ઇન્ટર્નશિપનું સર્ટીફીકેટ મોડું આવતા આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ: પરિવારમાં આક્રંદ
રાજકોટમાં આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના વધી રહી હોય તેમ નિવૃત્ત મામલતદારની પુત્રીએ મધરાત્રીએ અગ્નિ સ્નાન કરી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. યુવતીએ બી.એ.એમ.એસ.નુ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આવવામાં વિલંબ થતાં આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે આવેલી ઋષિવાટીકા સોસાયટીમાં રહેતી હેતલબેન ભુપેન્દ્રભાઈ ભોજાણી નામની ૨૪ વર્ષની યુવતી પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં ઘરની બહાર શેરીમાં ખાટલા ઉપર ઉભા રહી પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લીધી હતી. આ અંગે જાણ થતાં પાડોશમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સહિતનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક હેતલબેન ભોજાણીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક હેતલબેન ભોજાણીના પિતા ભુપેન્દ્રભાઈ ભોજાણી નિવૃત્ત મામલતદાર છે. હેતલબેન ભોજાણી એક ભાઈ બે બહેનમાં નાની અને હેતલબેન ભોજાણીએ બી.એ.એમ.એસ.નુ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આવવામાં વિલંબ થતાં આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.