એક મહિથી બંને શખ્સો કોન્ટ્રાક્ટ બેઇઝ પર સિવિલ હોસ્પિટલમાં કરતા હતા નોકરી: પોલીસ પૂછપરછમાં મોટા માથાઓને પણ રેલો આવશે
રાજકોટમાં કોરોનાની મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં રૂ.9,000ની કિંમતમાં બેડ આપી તાત્કાલિક સારવાર કરાવી દેતા બે શખ્સોનો વિડીયો વાયરલ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી સાંજ સુધીમાં બંને શખ્સોને દબોચી લીધા હતા. આ બંને સોદાગરો હજુ એક મહિના પહેલા જ કોન્ટ્રાક્ટ બેઇઝ પર સિવિલમાં નોકરી પર લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારક સઘન પૂછતાછ કરવામાં આવે તો તંત્રના અનેક મોટા માથાઓને પણ રેલો આવે તેવી આશંકાઓ દેખાઈ રહી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલમાં બેડ આપવા માટે પૈસા ઉઘરાવતા બે આરોપીનઓને જામનગરથી દબોચી લીધા છે. જેમાં જગદીશ સોલંકી એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે અન્ય આરોપી હિતેશ મહિડા સિવિલ હોસ્પિટલમાં સફાઇ કર્મી તરીકે ફરજ બજાવતો હતો.હાલ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. શહેરની એક હોસ્પિટલમાં ખાલી બેડ નથી. ત્યારે દર્દી દાખલ કરવા માટે સગાઓ રઝળી રહ્યા છે.
આવી ભયંકર સ્થિતિમાં પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો ચાલુ થયો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં શખ્સ બોલે છે કે 9,000 આપો 30મિનિટમાં જ બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ થઇ જાશે. આ અંગે કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી ઉચ્ચ કક્ષાએ તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં રૂ.9,000માં બેડના સોદા કરતા બંને શખ્સો કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરીએ લાગ્યા હતા. દર્દીના સંબંધી પાસેથી પૈસા પડાવી હોસ્પિટલમાં બેડ અપાવતો હિતેષ મહિડા 1લી એપ્રિલે જ તેમજ જગદીશ સોલંકી 10મી એપ્રિલના એટન્ડન્ટ તરીકે નોકરી પર રહ્યા હતા. બંને શખ્સે વોર્ડમાં દર્દીને જમાડવા, બાથરૂમ લઇ જવા સહિતની કામગીરી કરવાની હતી પરંતુ બંને શખ્સ દર્દીની સારવારને બદલે મુરઘાની શોધમાં રહેતા હતા. બંને શખ્સ જામનગરના વતની છે અને રાજકોટમાં નોકરી પર રહ્યા બાદ રેનબસેરામાં રહેતા હતા. આ બંને સોદાગરો રૂ.9,000 પડાવી માત્ર 30 મિનિટમાં જ બેડ અને સારવારની સુવિધાઓ આપતા હતા. મોટા કોન્ટેકટ હોવા છતાં પણ જ્યાં બેડ મળતો નથી ત્યાં અડધો કલાકમાં જ બેડ અપાવવા માટે મોટા માથાનો હાથ હોવાની પુરી શંકા સેવાઇ રહી છે. જો સઘન પૂછતાછ કરવામાં આવે તો ઘણા મોટા માથાઓને પણ રેલો આવી શકે છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે લાંબી કતાર લાગે છે ત્યારે વૃધ્ધાને સીધા જ હોસ્પિટલમાં કઇ રીતે લઇ જવાયા. આ કામ કાયમી કર્મચારીની મદદ વગર સંભવ નથી. પોલીસે એ કર્મીની શોધખોળ શરૂ કરી છે.