બેસણા અને ઉઠમણા માટે 4 કલાક નોન એસી યુનિટ ભાડે રાખનારે રૂા.10,000 જ્યારે એસી યુનિટના રૂા.15,000 ચૂકવવા પડશે લગ્ન, સગાઈ, જનોઈ સહિતના પ્રસંગો માટે નોન એસીનું ભાડુ 20,000 અને એસી યુનિટનું ભાડુ 30,000 કોમર્શિયલ હેતુ માટે હોલ ભાડે રાખનાર પાસે પ્રતિદિન નોન એસીના રૂા.40,000 અને એસી યુનિટના રૂા.50,000 વસુલાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.9માં બાપા સીતારામ મેઈન રોડ પર વોર્ડ ઓફિસ સામે કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ ફાઈવ સ્ટાર હોટેલને પણ ટક્કર મારે તેવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગત બીજી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયા બાદ હવે તેના ભાડા નિયત કરવા માટે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કોમ્યુનિટી હોલનું ભાડુ રૂા.10,000 થી લઈ 50,000 સુધીનું રહેશે. શહેરીજનો ક્યારથી બુકિંગ કરાવી શકશે તેની તારીખ હવે પછી જાહેરાત કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.9માં બાપાસીતારામ મેઈન રોડ પર વોર્ડ ઓફિસની સામે આવેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું છે. હવે તેના ભાડા અને ડિપોઝીટ નિયત કરવા માટે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરાઈ છે.
કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ પર કવીશ્રી અમૃત ઘાયલ એસી કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં ભાડાનો દર બેસણા અને ઉઠમણા માટે 4 કલાકના રૂા.15,000 જ્યારે લગ્ન, સગાઈ અને જનોઈ સહિતના ધાર્મિક પ્રસંગો માટે રૂા.35000 અને કોમશિર્યલ હેતુ માટે રૂા.75,000 વસુલ કરવામાં આવે છે. વોર્ડ નં.9માં આ જ પ્રકારનો અદ્યતન સુવિધાથી સજ્જ અને એક યુનિટ સેન્ટ્રલ એસી બનાવવામાં આવ્યો હોય જેનું ભાડુ નિયત કરવા સ્ટેન્ડિગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.
જેમાં નોન એસી હોલમાં લગ્ન, સગાઈ, જનોઈ, ધાર્મિક પ્રસંગો અને લૌકીક પ્રસંગો માટે 24 કલાકનું ભાડુ રૂા.20,000 અને ડિપોઝીટ રૂા.20,000 રાખવા સુચવવામાં આવ્યું છે. જ્યારે સવારે 8 થી 12 અને બપોરે 2 થી 4 એમ 4-4 કલાક માટે બેસણા તથા ઉઠમણા માટે હોલ ભાડે આપવાનો દર રૂા.10,000 અને ડિપોઝીટ રૂા.10,000 નિયત કરવામાં આવેલ છે. ઉક્ત બન્ને પ્રસંગ સીવાય કોમર્શીયલ હેતુ માટે નોન એસી હોલ ભાડે રાખવો હશે તો પ્રતિ દિન પ્રતિ નિયુટ રૂા.40,000 ભાડુ અને 40,000 ડિપોઝીટ ચૂકવવાની રહેશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વોર્ડ નં.9માં બનાવવામાં આવેલા આ કોમ્યુનિટી હોલમાં બીજા માટે યુનિટ નં.2 જે સેન્ટ્રલ એસી છે જેમાં લગ્ન, સગાઈ, જનોઈ, ધાર્મિક વિધિ અને લૌકીક કામ માટે ભાડાનો દર રૂા.30,000 અને ડિપોઝીટ રૂા.30,000 નિયત કરવા દરખાસ્ત રજૂ કરાઈ છે. જ્યારે સવારે 8 થી 12 અને બપોરે 2 થી 6 એમ 4 કલાક બેસણા કે ઉઠમણા માટે જો કોઈ વ્યક્તિ હોલ ભાડે રાખવા માંગતી હશે તો તેને રૂા.15000 અને ડિપોઝીટ પેટે રૂા.15000 ચૂકવવાના રહેશે.
જ્યારે કોમર્શિયલ હેતુ માટે એસી હોલ ભાડે રાખનાર પાસે રૂા.50,000 ભાડુ અને રૂા.50,000 ડિપોઝીટ વસુલ કરવામાં આવશે. આ ઉપરાંત વપરાશકર્તાએ પીએનજીનો ચાર્જ જે મહાપાલિકા દ્વારા નિયત કરવામાં આવશે તે ચૂકવવાનો રહેશે અને કોમ્યુનિટી હોલમાં કોઈ નુકશાન થશે તો તે રકમ પણ ચૂકવવી પડશે. વોર્ડ નં.9માં કોમ્યુનિટી હોલના લોકાર્પણ બાદ હવે ભાડા અને ડિપોઝીટની રકમ નિયત થયા બાદ તેને કમિશનર દ્વારા વહીવટી મંજૂરી મળ્યા બાદ જનરલ બોર્ડની અપેક્ષાએ બુકિંગ શરૂ કરી દેવામાં આવશે. બુકિંગની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
કોમ્યુનિટી હોલ ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે તેવો પરંતુ ભાડુ અને ડિપોઝીટનો દર વધુ હોવાનો સુર
વોર્ડ નં.9માં વોર્ડ ઓફિસ સામે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા અત્યાધુનિક સુવિધાથી સજ્જ એસી હોલ ફાઈવ સ્ટાર હોટલને ટક્કર માટે તેવો બનાવવામાં આવ્યો હોવાની વાત સાચી છે પરંતુ સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા નાગરિકોને નજીવા દરે શ્રેષ્ઠ સુવિધા મળી રહે તેવો પ્રયાસ હોય છે.
કોમ્યુનિટી હોલના ભાડા અને ડિપોઝીટનો દર નક્કી કરવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા જે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તેમાં 4 કલાક માટે જો કોઈ વ્યક્તિ બેસણા કે ઉઠમણા જેવા માઠા પ્રસંગ માટે હોલ ભાડે રાખે તો તેને 10,000 રૂપિયા ભાડુ અને 10,000 રૂપિયા ડિપોઝીટ પેટે ચૂકવવાના રહે છે. આવામાં એવો પણ ગણગણાટ છે કે, કોમ્યુનિટી હોલનું ભાડુ અને ડિપોઝીટની રકમ ખુબજ ઉંચી છે. ભાજપના શાસકોએ સંકલન બેઠકમાં આ અંગે ચર્ચા કરી ભાડુ અને ડિપોઝીટ ઘટાડવા અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની આવશ્યકતા છે.