રેસકોર્ષ-૨માં ડેવલપ થતા તળાવનું “અટલ તળાવ” નામકરણ કરતા માન.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી.
“સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ફેસ-૨માં ૪૫ એકરમાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો શુભારંભ તા૫/૦૫/૧૮ શનિવારના રોજ સવારના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ.
તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, કલેકટર ડૉ.રાહુલ બી. ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, રાજકોટ શહેર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા.
અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડૉ.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરા, રાજકોટના સંગઠન પ્રભારી અને કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, એચ.જે. ઇન્ડસ્ટ્રીઝના પર્સોનલ મેનેજર જે.આર.કીકાણી, ભવાની ઇન્ડસ્ટ્રીઝના અતુલભાઈ જુઠાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટ સભ્ય ડૉ.નેહલભાઈ શુકલ, ડૉ.મેહુલભાઈ રૂપાણી, ડૉ.ભાવિનભાઈ કોઠારી, ડૉ.વિજયભાઈ પટેલ, ડૉ.અમિત હપાણી, ડૉ.વિજય દેસાણી, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, આર.કે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શિવલાલભાઈ રામાણી, મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઈ મારવાડી, રોલેક્ષ રીંગ્સ પ્રા. લિ.ના ચેરમેન મનીષભાઈ માદેકા, સહકારી અગ્રણી શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા.
વી.વી.પી.એન્જીનીયરીંગ કોલેજના ટ્રસ્ટી કૌશિકભાઈ શુક્લ, બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, અગ્રણી બિલ્ડર સ્મિતભાઈ કનેરિયા, અગ્રણી ઉદ્યોગપતિ શંભુભાઈ પરસાણા, મહેન્દ્રભાઈ ફળદુ, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, બાલાજી વેફર્સ પ્રા. લિ.ના ભીખાભાઈ વિરાણી, રમેશભાઈ ટીલાળા, તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રૈયા સ્માર્ટ સિટી, રેસકોર્ષ-૨ના વિસ્તારના આ તળાવને ઊંડું ઉતારવાના અભિયાનમાં આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ તમામને અભિનંદન પાઠવું છું. રાજય સરકારે ગુજરાતને પાણીદાર બનાવવા માટે “સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮” હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૬,૦૦૦ જેટલા કામો શરૂ થયા છે. રાજ્યના ૧૩,૦૦૦ જેટલા ચેકડેમ, તળાવ, સહિતના વિવિધ જળાશયો ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે.
૩૪ નદીઓના આવરા સાફ કરી, આ નદીઓને પુનર્જીવિત કરવાનું કામ પણ ગતિમાં છે. ૫,૦૦૦ કેનાલોની સફાઈ થઇ રહી છે. તો સાથો સાથ ૩૩,૦૦૦ જેટલા એરવાલ્વ, સમ્પ તથા વોટર ટેન્કો વિગેરે પણ સાફ કરવામાં આવી રહ્યા છે. મને એ વાતનો આનંદ છે કે, રાજય વ્યાપી આ અભિયાનને લોકોએ પોતાનું અભિયાન બનાવી લીધું છે. આજે સવારે જ બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પરના એક નાનકડા ગામમાં તળાવને ઊંડું ઉતારવા મોટી સંખ્યામાં લોકો શ્રમદાન આપી રહ્યા હતા, તે ખરેખર આનંદની વાત છે. રાજકોટમાં રાજાશાહી વખતમાં લાલપરી અને રાંદરડા તળાવ બન્યા બાદ બીજું એક પણ નવું તળાવ અત્યાર સુધીમાં બન્યું ન હતું જયારે હવે રાજકોટમાં રેસકોર્ષ-૨ના વિસ્તારમાં એક તળાવને વિકસિત કરવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં લગભગ રૂ.૪૨ કરોડ જેવો ખર્ચ થનાર છે.
માન.મુખ્યમંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, રાજ્યની એક માસની આ ચળવળથી રાજ્યમાં ૧૧,૦૦૦ લાખ ઘન મીટર વધુ જળ સંગ્રહી શકાશે અને આટલું ખોદાણ થતા જે માટી અને કાંપ નીકળશે તેનો ખેતી, રસ્તા વિગેરે કામોમાં ઉપયોગ થઇ શકશે અને લોકો તેને વિનામુલ્યે લઈ જઈ શકશે. સરકારે તેની રોયલ્ટી પણ માફ કરી છે. રાજ્યનું આ અભિયાન દેશનું સૌથી મોટું જળ સંચય અભિયાન છે. ગુજરાતે આ અભિયાન થકી દેશને એક નવી દિશા તથા નવો રાહ ચીંધ્યો છે.
એક માસમાં રાજય સરકાર ત્રણ મહત્વના કદમ ઉઠાવી રહી છે. જેમાં, ડ્રેનેજના વોટરને ટ્રીટ કર્યા વગર સીધુ જ છોડી શકાશે નહી, ટ્રીટમેન્ટ બાદ શુધ્ધ જળ તળાવમાં છોડવામાં આવશે. આ માટેની રીસાયક્લિંગ પોલીસી તુરંતમાં જાહેર કરવામાં આવશે.
રાજય સરકારનો બીજો મહત્વનો નિર્ણય દરિયાના ખારા પાણીને મીઠું કરવા અંગેનો છે. જામનગર નજીક જોડિયા ખાતે રૂ.૮૦૦ કરોડના ખર્ચે ડીસેલીનેશન પ્લાન્ટ નાખી દરિયાના ખારા પાણીને મીઠું બનાવવામાં આવશે. ૧૦ કરોડ લિટરની પાણીની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ જેવા જ અન્ય ૧૦ પ્લાન્ટ કચ્છ, સૌરાષ્ટ્ર અને દહેજ સુધીના દરિયા કાંઠાના વિસ્તારમાં સ્થાપવામાં આવશે.
દેશમાં તામિલનાડુના ચેન્નાઈ બાદ આવા પ્લાન્ટ ધરાવનાર ગુજરાત સમગ્ર દેશમાં બીજું રાજય બનશે.
રાજ્યમાં ભરુચ પાસે નર્મદાના મીઠા પાણી દરિયાના ખારા પાણી સાથે ભળી રહ્યા છે. ખારા પાણીને મીઠા પાણી સાથે ભળતું અટકાવવા માટે રાજય સરકારે રૂ.૪,૦૦૦ કરોડના ખર્ચે એક ડેમ બનાવવાનો નિર્ણય કર્યો છે.
અંતમાં, માન.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વોટર રીચાર્જ, રીડ્યુસ, રીસાયક્લિંગ, અને રિયુઝની નીતિ આપણે અપનાવવી પડશે. “જલ હે તો કલ હે” “જળ સંચય અભિયાન”ને “જન અભિયાન” બનાવવું પડશે અને “જય શ્રી કૃષ્ણ”ની સાથે “જળ શ્રી કૃષ્ણ” કહેવું પડશે. રાજકોટમાં રૈયા ખાતે વિકસિત થનાર આ તળાવને મુખ્યમંત્રીએ “અટલ તળાવ” નામકરણ કરેલ હતું.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા માન.મેયરશ્રી ડૉ.જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, નિર્ણાયક સરકારના નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને આપેલા આ નવા નજરાણા બદલ સૌ વતી તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. રાજય હોય કે કેન્દ્ર સરકાર રાજકોટને સુવિધા આપવામાં કદી પાછુ વાળીને જોયું નથી. નવું એરપોર્ટ, નવું બસ પોર્ટ, આજી-૧ ડેમમાં નર્મદાના નીર વિગેરે જેવા વિકાસ કાર્યોની હારમાળા સર્જાવી છે. રાજય સરકારે આગામી ચોમાસા સુધી પાણીની કોઈ મુશ્કેલી ન થાય તેવી ખાતરી આપી છે.
ત્યારે આપણે સૌએ પાણીનું મુલ્ય સમજી, તેનો બચાવ તથા કરકસરયુક્ત ઉપયોગ કરવો એ આપણી સૌની ફરજ છે. રાજય સરકારના સુજલામ સુફલામ “જળ સંચય અભિયાન-૨૦૧૮” હેઠળ રાજકોટના લાલપરી તળાવમાંથી ૪ દિવસમાં ૬,૫૦૦ ઘન મીટર કાપ બહાર કાઢ્યો છે. સાથો સાથ આજી નદી શુદ્ધિકરણ ઝુંબેશમાં પણ ૫૦૦ ટન કચરો બહાર કાઢ્યો છે. હવે અહીં રૈયા સ્માર્ટ સિટી પાર્કમાં પણ તળાવ ઊંડું ઉતારીશું. રાજકોટ આ ઝુંબેશમાં જરાય પાછળ નહી રહે. એમ કહેવાય છે કે, ત્રીજું વિશ્વયુધ્ધ પાણી માટે થશે. પાણી માટે આપણે સૌએ જાગૃત થવું પડશે જળ સંચય અભિયાનમાં દરેક વ્યક્તિ ઉત્સાહભેર યોગદાન આપે તેવી હૃદયપૂર્વકની અપીલ કરું છું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કર્યું હતું જયારે મહાનગરપાલિકાના પદાધિકારીશ્રી તથા શહેર ભાજપના હોદ્દેદારોએ માન.મુખ્યમંત્રીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. વોટર વર્કસ કમિટીના ચેરમેન શ્રી દલસુખભાઈ જાગાણીએ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરેલ. જયારે આભાર દર્શન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરેલ હતું. આ પ્રસંગે રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલ જળ સંચય યોજના અંતર્ગત થનાર વિકાસ કામો તથા રાજકોટ મહાનગરપાલિકાના વિકાસ કામોનો વિડીયો પ્રદર્શિત કરાયો હતો.
બાદમાં, માન.મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીગણ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, તેમજ જુદા જુદા સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની સાથે રેસકોર્ષ-૨ તળાવમાં શ્રમદાન કરી, આ તળાવ ઊંડું ઉતારવાના અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com