- મહાદેવ વાડી વિસ્તારમાં આવેલા ડિલાઇટ આઈસ્ક્રીમ પર આરોગ્ય વિભાગના દરોડા
- લેબલ વગરનો છૂટો આઈસ્ક્રીમ વેચતા બજાવવામાં આવી નોટિસ
રાજકોટ ન્યૂઝ : હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડા થવા માટે આઈસ્ક્રીમ તથા ગોલાનું સેવન કરતા હોય છે. હાલ તેના ગુણ અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણકે તેમાં હાલ ભેળસેળ થતી હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા મહાદેવ વાડી ખાતે ડીલાઈટ આઈસ્ક્રીમ પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં છૂટો માલ જપ્ત કરવામાં આવ્યો હતો .
એટલું જ નહીં પેઢીને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. સાથો સાથ જે છૂટો આઈસ્ક્રીમ બનાવવામાં આવ્યો હતો તેના નમુના પણ લેવામાં આવ્યા હતા. માત્ર આઈસ્ક્રીમ જ નહીં પરંતુ જે માવો બનાવવામાં આવ્યો હતો તે પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારી તેજસ સરવૈયાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ હજુ આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવશે અને નમુના પણ લેવાશે.