કોર્પોરેશન દ્વારા ફરજીયાત સિટી બસની સેવા ન હોવા છતાં લોકોની સુખાકારી માટે અને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થાય તેવા હેતુથી સિટી બસ સર્વિસ સેવા ૨૦૧૩માં ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બી.આર.ટી.એસ. પર બસ ચાલી રહી છે. પ્રદુષણ ઘટાડવાના પ્રયત્નોના ભાગરૂપે સૌ પ્રથમ જાહેર પરિવહન સેવામાં એટલે કે, બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવામાં ૫૦ મીની કુલિંગ એ.સી. ઈલેક્ટ્રીક બસ “ગ્રોસકોસ્ટ મોડેલ” થી પીએમઆઈ ઈલેક્ટ્રોનિક મોબિલીટી સોલ્યુસન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલ છે.
જેના અનુસંધાને હાલ એક ઈલેક્ટ્રીક બસ ટ્રાયલ ઝોન માટે આવી છે અને ટ્રાયલ ઝોનની પ્રકિયા હાથ ધરવામાં આવેલ છે. ઇલેકટ્રીક બસની ટેસ્ટિંગ બાદ અને કેન્દ્ર સરકારની ટેસ્ટિંગ સર્ટિફિકેટ આવ્યા બાદ ઈલેક્ટ્રીક બસ શહેરમાં ચલાવવામાં આવશે. આગામી થોડા સમય બાદ ૩૫ ઈલેક્ટ્રીક બસ મહાપાલિકાને મળી જશે. ઈલેક્ટ્રીક બસના ચાર્જીંગ માટે દ્વારા ૮૦ ફૂટ રોડ પર ચાર્જીંગ પોઈન્ટની કામગરી ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે.
ઈલેક્ટ્રીક બસમાં ૨૪+૩=૨૭ સીટિંગની સુવિધા હશે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ ૪૦ સ્માર્ટ સિટી બસ સ્ટોપ બનાવવાનું આયોજન છે. જેમાં ૨૦ બસ સ્ટોપની કામગીરી પૂર્ણ થયેલ છે અને ૨૦ બસ સ્ટોપ અગામી ૩૦ જુન સુધીમાં પૂર્ણ થઇ જશે. હૈયાત જુના ૭૪ બસ સ્ટોપમાં જે બસ સ્ટોપને રીનોવેશન કરવાની જરૂર જણાશે તે બસ સ્ટોપનું રીનોવેશન કરાશે અને બસના ટાઈમ ટેબલ ખરાબ થઈ ગયા ત્યાં ફરીથી નવા ટાઈમ ટેબલ લગાડવા કાર્યવાહી હાથ ધરાશે.
સ્માર્ટ સિટી બસ સ્ટોપમાં
આકર્ષક તથા સ્માર્ટ ડિઝાઈન,સંપૂર્ણ બસ સ્ટોપ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવેલ છે. મુસાફરો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા, તેમજ મહિલા, દિવ્યાંગ અને સિનિયર સીટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા,
મુસાફરોની સ્લેમતી માટે ૨૪ કલાક સીસીટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ,દીવ્યાંગો અને વૃદ્ધોને ચડવા માટે અલાયદિ રેમ્પની સુવિધા,મુસાફરોની હાજરી પ્રમાણે ચાલુંબધ થતી સેન્સર બેઇઝ સ્માર્ટ લાઈટીંગ મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટની સુવિધા,બસ સ્ટોપ પર ૩ જગ્યા પર આકર્ષક જાહેરાત મુકવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સ્માર્ટ સિટી બસ સ્ટોપની કામગીરી પૂર્ણ થાય બાદ બસ સ્ટોપ પર જાહેરાત માટેની ટેન્ડર પ્રકિયા કરી એજન્સીઓને જાહેરાતના રાઈટ આપવામાં આવશે. જેનાથી મહાપાલિકાને આવક થશે.
ઓક્ટોબર ૨૦૧૨થી ૩૦ મે ૨૦૨૧ દરમ્યાન ૧,૯૩,૭૫,૮૦૮ પેસેન્જરોએ બી.આર.ટી.એસ. રૂટ ઉપર લાભ લીધો છે. જયારે શહેરમાં જુદા જુદા રૂટ પર ચાલી રહેલ સિટી બસમાં ઓક્ટોબર ૨૦૧૩ થી ૩૦ મે ૨૦૨૧ સુધીમાં ૬,૧૯,૬૭,૦૫૯ પેસેન્જરોએ લાભ લીધેલ છે. શહેરના વધુ ને વધુ લોકો માસ ટ્રાન્સપોર્ટેશનનો લાભ લેશે તો પોતાના પ્રાઇવેટ વાહનનો પેટ્રોલનો બચાવ થશે તેમજ ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને શહેરમાં પ્રદુષણ ઓછું ફેલાશે જેથી શહેરીજનોએ સિટી બસ સેવાનો વધુ ને વધુ લાભ લેવા મેયરે અનુરોધ કર્યો છે.