તમામ પ્રોજેક્ટ ડેડલાઈન સાથે પૂર્ણ થઈ લોક ઉપયોગી બને તે માટે હાથ ધરાયો એક્શન પ્લાન: એરપોર્ટ રનવે, એઇમ્સ કનેક્ટિવિટી રોડ, મુખ્ય બિલ્ડીંગ નિર્માણ કાર્યને અગ્રીમતા
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાના અગ્રીમ પ્રોજેક્ટસની પ્રવર્તમાન સ્થિતિ અને પ્રકલ્પો વહેલી તકે સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી જરૂરી એક્સન પ્લાન તૈયાર કર્યો હતો.
ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડ્રિમ પ્રોજેક્ટ્સ હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ એઇમ્સ ઝડપભેર આગળ વધે તે માટે કાર્યરત એજન્સીઓ સાથે કલેકટરે મિટિંગ કરી હતી. પ્રોજેક્ટસ નિર્માણમાં તમામ અડચણો દૂર કરી ડેડલાઈન સાથે પૂર્ણ કરવા કલેકટરે વિશેષ ભાર મુક્યો હતો. કલેકટરે કાર્યરત એજન્સીઓને એરપોર્ટ રનવે, એઇમ્સમાં કનેક્ટિવિટી રોડ, મુખ્ય બિલ્ડીંગ નિર્માણ કાર્યને અગ્રીમતા આપવા સૂચન કર્યું હતું.
કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટ ભાગોળે બનતી ડીસ્ટ્રીકટ કોર્ટની કામગીરી સંદર્ભે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી બિલ્ડિંગના કામ ઝડપી પૂર્ણ થાય તેમજ જરૂરી ઈંટેરીયર, રસ્તા સહિતના કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.
કલેકટર દ્વારા ઈશ્વરીય પાર્ક ખાતે સાયન્સ સેન્ટર, પ્રેમ મંદિર પાસે આકાર પામતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, માધાપર ચોકડી ખાતે ઓવર બ્રીઝ, જનાના હોસ્પિટલ, જૂની કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના રીનોવેશન સહિતની કામગીરીની સમીક્ષા પણ આ તકે કરી હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલ વિવિધ મિટિંગમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી, વીરેન્દ્ર દેસાઈ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર નિતેષ કામદાર, સુરેન્દ્રનગર તેમજ ચોટીલાના અધિકારીઓ, સિવિલના ડોક્ટર્સ તેમજ વિવિધ વિભાગના અધિકારી અને કાર્યરત એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.