આ વર્ષે ઉનાળાની સીઝનમાં પાછલા તમામ રેકોર્ડસ બ્રેક થાય તેવી ભીતિ: વૃક્ષારોપણ નહીં વધારાય તો રાજકોટમાં તાપમાનનો પારો આગામી દસકામાં ૫૦ ડિગ્રીએ પહોંચી જશે: શહેરમાં અલ્ટ્રા વાયોલેટ, પીપીબી અને પીપીએમનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે

છેલ્લા એક માસથી સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગ્નિ વરસાવી રહ્યા છે. જીવ માત્ર આકરી         ગરમીથી ત્રાહિમામ પોકારી ગયો છે. ૪૪.૮ ડિગ્રીએ પારો પહોંચતા લોકો હવે કુદરતને ખમૈયા કરવા વિનવા લાગ્યા છે ત્યારે આજથી ૪૨ વર્ષ પૂર્વે એટલે કે ૧૩ મે, ૧૯૭૭નાં રોજ રાજકોટનું તાપમાન ૪૭.૯ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું જે એક રેકોર્ડ છે. રાજસ્થાનનાં રણ વિસ્તાર તરફથી ફુંકાતા ઉતર-પૂર્વનાં પવન જમીન તરફ ફુંકાવાનાં કારણે ૧૯૭૭માં રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. ઓઝોનમાં પડેલા ગાબડા અને શહેરમાં વૃક્ષારોપણનું પ્રમાણ ઘટતાં છેલ્લા ૧૩ વર્ષમાં રાજકોટમાં ઉનાળાની સીઝનમાં ગરમીનું પ્રમાણ સરેરાશ કરતાં ૨ ડિગ્રી સુધી ઉંચકાયું છે. હવામાન વિભાગોનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજકોટમાં ૧૩ મે, ૧૯૭૭નાં રોજ મહતમ તાપમાનનો પારો ૪૭.૯ ડિગ્રીએ પહોંચી ગયો હતો જે એક રેકોર્ડ છે. ત્યારબાદ ૨૦ મે, ૨૦૧૬નાં રોજ તાપમાનનો પારો ૪૬ ડિગ્રી, ૫ મે, ૨૦૦૪નાં રોજ તાપમાનનો પારો ૪૫.૮ ડિગ્રી અને ૨૨ મે ૨૦૧૦નાં રોજ તાપમાનનો પારો ૪૫.૫ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. છેલ્લા ૪૨ વર્ષમાં માત્ર ૪ વખત જ શહેરમાં મહતમ તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. સામાન્ય રીતે મહતમ તાપમાન મે માસમાં રહેતું હોય છે પરંતુ આ વર્ષે જે રીતે એપ્રીલમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને લગોલગ પહોંચી ગયો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, ગરમીનો વર્ષો જુનો રેકોર્ડ આ વર્ષે બ્રેક થશે. શહેરમાં છેલ્લા ૧૩ વર્ષનાં ગરમીનાં આકડાઓ પર નજર કરવામાં આવે તો ૩ અને ૯ મે, ૨૦૦૭નાં રોજ ૪૨.૯ ડિગ્રી, ૨૬/૫/૨૦૦૮નાં રોજ ૪૨.૬ ડિગ્રી, ૨/૫/૨૦૦૯નાં રોજ ૪૩.૬ ડિગ્રી, ૨૨/૫/૨૦૧૦નાં રોજ ૪૫.૫ ડિગ્રી, ૧૭/૫/૨૦૧૧નાં રોજ ૪૨.૩ ડિગ્રી, ૧૭/૫/૨૦૧૨નાં રોજ ૪૨.૬ ડિગ્રી, ૧૯ અને ૨૧ મે ૨૦૧૩નાં રોજ ૪૩.૬ ડિગ્રી, ૨૮ મે ૨૦૧૪નાં રોજ ૪૪.૮ ડિગ્રી, ૧૭/૫/૨૦૧૫નાં રોજ ૪૪.૪ ડિગ્રી, ૨૦/૫/૨૦૧૬નાં રોજ ૪૬ ડિગ્રી, ૯/૫/૨૦૧૭નાં રોજ ૪૪.૩ ડિગ્રી, ૨૪/૫/૨૦૧૮નાં રોજ ૪૪.૪ ડિગ્રી અને આ વર્ષે ગત ૨૭મી એપ્રીલના રોજ શહેરનું મહતમ તાપમાન ૪૪.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે.

 

૧૭મી મે એટલે આકાશમાંથી અગનવર્ષા ફાઈનલ

૧૭મી મે એટલે જાણે આકાશમાંથી અગનવર્ષા થાય જ તે નિશ્ર્ચિત હોય તેવું પાછલા ૧૩ વર્ષના ઉનાળાનાં મહતમ તાપમાનનાં આંકડા પર નજર કરતા લાગી રહ્યું છે. વર્ષ ૨૦૧૧, વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૫માં ઉનાળાની સીઝનમાં સૌથી મહતમ તાપમાન ૧૭ મેના રોજ જ નોંધાયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ૨૦૧૧માં ૧૭મી મેના રોજ મહતમ તાપમાન ૪૨.૩ ડિગ્રી, ૧૭મી મે ૨૦૧૨નાં રોજ ૪૨.૬ ડિગ્રી અને વર્ષ ૨૦૧૫માં ૧૭મી મેએ ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લાં ૪ દસકામાં ઉનાળાનાં મહતમ તાપમાનનાં આંકડા પર નજર કરવામાં આવે તો એક વાત નિશ્ર્ચિત છે કે મે માસમાં મહતમ તાપમાન નોંધાય છે.

 

વર્ષ ૨૦૧૦માં ફોર્થ હાઈએસ્ટ ટેમ્પરેચર સાથે ચોમાસામાં રેકોર્ડબ્રેક ૧૫૨૦મીમી વરસાદ

વર્ષ ૨૦૧૦માં ઉનાળાની સીઝનમાં રાજકોટનું હાઈએસ્ટ ટેમ્પરેચર ૪૫.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જે રાજકોટનું ફોર્થ હાઈએસ્ટ ટેમ્પરેચર છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, જે વર્ષે ગરમી વધુ પડે તે વર્ષે ચોમાસામાં પણ બારે મેઘ ખાંગા થતા હોય છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર એક વાર જ આવ્યું બન્યું છે. ૨૦૧૦માં રાજકોટમાં ફોર્થ હાઈએસ્ટ ટેમ્પરેચર નોંધાયું હતું. સાથો સાથ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ૧૫૨૦ મીમી વરસાદ પડયો હતો. આ વર્ષે ગરમીનું પ્રમાણ જોતા લોકો એવું કહી રહ્યા છે કે ચોમાસું પણ સારું રહેશે અને શહેરમાં જોરદાર વરસાદ પડશે.

આ વર્ષે એપ્રીલ જ અગન ગોળો: મે માજા મુકશે

Rajkot recorded 47.9 degrees in 1977, 42 years ago
Rajkot recorded 47.9 degrees in 1977, 42 years ago

સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં ૪૪ ડિગ્રી કે તેથી વધુ તાપમાન મે માસમાં નોંધાતું હોય છે પરંતુ ચાલુ સાલ ઉનાળો પાછલા તમામ રેકોર્ડ જાણે બ્રેક કરવાના મુડમાં હોય તે રીતે એપ્રીલ માસ જ અગનગોળો બની ગયો છે અને મહતમ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને લગોલગ પહોંચી જવા પામ્યો છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે, મે માસમાં માજા મુકતી ગરમી પડશે અને લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી જશે.

એક દસકામાં ગરમીનું પ્રમાણ સરેરાશ ૨ ડિગ્રી વઘ્યું

HEATWAVE

૨૦૦૭થી લઈ ૨૦૧૮ સુધીનાં ૧ દસકાથી વધુનાં સમયગાળામાં રાજકોટમાં ગરમીનું પ્રમાણ સરેરાશ કરતાં ૨ ડિગ્રી જેટલું વઘ્યું છે. ૨૦૦૭માં શહેરનું મહતમ તાપમાન ઉનાળાની સીઝન દરમિયાન ૪૨.૯ ડિગ્રી નોંધાયું હતું જે ૨૦૧૮માં ૪૪.૪ ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યું છે જે દર્શાવે છે કે, ગ્લોબલ વોર્મિંગ અને આડેધડ વૃક્ષ છેદનનાં કારણે માનવજાત પોતાનાં પગે કેવો કુહાડો મારી રહી છે. હજી જો આંખ નહીં ઉધાડે તો આગામી દિવસોમાં મહતમ તાપમાનનો પારો ૫૦ ડિગ્રીને પાર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.