અબતક, રાજકોટ
કોર્પોરેશન દ્વારા વન રોડ, વન વીક ઝુંબેશ અંતર્ગત અલગ-અલગ નિયત કરાયેલા વારે ઝોન વાઇઝ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આજે શનિવારે ઇસ્ટ ઝોન વિસ્તારમાં સંત કબીર રોડ પર કોર્પોરેશનો કાફલો ત્રાટક્યો હતો. ટીપી શાખા દ્વારા વોર્ડ નં.5 અને 6માં સમાવિષ્ટ સંતકબીર રોડ પર અલગ-અલગ 20 સ્થળોએ માર્જીન-પાર્કીગમાં થયેલા ગેરકાયદે બાંધકારો અને દબાણો હટાવવા માટે 55 જેટલા છાપરા-ઓટલાઓ તોડી પાડી 425 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
વન રોડ, વન વીક ઝુંબેશ અંતર્ગત ટીપી શાખા વોર્ડ નં.5 અને 6માં ત્રાટકી: 425 ચો.મી. જગ્યા ખૂલ્લી કરાવાઇ
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સંતકબીર રોડ પર અલગ-અલગ 20 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફૂટપાથ પર છાપરાનું બાંધકામ, રસ્તામાં પતરા, ફૂટપાથમાં લોખંડના પાઇપ અને તાલપત્રી, રસ્તા પર પતરા સહિતના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. અલગ-અલગ 20 સ્થળોએ ઓટલા-છાપરાનું દબાણ દૂર કરી 425 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ કામગીરીમાં ઇસ્ટ ઝોનની ટાઉન પ્લાનિંગ શાખા, બાંધકામ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા સહિતનો કાફલો ત્રાટક્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વીજીલન્સ શાખાનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.