ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં અતિભારે હિમવર્ષા અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન તરફથી ફૂંકાતાં અતિ ઠંડા પવનને કારણે
શહેરમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચી ગયો હતો: 1893માં પારો 1.1 ડિગ્રી સુધી નીચે સરક્યો હતો
અબતક, રાજકોટ
છેલ્લાં ચારેય દિવસથી શિયાળાએ જમાવટ કરી છે. રાજકોટમાં ગઇકાલે લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. 9 ડિગ્રી તાપમાનમાં પણ રાજકોટવાસીઓની દાઢી ડગડગવા માંડી હતી. આજથી 86 વર્ષ પૂર્વે શિયાળાની સિઝનમાં રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો માઇનસમાં ગરકાવ થઇ ગયો હતો. 16 જાન્યુઆરી, 1935ના રોજ રાજકોટનું લઘુત્તમ તાપમાન માઇનસ 6 ડિગ્રી નોંધાયુ હોવાનું હવામાન વિભાગના રેકોર્ડ પર ઉપલબ્ધ છે. 1893માં 8મી ફેબ્રુઆરીએ પારો 1.1 ડિગ્રી સેલ્સીયસે પહોંચી જવા પામ્યો હતો. જો કે, છેલ્લાં 18 વર્ષથી રાજકોટમાં પારો 8 ડિગ્રીથી ક્યારેય નીચો ગયો નથી.
સામાન્ય રીતે હિલસ્ટેશનમાં લઘુત્તમ તાપમાન માઇનસ નોંધાતુ હોય છે. પરંતુ આજથી 86 વર્ષ પૂર્વે જમ્મુ-કાશ્મિર સહિત ઉત્તરભારતના પહાડી રાજ્યોમાં રેકોર્ડબ્રેક હિમવર્ષા ગુજરાત તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની દિશામાંથી ફૂંકાતા ઠંડાગાર પવનોના કારણે રાજકોટમાં 16 જાન્યુઆરી, 1935ના રોજ લઘુત્તમ તાપમાન માઇનસ 6 ડિગ્રી નોંધાયુ હતું. જો કે, શહેરના ઇતિહાસમાં એક જ વખત પારો માઇનસમાં ગયો હતો. 1893માં 8 ફેબુ્રઆરીના રોજ લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી રહેવા પામ્યુ હતું. જ્યારે 1903માં 27મી ફેબ્રુઆરીના રોજ પારો 2.8 ડિગ્રી સુધી નીચે સરક્યો હતો. આ ટોપ થ્રી લોએસ્ટ ટેમ્પરેચર છે કે જેને રાજકોટવાસીઓને કાતિલ ઠંડીમાં ઠુંઠવી દીધા હતા. છેલ્લાં 18 વર્ષમાં એકપણ વર્ષ શિયાળાની સિઝનમાં લઘુત્તમ તાપમાનનો પારો 8 ડિગ્રીથી નીચો ગયો નથી. ગઇકાલે શહેરનુ લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. જે ચાલુ સાલ શિયાળાની સિઝનનું સૌથી લોએસ્ટ તાપમાન છે. આ વર્ષે પારો 8 ડિગ્રી સુધી નીચે પટકાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
માટલાના પાણી બરફ બની ગયા હતા
સામાન્ય રીતે લઘુત્તમ તાપમાનનો પારો માઇનસ ઝીરો ડિગ્રીથી નીચો જાય ત્યારે પાણી બરફમાં પરિવર્તિત થઇ જતું હોય છે. 16 જાન્યુઆરી, 1935ના રોજ રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો માઇનસ 6 ડિગ્રીએ પહોંચી જતા ગોળાના પાણી બરફ બની ગયા હતાં. આ શિયાળો ખૂબ કાતિલ રહ્યો હતો. શહેરીજનોએ કલ્પના પણ કરી ન હોય તેવી ગાત્રો થીજાવતી ઠંડી સમગ્ર સિઝન દરમિયાન પડી હતી. હવામાન વિભાગના જાણકારોના મત્તાનુસાર 1935ના વર્ષમાં ઉત્તર ભારતના રાજ્યોમાં તિવ્ર હિમવર્ષા થવાના કારણે સાથોસાથ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી શિયાળાની સિઝનમાં ઠંડાગાર પવનોનું જોર વધવાના કારણે લઘુત્તમ તાપમાન માઇનસમાં પહોંચી ગયું હોવાનું મનાઇ રહ્યું છે. સામાન્ય રીતે હિલસ્ટેશનમાં તાપમાન માઇનસમાં નોંધાતું હોય છે. રાજકોટમાં તાપમાન માઇનસમાં ગયું હોવાની વાતથી મોટાભાગના લોકો અજાણ હશે.
રાજકોટમાં નોંધાયેલું લોએસ્ટ તાપમાન વર્ષ 1905માં શિયાળો લાંબો ચાલ્યો માર્ચ મહિનામાં પણ રેકોર્ડબ્રેક 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું
ઉત્તરાયણના તહેવાર બાદ ઠંડીનું જોર ઘટી જતું હોય છે. એકાદ મહિનો મિશ્ર ઋતુનો અનુભવ થતો હોય છે અને ફેબ્રુઆરી અંત કે માર્ચના આરંભથી ઉનાળાની ગરમીઓ પડવાનું શરૂ જતું હોય છે. વર્ષ 1905માં શિયાળાની સિઝન ખૂબ જ લાંબી ચાલી હતી. માર્ચ મહિના સુધી લોકોએ ગરમ વસ્ત્રો ધારણ કરીને ફરવું પડતું હતું. 30મી માર્ચ 1905ના રોજ રાજકોટમાં લઘુત્તમ તાપમાન 6.1 ડિગ્રી નોંધાયું હતું. જે શહેરના ટોપ લોએસ્ટ-10માં પાંચમો ક્રમ ધરાવે છે. માર્ચમાં પણ સિંગલ ડિજિટ તાપમાનનો અનુભવ રાજકોટવાસીઓ કરી ચુક્યા છે.