શહેરમાં 86 ટકાથી પણ વધુ લોકોને કોરોના વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 35 ટકા લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ સુરક્ષીત થઈ ગયા છે. જેની અસર શહેરમાં હવે જોવા મળી રહી છે. ગુજરાતની સાથો સાથ રાજકોટ પણ જાણે કોરોના મુક્ત થવા તરફ આગેકુચ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી શહેરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. હાલ માત્ર 13 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં છેલ્લે ગત બીજી ઓગષ્ટના રોજ કોરોનાનો એક કેસ નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસથી કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. બેદરકારીના કારણે કોરોનાના કેસ ન ડિટેકટ થતાં હોય તેવું તો નથીને તે જાણવા માટે તંત્રએ ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું છે. ગઈકાલે 2902 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેની સામે એક પણ કેસ મળ્યો ન હતો.
ગત 18 માર્ચ 2020ના રોજ રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ મળી આવ્યો હતો. દરમિયાન આજ સુધીમાં કુલ 42792 કેસો મળી આવ્યા છે. જેની સામે 42325 લોકો કોરોનાને મહાત કરવામાં સફળ રહ્યાં છે. શહેરમાં રિકવરી રેટ 98.90 ટકા જેવો નોંધાયો છે. 12,80,029 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જેની સામે પોઝિટિવીટી રેટ માત્ર 3.34 ટકા નોંધાયો છે. ગત સોમવાર બાદ શહેરમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. હાલ માત્ર 13 દર્દીઓ જ સારવાર હેઠળ હોવાનું જાહેર કરાયું છે. કોરોનાની બીજી લહેર હવે પૂર્ણતાના આરે હોય તંત્રએ મોટી રાહત અનુભવી છે.