- રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી બંને અમરેલી જિલ્લાના વતની: ખૂદ ઉમેદવારો પોતાને મત નહીં આપી શકે
સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની આઠ બેઠકો પર ચૂંટણી લડતા 92 ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે મતદારો નક્કી કરશે. રાજકોટવાસીઓએ તો અમરેલીને જીતાડવા માટે મતદાન કરવું પડશે. કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી બંને અમરેલી જિલ્લાના વતની છે. પોતે ઉમેદવાર હોવા છતાં પોતાને મત આપી શકશે નહિં.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે. 2019ની ચૂંટણીમાં 10 ઉમેદવારો અને 2014ની ચૂંટણીમાં 15 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. સૌરાષ્ટ્રની અન્ય બેઠક પર નજર કરવામાં આવે તો જામનગર બેઠક પર 14 ઉમેદવારો, પોરબંદર બેઠક પર 12 ઉમેદવારો, જૂનાગઢ બેઠક પર 11 ઉમેદવારો, અમરેલી બેઠક પર સૌથી ઓછા 8 ઉમેદવારો, સુરેન્દ્રનગર બેઠક પર 14 ઉમેદવારો, ભાવનગર બેઠક પર 13 ઉમેદવારો અને કચ્છ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. 2019માં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર 130 ઉમેદવારો મેદાનમાં હતા. જેની સરખામણીએ માત્ર 92 ઉમેદવારો મેદાનમાં છે.
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વચ્ચે, જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઇ જોટવા વચ્ચે, જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયા વચ્ચે, અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર વચ્ચે, પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવીયા અને કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયા વચ્ચે, ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઇ મકવાણા, સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઇ સિંહોરા અને કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા વચ્ચે જ્યારે કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલન વચ્ચે ચૂંટણી જંગ જામશે.
રાજ્યની કુલ લોકસભાની 26 બેઠકો પૈકી સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જ્યારે બાકીની 25 બેઠકો પર કુલ 266 ઉમેદવારોના રાજકીય ભાવિ આવતીકાલે ગુજરાતના મતદારો ઇવીએમમાં સીલ કરશે.
મતદાન બાદ પરિણામ માટે ગુજરાતની જનતાએ 27 દિવસ કરવો પડશે ઇંતજાર
લોકસભાની 543 બેઠકો માટે અલગ-અલગ સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે. જેમાં પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. જ્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો માટે આવતીકાલે મતદાન થવાનું છે. મતદાન કર્યા બાદ પરિણામ માટે ગુજરાતની જનતાએ 27 દિવસનો લાંબો ઇન્તજાર કરવો પડશે. કારણ કે આગામી ચાર જૂનના રોજ એકસાથે તમામ 543 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ પણ આચાર સંહિતા અમલમાં રહેશે. જેના કારણે વિકાસ કામો થઇ શકશે નહિં. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોને અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચાર માટેની જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે. પ્રથમ બે તબક્કામાં ઓછું મતદાન થયું છે. જ્યારે ત્રીજા તબક્કામાં હિટવેવની આગાહી વચ્ચે મતદાનની ટકાવારી કેટલી રહે છે તેના પર તમામ મીટ મંડાયેલી રહેશે.