દવાના છંટકાવ માટે ‘શકિતમાન’ બ્રાન્ડના સેનીટાઈઝર મશીનનો ઉપયોગ

કોરોના વાઇરસની બીજી લહેર લોકોને ખૂબ જ ઝડપી સંક્રમિત કરી રહી છે. આવા સંજોગોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખુબ જ મોટા પાયે સર્વેલન્સ ટેસ્ટિંગ અને વેક્સિનેશન ઉપરાંત હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને દવાઓ, રેગ્યુલર ફોલોઅપ વગેરે પગલા લેવામાં આવી રહ્યા છે. ગત સાલ કોરોનાની પ્રથમ લહેર વખતે જે પ્રકારે તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવતા હતા; તેવી જ રીતે હાલ કોરોનાની બીજી લહેરમાં પણ પરિસ્થતિની ગંભીરતા અનુસાર દિવસ-રાત જોયા વગર તંત્ર કામગીરી કરી રહ્યું છે. જેમાં ગઈકાલ રાત્રીથી શહેરના માર્ગો પર યોગેશ્વર સ્વાધ્યાય પરિવાર, મુંબઈ દ્વારા શક્તિમાન કંપનીના હાઈ ક્લીયરન્સ શરૂ કરવામાં આવી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, અને કમિશનર ઉદિત અગ્રવાલે આ અંગે  જણાવ્યું હતું કે, હાલ ગઈકાલ રાત્રીથી બે બુમ સ્પ્રેયર મશીનો વડે ડીસઇન્ફેક્શનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. મેયરએ આ બંને મશીનો ચાલુ કરાવવા ચર્ચા કરી હતી. અને આગામી દિવસોમાં વધુ મશીનો મંગાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.

આ મશીન દ્વારા સોડીયમ હાઈપોકલોરાઈટ સોલ્યુશથી રાજકોટ શહેરના મુખ્યમાર્ગો પર ગઈકાલે  રાત્રે 10:00 થી સવારે 04:00 વાગ્યા સુધી સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવેલ. જેમાં મુખ્યમાર્ગ ડો.યાજ્ઞિક રોડ, યુનિવર્સીટી રોડ, રેસકોર્ષ રીંગ રોડ, વિગેરે રોડનું સેનીટાઈઝેશન કરવામાં આવેલ. આજ રોજ એક મશીન વેસ્ટઝોનના જુદા જુદા મુખ્યમાર્ગો અને એક મશીન સેન્ટ્રલ ઝોનના મુખ્યમાર્ગો લેવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર ઈસ્ટઝોન ઉપરાંત જુદા જુદા વિસ્તારોના મુખ્યમાર્ગો પર દરરોજ રાત્રિ કર્ફ્યુ દરમ્યાન સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવશે.

આ મશીન વડે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી સાથે દવા મિશ્રણ કરી, તમામ રસ્તાઓ, શેરીઓ, તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ થઇ શકશે. આ મશીનની સ્પ્રે ટેન્ક કેપેસિટી 600 લીટરની છે. આ મશીનથી સ્પ્રેયીંગ નોઝલની મદદ વડે દવા છંટકાવ કરી શકાય છે. આ કંપનીએ પ્રવર્તમાન સંજોગોમાં લોકો પ્રત્યેની પોતાની એક સામાજીક જવાબદારીના ભાગરૂપે આ મશીનો આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.