લોકડાઉન પહેલા બંગાળી કારીગર સહિત ચાર શખ્સોએ કાવતરૂ રચ્યું ; અનલોકમાં રેકી શરૂ કરી લૂંટને અંજામ આપ્યો
આઇવે પ્રોજેકટના આધારે લૂંટ ચલાવનાર બે લૂંટારા ઓળખાયા ; મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઇલના આધારે સતત કોલ મોનીટરીંગ કરી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો
કોઠારીયા સોલવન્ટમાં બનેવીના ઘરે લૂંટારૂ ટોળકી મુદ્દામાલની ભાગબટાઈ કરે તે પૂર્વે જ રૂરલ પોલીસે ત્રાટકી મુદ્દામાલ કબ્જે કર્યો ; કાવતરૂ રચનાર બંગાળી શખ્સ પોલીસ પહોંચથી દૂર
જેતપુરમાં સોની વેપારીની આંખમાં મરચું છાંટી બે શખ્સો રૂ. ૩૨ લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જવાના બનાવમાં પોલીસે રાજકોટના કોઠારીયા ગામમાં ચાર શખ્સોને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલી નાખી સોનાના દાગીના,રોકડ રૂપિયા, ૫ મોબાઈલ, એક છરી મળી કુલ રૂ. ૩૦,૧૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કોઠારીયા સોલાવન્ટમાં બનેવીના ઘરે લૂંટારું ટોળકી મુદ્દામાલ ભાગબટાઈ કરે તે પૂર્વે જ રૂરલ પોલીસે ત્રાટકી મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.જ્યારે લોકડાઉન પૂર્વે કાવતરું રચનાર બંગાળી શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં ત્રણ દિ’ પૂર્વે સોની બજારમાંથી મતવા શેરીમાં સોનાના દાગીના અને રોકડ મળી ૩૦.૪૦ લાખની મતા ભરેલો થેલો લઇને જતા વેપારી ચીમનભાઇ કાળાભાઇ વેકરીયાને બાઇકમાં આવેલ બે શખ્તોએ આંદારી આંખમાં મરચાની ભૂકી છાંટી છરીની અણીએ સોનાના દાગીના અને રોકડ ભરેલો થેલો લૂંટી નાસી છુટયા હતાં. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા રૂરલ એસ. પી. બલરામ મીણા, એલ.સી.બી, રૂરલ એસ.ઓ.જી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખવા માટે
રૂરલ એસ. પી. બલરામ મીણાએ સુચના આપી એલ.સી.બી, એસ.ઓ.જી, સ્થાનિક પોલીસની ૬ ટીમો બનાવી જુદા- જુદા સ્થળો પર સીસીટીવી ચેકિંગ કરવા આદેશ આપ્યો હતો.
જે અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. અજયસિંહ ગોહીલ તથા પીએસઆઇ એચ. એમ. રાણાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસી ટીવી ફુટેજના આધારે તપાસ કરતા લૂંટ કરનાર શાકીર ખેડારા અને સમીર ઉર્ફ ભડાકો હોવાનું ખુલતા લોકેશન અને મોબાઈલ કોલ ડિટેઇલની આધારે બન્નેની શોધખોળ હાથ ધરાઇ હતી.જેમાં રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે લૂંટ કરનાર શાકીર મુસાભાઇ ખરેડા ( રહે.જેતપુર ગોંડલ દરવાજા ) , બાઇક હંકારનાર સમીર ઉર્ફ ભડાકો હનીફભાઇ ચૌહાણ ( રહે. કોઠારીયા સોલાવન્ટ મસ્જિદ પાસે ) તથા આ લૂંટમાં મદદગારી કરનાર શાકીરના બનેવી અકબર જુસુબભાઈ રીગડીયા ( રહે .કોઠારીયા સોલવન્ટ બરકતીનગર ), તુફેલ ઉર્ફ બાબો મુસાભાઈ ખડેરા (રહે. કોઠારીયા મહમદી બાગ સોસાયટી ) સંડોવણી હોવાનું ખુલતા મોબાઈલ લોકેશન ચેક કર્યા હતા.
કોઠારીયા સોલાવન્ટના બરકતીનગરમાં ચારેય લૂંટારું લૂંટનો સોનાનો મુદ્દામાલ – રોકડની ભાગભટાઈ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ગ્રામ્યના પી.આઈ એ.આર.ગોહિલ, પી.એસ.આઈ એચ.એમ.રાણા, પી એસ.આઈ. એચ.ડી.હીંગરોજા પોલીસ કોન્સ્ટેબલ નારણ પંપાણિયા , દિવ્યેશ સુવા, સાહિલ ખોખર સહિતના સ્ટાફે દરોડો પાડી ચારેય લૂંટારુંને ઝડપી લઈ સોનાના દાગીના રૂ.૨૮,૪૦,૦૦૦ , રોકડ રૂપિયા ૧,૪૩,૦૦૦, મોબાઈલ ફોન ૫ , એક છરી ,બાઈક મળી કુલ રૂ.૩૦,૧૦,૦૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસ.પી બલરામ મીણાના જણાવ્યા મુજબ આ લૂંટનો પ્લાન શાકીર અને સમીર ઉર્ફે ભડાકાએ ઘડયો હતો. અગાઉ એક વર્ષ શાકીરને કોઇ બંગાળી વેપારીએ આ લૂંટની ટીપ આપી હતી પણ જે તે વખતે લોકડાઉનના કારણે અમલમાં મૂકી ન હતી. પરંતુ બાદમાં શાકીરે પૈસાદાર થવા માટે સમીરની મદદથી આ લૂંટનો પ્લાન અમલમાં મુકયો હતો. લૂંટમાં વપરાયેલ બાઇક અકબરની માલીકીનું છે. લૂંટ કર્યા પૂર્વે બાઇકમાં ચાર નંબર પૈકી બે નંબર ભુસી નંખાયા હતા.
બન્ને આરોપીએ લૂંટ કર્યા બાદ શાકીર અને સમીરે લૂંટાયેલ મુદ્દામાલ ૧.૪૭, લાખ રોકડા અને સોનાના દાગીના શાકીરે તેના બનેવી અકબરના ઘરે રાખી દિધા હતા. લુંટમાં વાપરવાનું બાઇક તુફેલ ખડેરા જેતપુર લઇ આવ્યો હતો અને બાદમાં તે રાજકોટ બસમાં આવી ગયો હતો રાજકોટમાં અકબરના ઘરે શાકીર, સમીર, અકબર તથા તુફેલ લૂંટાયેલ મુદ્દામાલનો ભાગ પાડવા ભેગા થયા હતા ત્યારે જ રૂરલ ક્રાઇમ બ્રાંચે ચારેયને દબોચી લીધા હતા લૂંટાયેલ તમામ મુદ્દામાલ પોલીસે કજે કર્યો છે.આ લૂંટનો મુખ્ય સૂત્રધાર શાકીર અગાઉ જેતપુરમાં રહેતો હોય તે જેતપુરની પરિચિત હોય આ લૂંટનો પ્લાન અમલમાં મુકયો હતો. લૂંટારૂ ટોળકીને ઝડપી લેનાર રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા એસઓજીની ટીમને રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહ તથા એસ.પી. બલરામ મીણાએ અભિનંદન પાઠવ્યા હતા.