- ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની આગેવાની હેઠળ 1000થી વધુ વ્યક્તિઓ પોલીસ કમિશનર કચેરીએ ઉમટયાં
- લુખ્ખા અને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા સમસ્ત કડિયા સમાજની માંગ
શહેરના કોઠારિયા રોડ પર રોજ સવારે પેટિયું રડવા જતા શ્રમજીવીઓને લુખ્ખા અને આવારા તત્વો દ્વારા પજવણી કરતા હોવાથી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની આગેવાની હેઠળ 1000થી વધુ લોકો પોલીસ કમિશનર કચેરીએ ઉમટી પડ્યા હતા. જ્યાં શહેરના ઘણા વિસ્તારોમાંથી રેલી કાઢી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પરથી આજે મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રેલી યોજી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઠારિયા પાસે રોજીરોટી માટે કડિયા કામ કરતા લોકોને એકત્ર થવા દેવામાં આવતા નથી. આથી આ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ફાળવી કડિયા કામ કરતા લોકોને એકઠા થવા દેવા માંગ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા વર્ષોથી સાંજના 6:30 થી 9 વાગ્યા સુધી કડિયા કામ, લાદી કામ, ચણતર કામ સહિતની મજૂરી કામ કરતા લોકો કોઠારીયા રોડ પર સ્વિમિંગ પુલ બાજુની શેરીમાં ઉભા રહી રોજીરોટી માટે એકઠા થતા હતા. જેને છેલ્લા 15 દિવસથી ઉભા રહેવા દેવામાં આવતા નથી અને રોજીરોટી મળવી મુશ્કેલ થાય છે ત્યારે આ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં જ ઉભા રહેવા દેવામાં આવે તેવી માગ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ 10થી 12 બેઠક પર કડિયા સમાજનું પ્રભુત્વ હોવાથી સમાજને ન્યાય આપવામાં આવે અને યોગ્ય વ્યક્તિને પ્રભુત્વ સોંપવામાં આવે તે માટે લોકશાહી ઢબે દરેક પક્ષ પાસે માગ કરવામાં આવશે.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાન નરેન્દ્ર ભાઈ સોલંકીની રાહદારી હેઠળ પોલીસ કમિશનરને રજૂઆત આપવા માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા શહેરના ઘણા સ્થળોએ રેલી ફરિયા બાદ પોલીસ કમિશનર કચેરીએ પણ સમસ્ત સમાજના લોકો ઊંચી પડ્યા હતા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદનપત્ર આપી લુખ્ખા અને આવારાતત્વોને સામે કાયદાનું ભાંન કરાવવા માટે રજૂઆત કરી હતી.