નોકરીમાંથી છુટા કરેલા શખ્સે બે સાગરીતો સાથે મળી લૂંટ ચલાવી: લૂંટ ચલાવવામાં મિત્રના બાઇકનો ઉપયોગ કર્યો: પુરેપુરો મુદામાલ કબ્જે
રૂડા બિલ્ડીંગ પાસે બે દિવસ પહેલાં થયેલી રૂા.૧.૮૬ લાખની લૂંટના ગુનામાં સંડોવાયેવલા ભગવતીપરા અને ચામડીયા ખાટકીવાસના ત્રણ શખ્સોને ઝડપી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ભેદ ઉકેલી પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પરની પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ લીલાધરભાઇ દાવડા નામના વૃધ્ધ પેઢીના રૂા.૧.૮૬ લાખની રોકડ લઇને સોમવારે પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે રૂડા બિલ્ડીંગ પાસે મંડી કેપ પહેરેલા ત્રણ અજાણ્યા શખ્સોએ વિનોદભાઇ દાવડાને લાત મારી પછાડી દીધા બાદ તેની પાસેથી એક્ટિવાની ચાવી લઇ ડેકીમાં રાખેલા રૂા.૧.૮૬ લાખ રોકડાની લૂંટ ચલાવી ભાગી ગયાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પ્ર.નગર પી.આઇ. વી.એસ.વણઝારા, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા અને એભલભાઇ બરાલીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે લૂંટના ગુનામાં સંડોવાયેલા ચામડીયા ખાટકીવાસના અલ્લાઉદીન ઉર્ફે કાળો યાકુબ મમાણી, ઇમરાન ઉર્ફે ભદો જમાલ બાવનકા અને ભગવતીપરાના નંદનવન સોસાયટીના અખ્તર ઉર્ફે અકરમ અકકુ રહીમ કાલવા નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.૧.૮૬ લાખ રોકડા કબ્જે કર્યા છે.
ત્રણેયની પૂછપરછ દરમિયાન અલ્લાઉદીન ઉર્ફે કાળો પેઢીમાં સાતેક વર્ષ સુધી નોકરી કરતો હતો ત્યારે પેઢીમાં નાની મોટી ચોરી કરતો હોવાથી તેને દોઢેક વર્ષ પહેલાં નોકરીમાંથી છુટો કરતા તેને બદલો લેવા માટે નામચીન ઇમરાન ઉર્ફે ભદાની મદદ લઇ પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો.
ઇમરાન ઉર્ફે ભદો છેલ્લા દસેક દિવસથી બાઇક પર રેકી કરી હતી પમ લૂંટમાં સફળ ન થતા બાઇક અનલક્કી હોવાનું માની પોતાના મિત્ર કમલેશ પરમારનું બાઇક લૂંટ માટે માગ્યું હતુ. વિનોદભાઇ દાવડા પેઢીની બહાર નીકળી રોકડ સાથેનો થેલો એક્ટિવાની ડેકીમાં રાખ્યાનું ઇમરાને જોયા બાદ અલ્લાઉદીન અને અખ્તરને જાણ કરી તેમનો પીછો કરી રૂડા બિલ્ડીંગ પાસે આંતરી લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે.
ઇમરાન ઉર્ફે ભદો અગાઉ ભક્તિનગર પોલીસે ગૌ માસના વેચાણ, મારામારી, અને જુગારના ગુનામાં ઝડપાયો છે. લૂંટના ગુનામાં અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાતધરી છે.