- પ0 વર્ષમાં રાજકોટમાં માત્ર 6 વખત જ પ0 કે તેથી વધુ ઇંચ વરસાદ પડયો છે
- આજી અને ન્યારીને સૌની સાથે જોડી દેવાતા હવે ચોમાસુ નબળુ રહે તો પણ રાજકોટવાસીઓને પાણીની કોઇ ચિંતા રહેતી નથી
કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયેલા અને હાલ પરસેવે નિતરી રહેલા રાજકોટવાસીઓ કાગ ડોળે મેધરાજાની વાટ જોઇ રહ્યા છે. શહરેમાં ગત વર્ષ માત્ર 25.63 ઇંચ વરસાદ પડયો હતો. શહેરના પ0 વર્ષના ઇતિહાસમાં 2019માં રેકોર્ડ બ્રેક 61 ઇંચ વરસાદ પડયો હતો. જળાશયો મહિનાઓ સુધી છલકાતા રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના કાળથી ફાયર બ્રિગેડ શાખા દ્વારા ચોમાસાની સિઝનમાં પડતા વરસાદનું રેકોર્ડ નિભાવવામાં આવે છે. શહેરમાં 2019 માં સૌથી વધુ 1528 મીમી એટલે કે 61 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. પ0 વર્ષના ઇતિહાસમાં માત્ર છ વાર જ પ0 કે તેથી વધુ ઇંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. રાજકોટે ઉપરા ઉપરી ત્રણ વર્ષ કારમા દુષ્કાળનો પણ સામનો કર્યા છે. છેલ્લા દોઢેક દાયકાથી સંતોષકારક વરસાદ વરસી રહ્યો છે.
શહેરની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જેની સામે જળાશયોની સંખ્યા યથાવત છે. જેના કારણે વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં સ્થાન ધરાવતા અને હવે સ્માર્ટ સિટી બની ગયેલું રાજકોટ પાણી પ્રશ્ર્ને સંપૂર્ણ પણે નર્મદાના નીર પર નિર્ભર છે. તેવું કહેવામાં આવે તો જરા પણ અતિશિયોકતી નથી. વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન રાજકોટવાસીઓના પાણી પ્રશ્ર્નની ચિંતા કરતા શહેરની જીવાદોરી સમાન આજી ડેમ ન્યારી ડેમ અને ભાદર ડેમને સૌની યોજના સાથે જોડી દીધા છે. આ ત્રણેય જળાશયો હવે વર્ષમાં ગમે ત્યારે નર્મદાના નીરથી ભરવા સક્ષમ બની ગયા છે. જેના કારણે પાણીની અછત ભૂતકાળ બની જવા પામી છે.
1974 અને 1986 માં માત્ર આઠ ઇંચ જ વરસાદ પડયો હતો
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા ચોમાસા પૂર્વ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે. જેમાં 1974 થી લઇ 2023 સુધી એમ છેલ્લા પ0 વર્ષ દરમિયાન ચોમાસાની સિઝનમાં વરસેલા વરસાદના આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. રાજકોટમાં વર્ષ 1974 અને 1986 માં માત્ર આઠ આઠ ઇંચ વરસાદ પડયો હતો. જળાશયો ક્રિકેટના મેદાનમાં ફેરવાય ગયા હતા. પાણીના એક એક ટીપા માટે લોકો તરસી રહ્યા હતા.
ગત વર્ષ પડયો હતો માત્ર 25.63 ઇંચ વરસાદ
વર્ષ-2023 નું ચોમાસુ રાજકોટવાસીઓ માટે થોડું નબળુ રહ્યું હતું જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી અને ન્યારી ડેમને સૌની યોજના સાથે જોડી દીધા છે. જેના કારણે વર્ષમાં ગમે ત્યારે આ બન્ને ડેમને નર્મદાના નીરથી ભરી શકાય છે. શહેરમાં ચોમાસાની સિઝનમાં 50 ઇંચથી વધુ વરસાદ પડે તો ઉનાળાના આરંભે પાણીની સમસ્યા સર્જાય છે. ગત વર્ષ 6 માર્ચના રોજ સીઝનનો પહેલો વરસાદ વરસી ગયો હતો એવી આશા બંધાય હતી કે ચોમાસુ ટનાટન રહેશે પણ માત્ર 651 મીમી એટલે કે 25.63 મીમી પાણી પડયું હતું.
એક દશકામાં સૌથી ઓછો વરસાદ 2014માં પડયો !!
છેલ્લા એક દશકામાં રાજકોટમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 2014માં વરસ્યો હતો. આ વર્ષ માત્ર 15.10 ઇંચ જ જ પાણી પડયું હતું. રાજકોટવાસીઓએ એકાતરા પાણી કાંપ પણ વેઠવાની નોબત આવી પડી હતી. 2014માં ર0 એપ્રિલના રોજ સિઝનનો પ્રથમ વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું. આ વર્ષચોમાસામાં કુલ 385 મીમી વરસાદ પડયો હતો છેલ્લા એક દશકામાં આ સૌથી ઓછો વરસાદ હોવાનું કોર્પોરેશનના ચોપડે નોંધાયું છે. શહેરમાં પાણીનો પોકાર સર્જાયો હતો.
1987માં સૌથી ઓછુ 186 મીમી પાણી પડયું હતું
રાજકોટના પ0 વર્ષના ઇતિહાસમાં 1987માં સૌથી ઓછો વરસાદ પડયો હતો આ વર્ષ 186 મીમી અર્થાત માત્ર 7.43 ટકા જ વરસાદ પડયો હતો 1986માં આઠ ઇંચ વરસાદ બાદ સતત બીજી વર્ષે ચોમાસા નબળુ રહ્યું હતું. રાજકોટવાસીઓએ હિજરત કરવાની ફરજ પડી હતી.
1985, 1986 અને 1987 ઉપરાઉપરી ત્રણ વર્ષ દુષ્કાળ હિજરતની ફરજ પડી
1985 થી 1987 એમ ઉપરાઉપરી ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડયો હતો. શહેરીજનોએ હિજરત કરવાની ફરજ પડી હતી. 1985 ના વર્ષમાં ચોમાસાની સિઝનમાં 11 ઇંચ વરસાદ પડયો હતો. 1986 માં માત્ર 8 ઇંચ પાણી વરસ્યુ હતું. જયારે 1987માં રાજકોટના ઇતિહાસમાં સૌથી ઓછો માત્ર 7.43 ઇંચ વરસાદ વરસતા રાજકોટ ભયંકર દુષ્કાળની ગર્ભમાં ગરકાવ થઇ ગયું હતું. શહેરીજનોએ હિજરત કરવાની ફરજ પડી હતી.