“સાવજ” રાજકોટના આંગણે
ત્રંબા પંથકમાં એક સિંહણ, બે સિંહના ધામા: ચાર પશુનું મારણ:છેલ્લા એક પખવાડિયાથી ગિરમાંથી આવેલા ત્રણ સાવજો ગોંડલ, સરધાર, ત્રંબા, હલેન્ડા, વિંછીયા, જસદણ, રામપરા, દૂધીયા અને આણંદપુર પંથકમાં ફરી રહ્યાં છે: ગઈકાલે ભાયાસરમાં એક ગાય અને પાડાસણમાં ગાય, વાછરડી અને બળદનું મારણ કરતા માલધારીઓમાં ફફડાટ: ફોરેસ્ટની ટીમ સતત સિંહોની પાછળ, માનવભક્ષી ન હોય પકડવામાં નહીં આવે
ગત વર્ષે નવેમ્બર માસમાં બે પાકટા સિંહોએ રાજકોટ તાલુકા અને ચોટીલા તાલુકામાં સતત બે મહિના સુધી ધામા નાખ્યા હતા. દરમિયાન નવા રહેઠાણની શોધમાં ગિરના જંગલમાંથી આવેલા બે નર સિંહો અને એક સિંહણ રાજકોટ, ચોટીલા અને ગોંડલ તાલુકાના અલગ અલગ વાડી વિસ્તારોમાં આંટાફેરા કરી રહ્યાં છે. ગઈકાલે આ ત્રણ સાવજોએ ત્રંબા પંથકમાં ભાયાસર અને પાડાસણ ગામની સીમમાં બે ગાય, એક વાછડી અને એક બળદનું મારણ કરતા માલધારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ફોરેસ્ટની ટીમ આ સિંહ પાછળ સતત ફરી રહી છે. જો કે, સાવજો દ્વારા માનવોનો શિકાર કરવામાં આવતો ન હોય તેને પકડી પાંજરે પુરવામાં આવશે નહીં.
આ અંગે ‘અબતક’ સાથે વાત કરતા ડીએસએસ સંદિપકુમારે જણાવ્યું હતું કે, ગિરના જંગલમાંથી આવેલા બે નર અને એક માદા સિંહ છેલ્લા ઘણા દિવસથી ગોંડલ તાલુકો, રાજકોટ તાલુકો અને ચોટીલા તાલુકા, વિંછીયા તાલુકામાં સતત આંટાફેરા કરી રહ્યાં છે અને છેલ્લા એકાદ સપ્તાહથી આ ત્રણ સિંહ રાજકોટ તાલુકાના હલેન્ડા નજીક હોવાનું લોકેશન મળી રહ્યું છે. આ ત્રણ સિંહોએ ગોંડલ, હલેન્ડા, સરધાર, જસદણ, વિંછીયા, ચોટીલા, આણંદપુર, રામપરા અને દુધીયા પંથક સુધી લાંબી લટાર મારી લીધી છે. અલગ અલગ વિસ્તારોમાં ખોરાક માટે તેઓએ પશુના શિકાર પણ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લોકેશન સિંહો માટે ખુબજ નવું છે. નવા રહેઠાણની શોધમાં ગીરના જંગલમાંથી આ ત્રણ સિંહ રાજકોટ, વિંછીયા, જસદણ, ગોંડલ અને ચોટીલા તાલુકામાં ફરી રહ્યાં હોવાની શંકા છે. નવા લોકેશન અને અજાણી જગ્યાના કારણે સિંહો ખુલ્લા કુવામાં ન પડે તે માટે સતત ફોરેસ્ટની ટીમ તેમની પાછળ ફરી રહી છે. એક પખવાડિયાથી આ વિસ્તારમાં હોવા છતાં તેઓએ એક પણ માનવ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી નથી. સિંહો માનવભક્ષી ન હોવાનું લાગી રહ્યું છે. આવામાં તેઓને પાંજરે પુરવામાં આવશે નહીં. જો નવા રહેઠાણ માટે તે નવી જગ્યા શોધતા હોય તો ફોરેસ્ટ વિભાગ પણ તૈયારીમાં છે.ગઈકાલે ત્રંબાથી ચારેક કિલોમીટર દૂર આવેલા ભાયાસણ અને પાડાસણની સીમમાં આ ત્રણેય સિંહો જોવા મળ્યા હતા. સાવજોએ ભાયાસણમાં એક ગાયનું અને પાડાસણમાં એક ગાય, વાછરડી અને બળદનું મારણ કર્યું હતું. માલધારીઓએ પોતાની સીમમાં આવેલા સિંહનું વિડીયો શુટીંગ કરી ફોટા પણ પાડ્યા હતા. કેટલાક દિવસથી પશુનું મારણ કરી રહેલા આ સિંહોને પાંજરે પુરવા માલધારીઓમાંથી માંગણી ઉઠી રહી છે. બીજી તરફ ત્રંબા નજીક ત્રણ સિંહોએ ચાર પશુનું મારણ કર્યા બાદ હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા પંચનામા સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે પણ જે બે નર સિંહો આ પંથકમાં આવ્યા હતા તેઓ આ વખતે માદા સિંહણ સાથે રાજકોટ, ચોટીલા, ગોંડલ, તાલુકામાં આવ્યા હોવાનું અનુમાન છે. તેઓ અહીં જ રહેઠાણ બનાવવા માંગતા હોય તેવી શંકા પણ સેવાઈ રહી છે. બીજી તરફ ત્રણ સિંહો દ્વારા પશુઓનું મારણ કરવામાં આવતા માલધારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામી છે.