે બનતાં મહેલના નવીનીકરણ અંગે વાતચીત કરાઈ હતી અને તેમાં આર્થિક સહયોગ આપવા આદેશ અપાયો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અમુક વેપારીઓની પરિસ્થિતિ એકદમ નબળી હોવાં છતાં ’સહયોગ તો આપવો જ પડશે’ તેવા આકરા શબ્દોનું ઉચ્ચારણ પણ કરાયાનું જાણવા મળી રહ્યું છે.
હવે ’રાજા’ના ’કુંવર’ માટે તૈયાર થઇ રહેલી સદર ચોકીમાં ચોક્કસ પ્રજાએ સહકાર આપવો જ પડે તે વાતમાં શંકાને સ્થાન જ નથી કેમ કે, જે આખું વર્ષ પ્રજાની ’રક્ષા’ કરે તેને ચોક્કસ સહકાર તો આપવો જ પડે પરંતુ સવાલ એવો પણ ઉદ્ભવયો છે કે, ’મહેલ’ના નવીનીકરણ માટે આદેશ તો આપી દેવાયો પણ શું ’રાજાજી’ની તિજોરીમાં નાણાંની અછત હતી કે કેમ? જેના કારણે નવીનીકરણ માટે પ્રજાજનો પાસે સહકાર મંગાઈ રહ્યો છે.
‘કુંવર’ના મહેલ માટે વેપારીઓ પાસે રૂ.દસ-દસ હજારનો ‘ચાંદલો’ લેવાયો?
વેપારી વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ’કુંવર’ માટે નવનિર્માણ કરાઈ રહેલી સદર ચોકી માટે વેપારીઓ પાસેથી વધુ નહીં પરંતુ ફક્ત રૂ. 10-10 હજારનો ’ચાંદલો’ લેવામાં આવ્યો છે. હા, પછી એ વાત અલગ છે કે, ગામના ’સહુકારો’ પાસેથી સામાન્ય પ્રજા જેટલો ’ચાંદલો’ ન હોય. ’સહુકારો’ સ્વેચ્છાએ આપે તો ઠીક નહીંતર ધરાર મોટો ’ચાંદલો’ લેવાયો હોય તેવો ગણગણાટ જોવા મળી રહ્યો છે.
વેપારીઓનો ‘પડ્યા પર પાટુ’ જેવો ઘાટ ઘડાયો!!
એક તરફ બે વર્ષથી મહામારીને વેપાર પર પ્રતિબંધ. હવે પ્રતિબંધો દૂર થયા તો આમ આદમીના હાથમાં રોકડ નહીં હોવાથી વેપારમાં આશરે 50% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આવી કઠિન પરિસ્થિતિમાં ’સહકાર’ આપવા ફતવો બહાર પાડી દેવાયાને લીધે વેપારીઓની પરિસ્થિતિ ભારે કફોડી બની છે. તેમાં પણ ખાસ નાના વેપારીઓ ભાડેથી જગ્યા મેળવીને ધંધો કરતા હોય છે ત્યારે તેમના માટે તો રૂ. 10 હજારની રકમ પણ સાંપ્રત પરિસ્થિતિમાં ખૂબ મોટી છે.