પૈસાની લેતીદેતી મામલે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ
રાજકોટમાં રહેતા આરટીઓ એજન્ટે રીબડા ચોકડી પાસે વખ ઘોડતા તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આધેડને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આરટીઓ એજન્ટે પૈસાની લેતી દેતિમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મવડી ચોકડી પાસે આવેલા નવલનગરમાં રહેતા અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા પરેશગીરી જીતુગીરી ગોસ્વામી નામનો ૪૮ વર્ષના આધેડ રીબડા ચોકડી પાસે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પરેશગીરી ગોસ્વામી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. પરેશગીરી ગોસ્વામીના દોઢ માસ પૂર્વે જ ભાવનાબેન સાથે બીજા લગ્ન થયા હતા અને ગોંડલના ગુંદાસર ગામે રહેતા માતા-પિતા પાસે પત્ની ભાવનાબેનને મૂકી પરત ફરેલા પરેશગીરી ગોસ્વામીએ રીબડા ચોકડી પાસે પૈસાની લેતી દેતીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.