- લોન લઈને મિત્રોને ધંધા માટે પૈસા આપ્યા’તા : રણછોડનગરના કારખાનેદારે આર્થિક ભીંસમાં આવી મોત વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ
Rajkot : શહેરના રણછોડનગરમાં રહેતા એક કારખાનેદારે અંદાજિત બે માસ પૂર્વે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાના બનાવમાં મૃતકે લખેલી સુસાઇડ નોટ મળી આવ્યા બાદ અંતે બી ડિવિઝન પોલીસ મથકમાં મહારાષ્ટ્ર, અમદાવાદ, જૂનાગઢ અને રાજકોટના સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મૃતકે લોન લઈને મિત્રોને ધંધા માટે રૂ. 2.47 કરોડ આપ્યા હતા પરંતુ મિત્રોએ જ દગો કરતા આર્થિક ભીંસમાં આવી યુવાને આ પગલું ભર્યાનું સામે આવ્યા બાદ સાત મિત્રો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
શહેરમાં રણછોડનગરમાં રહેતા અને અટીકામાં લેસર કટિંગનો ભાગીદારીમાં ધંધો કરતા વેપારીએ પોતાના ઘેર ફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં તેના પરિવારજનોને એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં તેના મિત્રોને ધંધો શરૂ કરવા માટે અઢી કરોડની મદદ કરી હતી જે પરત આપતા ન હોય અને બેંકમાં લોન લીધી હોય જે પૈસા કેમ ભરીશ તેથી આ પગલું ભરી લીધું હોય જેથી મૃતકના પિતાએ ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે મરવા મજબૂર કરનાર સાત મિત્રો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.રણછોડનગરમાં રહેતા યોગેશભાઈ ઉર્ફે અશોકભાઈ બાબિયા (ઉ.વ.62)એ ફરિયાદ કરી હતી, જેમાં આરોપીઓ તરીકે અમદાવાદના રાહુલ સોની, જૂનાગઢના હુશેન મલિક, રાજકોટના અજય રાઠોડ,પંકજ રાજા,આશિષ પરમાર, હર્ષિલ શેઠ અને પુણેના સંતોષ સેન્ડકરના નામો આપ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રણછોડનગરના અમૃતાલય એપાર્ટમેન્ટમાં મારા પરિવાર સાથે રહું છું અને હું મારી પત્ની, મારો પુત્ર મૌલિક અને તેની પત્ની દિપ્તીબેન સાથે રહેતા હતા અને મારો પુત્ર મૌલિક લેસર કટિંગનો વેપાર અટીકા ફાટક પાસે ભાગીદાર સુધીરભાઈ સાથે ધંધો કરતો હતો અને છેલ્લા કેટલાક સમયથી મારો પુત્ર ગુમસુમ રહેતો હોય જેથી મેં તેને આ બાબતે પૂછતા તેણે મને કહેલ કે મેં બેંકમાંથી મોટી લોન લઇને મારા મિત્રોને ધંધા માટે હાથ ઉછીના આપ્યા હતા અને આ લોકોએ મને વિશ્વાસ આપી અને સારો નફો તને આપશું કહ્યું હતું, પરંતુ અવારનવાર ફોન કરતા તે લોકો મુદ્દલ રકમ મને આપતા ન હોય અને વાયદાઓ આપતા હોય અને બેંકમાં લોન લીધી હોય તેથી હવે શું કરવું તેની ચિંતા હોવાનું જણાવ્યું હતું. બાદમાં તા.15ના રોજ સવારે જાગીને હું બહાર ગયો હતો અને અમારી સોસાયટી પાસે ચોકમાં બેઠો હતો ત્યારે અમારા પાડોશીએ જણાવેલ તમે જલ્દી ઘેર આવો જેથી હું તુરંત ઘેર ગયો હતો અને તપાસ કરતા મારો પુત્ર મૌલિક બેડ પર સુતેલી હાલતમાં હોય જેથી મારી પત્નીને પૂછતા તેને પુત્રએ પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હોય પાડોશીને જાણ કરતા તેણે નીચે ઉતારી બેડ પર સુવડાવેલ હોવાનું જણાવતા જેથી તેને જાણ કરતા 108ની ટીમે પહોંચી જઈ મૃત જાહેર કર્યો હતો.
બાદમાં પોલીસમાં જાણ કરી તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પુત્રના અંતિમસંસ્કાર બાદ તેના પરિવારમાં વાત કરી ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને પુણેના મિત્રોએ માર્યો ધુંબો
મૃતકે સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર કુલ સાત મિત્રો પાસેથી રૂ. 2.47 કરોડ લેવાના નીકળે છે. જેમાં અમદાવાદના રાહુલ સોની પાસેથી રૂ. 95 લાખ, જૂનાગઢના હુશેન મલિક પાસેથી 20 લાખ, રાજકોટન અજય રાઠોડ પાસેથી 45 લાખ, પંકજ રાજા પાસેથી 27 લાખ, આશિષ પરમાર પાસેથી 25 લાખ, હર્ષિત શેઠ પાસેથી 15 લાખ અને પુણાના સંતોષ સેન્ડકર પાસેથી 20 લાખ લેવાના છે તેવું જણાવ્યું હતું.