નાલિયામાં ૬, આબુમાં માઇનસ ૩ ડિગ્રીથી બરફની ચાદર છવાઈ આગામી ૩૬ કલાક કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી
રાજકોટ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે. આજે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. રાજકોટમાં આજે સિઝનની રેકોર્ડબ્રેક ઠંડી ૮.૩ ડિગ્રી પડી હતી જેને લઇ જનજીવન ઠુઠવાયું છે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૮.૩ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને ૭ કીમી પ્રતીકલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત નલિયાનું લઘુતમ તાપમાન ૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને ૬ કિમી પ્રતીકલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. જો કે જૂનાગઢમાં પણ લઘુતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા અને ૨.૬ કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાયો હતો.
આજરોજ રાજકોટવાસીઓએ ચાલુ શિયાળું સીઝનનો સૌથી વધુ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ગોદડામાંથી બહાર નીકળવાનું મન ન થાય તેવી ઠંડીથી લોકો ધ્રુજી ગયા હતા. દેશના ઉત્તર-પુર્વના વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ઠંડીનું જોર વધ્યું છે. હજુપણ આગામી ૪૮ કલાક ઠંડીમાં વધારો થાય અને કોલ્ડવેવની સ્થિતિ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત ૩ દિવસ માવઠાની આગાહીથી ખેડુતોમાં ચિંતા વધી છે.