બાયોડિઝલના જથ્થાને નિકાલ અર્થે જીપીસીબીને સોંપવા કલેક્ટરનો આદેશ
નવા જાહેર થયેલા પરિપત્ર મુજબ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રથમ વાર પેટ્રોલિયમ પદાર્થને ભસ્મીભૂત કરશે
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લામાં 11 સ્થળોએથી પકડાયેલા બાયોડિઝલનો રૂ. 68 લાખનો જથ્થાને નાશ કરાશે. બાયોડિઝલના જથ્થાને નિકાલ અર્થે જીપીસીબીને સોંપવા કલેક્ટરે આદેશ પણ કર્યો છે. જેને પગલે નવા જાહેર થયેલા પરિપત્ર મુજબ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રથમ વાર પેટ્રોલિયમ પદાર્થને ભસ્મીભૂત કરશે.જિલ્લામાં બાયોડિઝલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહીનું અનઅધિકૃત વેચાણ થતું હોવાથી રાજકોટ જિલ્લાના કુલ 11 એકમો સામે કાયદાની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમની પાસેથી કબ્જે લેવાયેલ તમામ જથ્થો રાજયસાત કરવા તેમજ અનઅધિકૃત બાયોડિઝલના રાજ્યસાત કરાયેલ ભેળસેળવાળા પદાર્થને સરકાર દ્વારા હેઝાર્ડસ વેસ્ટ ગણ્યો હોવાથી જપ્ત કરાયેલ જથ્થાને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તરફથી નક્કી થયેલ ગાઈડલાઈન મુજબ નિકાલ કરવા અંગે આદેશ કરાયો છે.
રાજકોટ જિલ્લામાં યોગીરાજ ટ્રેડિંગ, રબારીકા ચોકડી પાસે, જેતપુર ખાતેથી રૂ. 9.38 લાખની કિંમતનો 1.59 લાખ લીટર જથ્થો, શ્રી રાજ ટ્રેડિંગ, ગોંડલ-જેતપુર હાઇવે, નવા માર્કેટિંગ યાર્ડ સામે, ગોંડલ ખાતેથી રૂ. 20.30 લાખનો 41436 લીટર જથ્થો, ગણેશ પેટ્રોલિયમ, રબારીકા ચોકડી પાસે, જેતપુર ખાતેથી રૂ. 1.51 લાખનો 3400 લીટર જથ્થો, પવન બાયોડિઝલ, કાગવડ ચોકડી પાસે, જેતપુર- રાજકોટ નેશનલ હાઇવે પાસે, વછરાજ હોટેલ, જેતપુર ખાતેથી રૂ. 2 લાખનો 4000 લીટર જથ્થો તેમજ રૂ. 1.16 લાખનો 2000 લીટર જથ્થો, પરશુરામ એન્ટરપ્રાઈઝ, કાગવડ ચોકડી પાસે, જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે, જેતપુર ખાતેથી રૂ. 5.44 લાખનો 9900 લીટર જથ્થો, દ્વારકાધીશ બાયોડિઝલ પમ્પ, હડમતીયા તા.જસદણ ખાતેથી રૂ. 1.80 લાખનો 3000 લીટર જથ્થો, શિવશક્તિ એન્ટરપ્રાઈઝ, એસઆરપી કેમ્પ, ઘંટેશ્વર, તા.રાજકોટ ખાતેથી રૂ. 4.57 લાખનો 7525 લીટર જથ્થો, કૈશિકભાઈ રતાભાઈ બકુત્રા, સાત હનુમાન પાસે, રાજકોટ ખાતેથી રૂ. 3.68 લાખનો 5500 લીટર જથ્થો, શક્તિ બાયોડિઝલ, કુવાડવા રોડ, રાજકોટ ખાતેથી 11.90 લાખનો 17500 લીટર જથ્થો અને ઓમ શક્તિ એન્ટરપ્રાઈઝ, માલિયાસણ, તા.રાજકોટ ખાતેથી પકડાયેલા 6.50 લાખના 10000 લીટર જથ્થો મળી કુલ 68.26 લાખના 2.63 લાખ લીટર જથ્થાનો નિકાલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા તાજેતરમાં જ આવા પેટ્રોલિયમ જથ્થાના નિકાલ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ જથ્થો કલેક્ટર તંત્ર દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને સોંપવામાં આવશે. બાદમાં નવા પરિપત્ર મુજબ ગુજરાત નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રથમ વખત પેટ્રોલિયમના જથ્થાને ભસ્મીભૂત કરીને તેનો નાશ કરવામાં આવનાર છે.