રાજકોટની ચારેય વિધાનસભાની બેઠક માટે આજે બપોરે ભાજપના ઉમેદવારોએ નામાંકન પત્ર દાખલ કર્યા હતા. તે પૂર્વ પોલીસ સહિત તમામ સરકારી વિભાગો સત્તાધારી પક્ષ ભાજપની ખાતરદારીમાં લાગી ગયુ હતુ. ફોર્મ ભરવાની પ્રક્રિયાના આરંભથી જ પ્રજાજનોની હાલાકી શરુ થઇ જવા પામી છે. રેસકોર્સ સ્થિત બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે એક શુભેચ્છા સભાનું આયોજન કરવામાં આવ્યું હોય ભાજપ દ્વારા ગઇકાલ સાંજથી જ ચોકનો કબ્જો લઇ લેવામાં આવ્યો હતો.
બહુમાળી ભવન ચોકમાં એક સાઇડનો રસ્તો બંધ કરી ડામર રોડ ખોદી મંડપ અને વિશાળ સ્ટેજ ઉભું કરી દેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા હંગામી વિજ જોડાણ પણ આપી દેવામાં આવ્યું હતું. બહુમાળી ભવન ચોકમાં સભા હોવા ન છતાં જિલ્લા પંચાયત ચોકથી ડાબી તરફ વળવાનો રસ્તો પોલીસ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે વાહન ચાલકોએ સતત બે કલાક સુધી ટ્રાફીક જામની સમસ્યા વેઠવી પડી હતી.સામાન્ય વ્યકિત સારા કે માઠા પ્રસંગ માટે મંડપ નાખે તો પણ કોર્પોરેશનનું તંત્ર હવનમાં હાડકા નાંખવાનું કામ કરે છે.
દરમિયાન આજે ભાજપની સેવામાં તમામ સરકારી વિભાગો તત્કાલ સેવા આપવા ખડે પગે રોકાય ગયા હતા. કોંગ્રેસના ઉમેદવારો પણ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને વંદન કર્યા બાદ ફોર્મ ભર્યા હતા. પરંતુ તેઓએ પ્રજાને કોઇ સમસ્યા નો સામનો કરવો પડે તેવું કર્યુ ન હતું. શાંતિથી બે ઉમેદવાર થોડા કાર્યકરો સાથે આવ્યા અને લોખંડી પુરૂષની પ્રતિમાને વંદન કરી નીકળી ગયા ભાજપના ઉમેદવારોએ ફોર્મ ચોકકસ ભરી દીધા છે. પરંતુ બહુમાળી ભવનનો એક સાઇડનો રસ્તો આજે ખુલ્લે તો પણ સારૂ.