વર્ષ 2022થી અત્યાર સુધીમાં 6300 આર.સી.બુક રિટર્ન થઈ
આર.સી. બુક મેળવવા માટે આધાર અને ચૂંટણી કાર્ડ લઈ આરટીઓ ઓફીસે રૂબરૂ આવવું જરૂરી: આરટીઓ ખપેડ
ઘણીવાર સરનામા ફેરથી માંડીને ટેક્નિકલ કારણોસર લોકોન્સ વાહનની આરસી બુક તેમને મળવાના સ્થાને આરટીઓ કચેરી ખાતે રિટર્ન થઇ જતી હોય છે જેના લીધે વાહન માલિકે આરસી બુક મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે ત્યારે રાજકોટ આરટીઓએ રિટર્ન થયેલી આરસી બુક શોધી કાઢવા નવતર પ્રયોગ કર્યો છે. જે પ્રયોગ હેઠળ ફક્ત એક ક્યુઆર કોડ સ્કેન કરીને આરસી બુક શોધી શકાશે અને પરત મેળવી શકાશે.
ગુજરાતભરની આરટીઓ ફેસલેસ સુવિધા પુરી પાડે છે ત્યારે રાજકોટ આરટીઓ કચેરીએ વધુ એક નવી પહેલ કરી છે. વર્ષ 2022થી લઈને અત્યાર સુધીમાં આરટીઓ કચેરીએ કુલ 6300 આર.સી.બુક કોઈ કારણોસર પરત આવી છે તેને મેળવવા માટે આરટીઓ ઓફીસર કેતન ખપેડના માર્ગદર્શન હેઠળ એક ક્યુઆર કોડ સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ ક્યુઆર કોડ સ્કેન કરીને નાગરિક નંબર નાખીને આર.સી.બુક ચેક કરી શકે છે ત્યારબાદ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લઈને આરટીઓ કચેરીએ રૂબરૂ આવીને આર.સી.બુક મેળવી શકે છે. આરટીઓ કચેરીએ એડ્રેસનું વેરીફિકેશન બાદ જ આરસી બુક આપવામાં આવશે.
આરટીઓ ઓફીસર કેતન ખપેડે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો ક્યુઆર કોડ સ્કેન કરવું પડશે તેમાં એક એક્સેલ શીટ ખુલશે. જેમાં શીટ 1માં જઈ
વાહનનો નંબર સર્ચ કરી શકે છે જો તેમની આરસી બુક રિટર્ન આવેલી છે તો તેમાં જરૂરથી બતાવશે ત્યારબાદ આરટીઓ કચેરીએ ડોક્યુમેન્ટ લઈને આરસી બુક મેળવી શકે છે.