આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ૧ લાખની લોન માટેના ફોર્મ લેવા સહકારી બેંકોની બહાર લાંબી કતારો
ગુજરાતમાં આજથી આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ૧ લાખ રૂપિયાની લોન આપવાના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરની સહકારી બેંકોમાંથી આ ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે ૧ લાખ રૂપિયાની લોન મેળવવા માટે રાજકોટવાસીઓ પોતાની મહામુલી જિંદગીને દાવ પર લગાવી રહ્યાં હોય તેવો નજારો મોટાભાગની બેંકોની બહાર જોવા મળ્યો હતો. સહકારી બેંકોની બહાર ૧ લાખ રૂપિયાની લોનના ફોર્મ લેવા માટે લોકોની લાંબી-લાંબી કતારો લાગી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન-૪ ચાલી રહ્યું છે. અર્થતંત્રને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦ લાખ કરોડનું માતબર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ વાર્ષિક માત્ર ૨ ટકાના વ્યાજે ૧ લાખ સુધીની લોન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે અને આ યોજનાના ફોર્મનું આજથી વિતરણ શરૂ કરાયું છે. ફોર્મ લેવા માટે સહકારી બેંકોની બહાર લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. કોરોનાને વકરતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ મુખ્ય નિયમ છે. પરંતુ આજે ફોર્મ મેળવવા માટે લોકો સોશિયલ ડિસ્ટન્સને ભુલી ગયા હતા. ફોર્મ લેવા લાઈનમાં ઉભેલા લોકોએ મોઢા પર માસ્ક પણ પહેર્યું ન હોવાનું માલુમ પડ્યું હતું. પ્રથમ દિવસે લોકોની લાઈનો લાગી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સરકારે નિયમોમાં થોડો-ઘણો ફેરફાર કરવો પડશે.