વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ-શો અને જાહેર સભામાં ઉમટી પડવા કોર્પોરેશનના પદાધિકારીઓની આહ્વાન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા શહેરીજનોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ હસ્તે કોર્પોરેશન અને રૂડા રૂ. 379.66 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે.
મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના કુલ રૂ. 379.66 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં કરશે.પ્રધાનમંત્રીને આવકારવા રાજકોટમાં શહેરીજનોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીના અદકેરા સ્વાગત માટે જુદા જુદા સમાજ, સંસ્થાઓ અને શહેરીજનોનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે.
આવતીકાલે સાંજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એરપોર્ટ ખાતે આવી પહોચશે. ત્યાંથી રેસકોર્ષ મેદાન ખાતેના સભાસ્થળ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે. જેમાં માન. વડાપ્રધાનને આવકારવા અને અદકેરું સ્વાગત કરવા માટે જુદી જુદી સંસ્થાઓના હોદેદારો, અલગ અલગ સમાજના અગ્રણીઓ તેમજ શહેરીજનો ઉમટી પડશે. વિવિધ સર્કલો અને રાજકોટ મહાનગરપાલિકા સહિતની કચેરીઓ રોશનીથી શણગારવામાં આવેલ છે. અહી એ યાદ અપાવીએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટની બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડી હતી. પ્રધાનમંત્રીએ રાજકોટને એઈમ્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ સ્માર્ટ સિટી એરિયામાં લાઈટહાઉસ પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટ ફાળવવી શહેરને ગૌરવવાંકિત કર્યું છે ત્યારે ચાલો આપણે સૌ પ્રધાનમંત્રીને અભુર્તપૂર્વ સ્વાગત સાથે આવકારવા રોડ શો અને જાહેર સભામાં ઉમટી પડીએ તેમ મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયરશ્રી દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવેલ હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા અંતર્ગત લાઈટહાઉસ પ્રોજેક્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ફોરલેન ટ્રાઈએંગલ ફ્લાયઓવર બ્રીજ, 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ, 150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ અને નિર્મળા કોન્વેન્ટ મેઇન રોડ પર ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર પ્રોજેક્ટ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના એંમ્સ હોસ્પીટલને જોડતો 30 મી 4-માર્ગીય ડી.પી. રોડ અને એમ્સ હોસ્પીટલને જોડતા 90મી 6-માર્ગીય ડી.પી રોડને જોડતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મવડી મેઇન રોડ પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્લેક્ષ અને મોટામવા સ્મશાન પાસેના કાલાવડ રોડ પરનો બ્રીજ વાઇડનીંગ કરવાનું કામ (પાર્ટ-1) તથા ભીમનગરથી મોટામવાને જોડતા બ્રીજ (પાર્ટ-ર) બનાવવાના કામનો સમાવેશ થાય છે.