- રામનામ ઉપરાંત ગાયત્રી મંત્ર, મહામૃત્યુજંય, શ્રીગણેશ અને શ્રીલક્ષ્મી મંત્રોની આહુતિ અને વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ દીપી ઉઠ્યો
- સદભાવના વૃદ્ધાશ્રમના વડિલો અને વૃક્ષોના લાભાર્થે આગામી તા.23મીથી યોજાનારી પૂ.મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથા પૂર્વે આજે દેવોને આહવાન કરવા વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કુંડ માનસ સદભાવના યજ્ઞ દિવ્ય વાતાવરણમાં સંપન્ન થયો.
વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવના માં દેવતાઓને આહવાન આપવા રેસકોર્સ મેદાન ખાતે યજ્ઞ યોજાયો હતો, દરેક કુંડ પર એક એમ કુલ 108 ઉપાચાર્યો એ યજ્ઞ કરાવ્યો હતો.યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાસ્ત્રોક્ત વિધિથી “શ્રી રામ નામની” આહુતિઓ અર્પણ કરી હતી, ઉપરાંત જેને સદબુધ્ધિનો મહામંત્ર માનવામાં આવે છે તે ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્ર, શ્રી ગણેશ મંત્ર અને શ્રી લક્ષ્મી મંત્રો સાથે સમગ્ર રેસકોર્સ મેદાનમાં એક શુભ ઉર્જા અને આવરણ સર્જાયું હતું. આ પવિત્ર આવરણ માત્ર રેસકોર્સ મેદાન જ નહીં પણ સમગ્ર રાજકોટના આકાશને પવિત્ર ઊર્જાથી ભરી દીધું. સમગ્ર વૈદિક પરંપરા સાથે આ યજ્ઞોથી રેસકોર્સ મેદાનમાં ઋષિ સંસ્કૃતિના દર્શનની પણ ઝાંખી થઇ હતી.
દરેક કુંડ પર 2 યજમાન દંપતી એટલે કે 216 યજમાન દંપતીએ અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવારના બહેનોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ આપી દેવોને આહવાન કર્યું હતું.આ યજ્ઞની વિશેષતા એ રહી કે યજ્ઞ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય એમાં ક્યાંય પર્યાવરણને નુકસાન કરે એવી પ્લાસ્ટિક સહિતની કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ઉપરાંત યજમાન દંપતીઓને પણ રીસાઈકલેબલ મટિરિયલ એટલે કે કાગળ અને કાપડની બેગ વગેરે આપવામાં આવ્યું હતું.
યજ્ઞમાં સહભાગી થવા દુબઈ, મસ્કત સહિત વિશ્ર્વભરમાંથી સદભાવનાના દાતાઓ અને શુભેચ્છકો પધાર્યા હતા તો રાજકોટ જિલ્લા કલેક્ટર પણ યજ્ઞમાં યજમાનપદે રહ્યા હતા. દરેક યજમાનોને આગલે દિવસે જ ધોતી, ખેસ સહિતની કીટ પહોંચાડી દેવામાં આવી હતી.પુરૂષ યજમાનો ધોતી કુર્તા સાથે પરંપરાગત વસ્ત્રોમાં યજ્ઞમાં બેઠા હતા. યજમાન દંપતીઓને યજ્ઞની પ્રસાદી રૂપે તાંબાનું તરભાણું પંચપાત્ર સહિતનો સેટ, રૂદ્રાક્ષની માળા અને પૂજનમાં રાખેલી સોપારી અર્પણ કરવામાં આવી હતી
- રેસકોર્સના મેદાનમાં માનસ સદભાવના યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારને કારણે દિવ્ય ઊર્જામય વાતાવરણનું નિર્માણ થયું હતું.
- “માનસ સદભાવના યજ્ઞ” સમિતિના ઉમેશભાઈ માલાણી, ડી. કે. પટેલ, અમર ભાલોડીયા, પ્રતિક ડઢાણિયા, હરિશ રાણપરા સહિતના મહાનુભાવોએ યજ્ઞને દિવ્યાતિદિવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી.
- માનસ સદ્ભાવના રામકથા રૂપી ધર્મોત્સવના માધ્યમથી સર્વને એક થવાનો ‘અવસર’
દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે પોતાનો દિકરો શ્રવણ જેવું કામ કરે. શ્રીરામના આદર્શોને જીવન મંત્ર બનાવી ઘોર કળીયુગમાં પણ ખરા અર્થમાં સદભાવના વૃધ્ધાશ્રમએ ચરિતાર્થ કર્યુ છે. આજે સદભાવના વૃધ્ધાશ્રમ અનેક માતા-પિતાના શ્રવણરૂપી દિકરા બની સેવાની જયોત જલાવી રહયું છે. આ સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે,ત્યારે શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.23 નવેમ્બર, શનીવારના રોજ સાંજે 4:00થી પ્રારંભ થઈ તા.24 નવેમ્બર થી તા. 1 ડિસેમ્બર રોજ સવારે 9:00 થી બપોરે 1:30 સુધી રામાયણરૂપી જ્ઞાનગંગાનું પૂ. મોરારિ બાપુ રસપાન કરાવશે. રાજકોટના આંગણે યોજાઈ રહેલ રામકથામાં દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો ઉમટી પડવાના છે ત્યારે વૈશ્વિક રામકથા
આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, પ્રેમ,સંવેદના, કરૂણાના મૂલ્યોને સમજાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. પૂ.મોરારિ બાપુનું કથન સાદી અને સરળ ભાષામાં હોય છે, જે દરેક વયના લોકો માટે સમજવું સરળ થઈ જાય છે. તેમના કથનમાં જીવનનાં મહત્વના સિધ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ, કર્તવ્ય, શાંતિની સમજણ આપે છે. રામકથા સમાજમાં શ્રધ્ધા અને વિશ્વાસની ભાવનાને ઉજાગર કરે છે.
રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. વૈશ્ર્વિક રામકથા શ્રવણનો લાભ લેનાર શ્રોતાઓને તુલસી સહિતના રોપા, ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે.
આમ રાજકોટ ખાતે ભજન, ભોજન અને સેવાની ત્રિવેણી સમુ ધામ નિર્માણ થવાનુ છે ત્યારે તા.23 નવેમ્બરે પોથીયાત્રા નીકળશે અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં કથા શ્રવણની સાથોસાથ ભોજન-પ્રસાદનો લાભ લે માટે સુંદર આયોજન કરવામાં આવી રહ્યું.
આમ સત્ય, પ્રેમ અને કરૂણાનો વૈશ્ર્વિક સંદેશ આપનાર પૂ.મોરારિબાપુ રામ ચરિત માનસનું ગાન કરવા રાજકોટને આંગણે પધારી રહયા છે. પૂ. મોરારિ બાપુ દેશના પ્રખ્યાત રામ કથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહી, પરંતુ સમગ્ર વિશ્ર્વમાં રામકથાનું આયોજન કરે છે.કૈલાશ માનસરોવર ખાતે પણ પૂ. મોરારિબાપુએ કથા-પારાયણ કરેલું છે. આમ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુકત કરતા રામકથા શ્રવણ અને મહાપ્રસાદને ગ્રહણ કરવાનું જાહેર નિમંત્રણ અને ’જેના અન્ન ભેગા, તેના મન ભેગા’ ની ઉકિતને સાકાર કરનારો આ ધાર્મિકોત્સવ રાજકોટના હાર્દસમા રેસકોર્ષ મેદાન પર સદભાવના વૃધ્ધાશ્રમના યજમાનપદે રામકથાનુ ભવ્ય-દિવ્ય આયોજન થઈ રહયું છે ત્યારે સર્વે ધર્મ, સર્વ જ્ઞાતિના સમાજોને ’એક થવાનો અવસર’ રામકથાના માઘ્યમથી મળ્યો છે.
- આ સમગ્ર આયોજનમાં ચાર હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.
- રાજકોટ તો સંતોની ભૂમિ છે, ત્યારે સૌ રાજકોટવાસીઓએ રામકથાનો લાભ લેવો જોઈએ: મિત્તલ ખેતાણી
- અબતકની સાથે વાતચીતમાં મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, માનસ કથા સદભાવના રામકથાનું મંગલાચરણ થઈ ચૂક્યું છે. રાજકોટના આંગણે 108 કુંડ યજ્ઞ માં દેશ-વિદેશના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં પૂ.મોરારીબાપુની કથા તા.23મી નવેમ્બર થી લઈને 1 ડિસેમ્બર સુધી રેસકોસ ગ્રાઉન્ડમાં અયોધ્યા નગરી બનવાનું છે આ ઉપરાંત 300 કરોડના ખર્ચે નવા સદભાવના વૃદ્ધાશ્રમ ના લાભાર્થે મોરારીબાપુની રામકથા વૃક્ષો અને વડીલો માટે છે સમગ્ર ભારતને હરિયાળું 51 કરોડ વૃક્ષો વાવી, એમને ઉછેર કરવાના હેતુ રાખેલ છે ,આજે 108 યજ્ઞકુંડ જેમાં મહામૃત્યુંજય નો જાપ રાજકોટ નહીં પણ સમગ્ર વિશ્વની સુખાકારી માટે અને જ્યાં યુદ્ધનું વાતાવરણ છે ત્યાં બુદ્ધનું વાતાવરણ પ્રાપ્ત થાય એવા હેતુથી આજે યજ્ઞ કરવામાં આવ્યો છે લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી છે અને રાજકોટ તો સંતોની ભૂમિ છે ત્યારે રાજકોટના આંગણે બાર વર્ષ પછી પૂજ્ય મોરારીબાપુની રામકથાનો લાભ લેવા તથા ધુવાડા બંધ પ્રસાદનો લાભ લેવા સૌને આમંત્રણ છે
વૃદ્વાશ્રમ સમાજની શરમ નહિ પણ ધરમ: રમેશભાઇ ઠક્કર
આપણે ત્યાં એવું કહેવાતું કે વૃદ્ધાશ્રમ એ સમાજની શરમ છે પણ આજે આ વાતને ઉલટાવીને એમ કહેવું પડે કે વૃદ્ધાશ્રમ એ સમાજનો ધરમ છે ! સમય અને સંજોગો પ્રમાણે વૃદ્ધાશ્રમનો વિશેનો આખો ખ્યાલ બદલાઈ ગયો છે. અગાઉ એવું હતું કે જે સંતાનો માતા-પિતાને સાચવતા નથી એને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે પણ આજે ચિત્ર સાવ અલગ છે.સેવાભાવિ રમેશભાઈ ઠક્કરએ જણાવ્યું કે, કેટલાય એવા દંપતી છે જેને સંતાન પ્રાપ્તિ થઈ નથી,આવા દંપતીનું વૃદ્ધાવસ્થામાં કોણ? આ દંપતીમાંથી કોઈ એકનું નિધન થાય પછી બીજી વ્યક્તિનું કોણ? કેટલાય દંપતી એવા છે જેને સંતાનમાં માત્ર દીકરીઓ છે અને એને પરણાવી દીધી હોય પછી માતા-પિતાની દરરોજ એ સાર સંભાળ કેમ રાખી શકે? દીકરીઓ બહારગામ સાસરે હોય તો માતા-પિતાનું ધ્યાન કોણ રાખે? આવા સંજોગોમાં વૃદ્ધાશ્રમ એ સમાજનો ધરમ બની જાય છે.કેટલાય એવા દંપતીઓ છે જેને દીકરા છે પણ દેશમાં અથવા વિદેશમાં વસે છે. માતા-પિતાને મોટા શહેરોમાં અથવા વિદેશમાં રહેવું ફાવતું નથી અને દીકરા પોતાના વતનમાં રહી શકે એમ નથી ત્યારે માતા-પિતાનું કોણ?કેટલાય એવા લોકો છે જેણે લગ્ન કર્યા નથી એમનું વૃદ્ધાવસ્થામાં કોણ?આ બધા સવાલોનો જો કોઈ જવાબ હોય તો એ છે વૃદ્ધાશ્રમ. આ કારણે જ આજે સમાજની શરમ નહિ પણ ધરમ છે.
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ અંદાજે 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને હજારો લોકો ભોજન પ્રસાદનો લ્હાવો લેશે.
આ રામકથામાં બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટી પડશે. વૈશ્વિક રામકથાનું શ્રવણ કરવા આવનાર શ્રાવકો માટે વિનામૂલ્યે વિશેષ બસની સુવિધા કરવામાં આવી છે. જેનો લાભ દરેક લઈ શકશે. તા.23 નવેમ્બર બપોરે 2:30 વાગ્યે અને તા.24 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી સવારે 8:30 વાગ્યાથી બસના વિવિધ વિસ્તારમાં રૂટ નકકી કરાયા છે.તે મુજબ આ બસો ભાવિકોને સવારે કથા સ્થળ પહોંચાડી બપોરે કથાશ્રવણ, ભોજન પ્રસાદ બાદ પરત લઈ જવા સહિતની સેવા આપશે. આ તમામ બસો ઉપર વૈશ્વિક રામકથાના બેનર લગાડવામાં આવશે. કથા સ્થળે પહોંચવા માટે તદન ફ્રી સર્વીસ રાખવામાં આવેલી છે. રામકથા દરમિયાન કુલ 50 બસ સેવા આપશે. બસ વ્યવસ્થા માટે જીતુભાઈ ધોળકીયા, (ધોળકીયા સ્કુલ) દ્વારા 35 બસ અને આર.કે. કોલેજ દ્વારા 15 બસનો સહયોગ મળેલ છે. જેમાં દરેક રૂટ પર 2(બે) બસ ફાળવવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માટે સ્પેશ્યલ 3 બસ ફાળવવામાં આવી છે. કથાનો ઉતારો (સોરઠીયા વાડી સર્કલ પાસે) 7 બસ ફાળવવામાં આવેલ છે અને 20 બસો રીઝર્વ રાખવામાં આવેલ છે. જો રૂટ પર ટ્રાફીક વધી જવાની પરિસ્થિતિ નિર્માણ થાય તો અન્ય રૂટ પરથી એકસ્ટ્રા સ્ટાફ તુરત વ્યવસ્થા જાળવવા પહોચી જાય તે માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
મવડીથી ઉપડશે. પી.ડી.માલવીયા કોલેજ, કોઠારીયા ગામ, જીવરાજ પાર્કથી ઉપડશે. માધાપર ચોકડીથી, ઉપલા કાંઠા વિસ્તારથી, રેલનગરથી ઉપડશે. એચ.જે.સ્ટીલ (ભાવનગર રોડ)થી ઉપડશે.
રામકથામાં વિનામુલ્યે બસ સેવામાં આશરે 15 થી 20 વર્ષના અનુભવી કુલ 60 ડ્રાઈવરોની ફૌજ (રીઝર્વ સાથે) પોતાની સેવા આપશે. બસના કાચ પર રૂટના ક્રમ નંબરનું સ્ટીકર અને મોટું બેનર દૃશ્યમાન થશે જેમાં રૂટની તમામ વિગતો હશે તેમજ બાળકોને સ્કુલે લઈ જતાં વિનમ્રતાસભર ડ્રાઈવરો પોતાની સેવા આપશે. ગત વર્ષે રાજકોટ ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં પણ ધોળકીયા સ્કુલની 35- બસોએ સેવા બજાવેલ હતી. ત્યારે રામકથા દરમિયાન આ બસ સેવામાં ડ્રાઈવરો કોઈપણ જાતના ચાર્જ લીધા વગર નિ:સ્વાર્થભાવે પોતાની સેવા પુરી પાડી પુણ્યનું ભાથું બાંધશે અને સવારે વિવિધ રૂટ પરથી પ્રસ્થાન કરતા પહેલા ડ્રાઈવરો તમામ મુસાફરોનું – વડીલોનું ‘જય સિયારામ’ ના નાદ સાથે સ્વાગત કરશે.
વૃદ્વાશ્રમો આજે વડિલો માટે માનાશ્રમો બની રહ્યા છે: જય છનિયારા
આજના યુગમાં વૃદ્ધાશ્રમોએ વૃદ્ધોના આશ્રયસ્થાનો નહિ પણ વડિલોના માનાશ્રમો છે એવું આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર જય છનિયારાએ જણાવ્યું હતું. તેમણે સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારિબાપુની રામકથા માટે જન જનમા જોવા મળતા ઉમંગની ખૂબ પ્રશંસા કરી હતી.
જય છનિયારાએ જણાવ્યું હતું કે,પહેલા 5 વર્ષ બાળકની આંગળી પકડનાર માતા-પિતાનો જિંદગીના છેલ્લા 5 વર્ષ હાથ ઝાલવો એ દરેક સંતાનની ફરજ છે.આજે વૃદ્ધાશ્રમો સમયની માંગ બની ગયા છે.સંતાનો માતા-પિતાને તરછોડે એવા કિસ્સા બહુ ઓછા બને છે પણ વડિલોના નિરાધારપણાને કારણે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે.
એમણે વૃક્ષારોપણની પ્રવૃતિ માટે સદભાવનાના ખૂબ વખાણ કર્યા અને જણાવ્યું કે દેશને હરિયાળો કરવા સદભાવનાએ જે પહેલ કરી છે તે અપ્રતિમ છે.વૃક્ષ પર જ્યારે કુહાડો ચાલતો હોય છે ત્યારે એમાં ક્યાંક લાકડાનો હાથો જવાબદાર હોય છે.
જયભાઈએ વધુમાં કહ્યું કે કથાના અક્ષરો ઉલટાવીએ તો થાક થાય.એનો અર્થ એ કે કથા સાંભળવાથી થાક ઉતરી જાય છે માટે આપણે સૌ સદભાવના આયોજિત પૂ.મોરારિબાપુની કથાનો ખૂબ લાભ લેશું.
વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન કરાયું છે. 23 નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.
માનસ સદભાવનાની પોથીયાત્રાના રૂટ પર દીપી ઉઠશે ભવ્ય રંગોળી
સદભાવના વૃદ્ધાશ્રમની વૈશ્ર્વિક રામકથાના અવસરે પોથી યાત્રાના રુટપર અને કથા સ્થળે અદભૂત રંગોળીની સેવા કિંજલબેન રાજપૂત દ્વારા થશે.
તા.23મી એ પોથીયાત્રા વિરાણી હાઇસ્કૂલથી શરૂ થાય ત્યાંથી કથાસ્થળ સુધી અલગ અલગ ટ્રેડિશનલ રંગોળી ઓર્ગેનિક રંગોથી સજાવવામાં આવશે વળી કથાસ્થળે વિશાળ કદની હનુમાનજીની રંગોળી બનાવવામાં આવશે તો સ્વાગત કક્ષમાં પણ અયોધ્યાના રામ લલ્લાની રંગોળી ફ્લાવરના ડેકોરેશનથી તૈયાર કરવામાં આવશે સાથે સાથે પૂ.મોરારિબાપુનું પોટ્રેટ પણ બનાવાશે.
કિંજલબેને જણાવ્યું હતું કે 22મી નવેમ્બરે આખી રાત રંગોળીનું કામ ચાલશે.કથાસ્થળની 2 રંગોળી નિયમિત રિતે અલગ અલગ પ્રકારની બને એવા પ્રયાસ
પણ કરવામાં આવશે. જોનાર માટે એક સામાન્ય રંગોળી હોય છે પણ રંગોળી તૈયાર કરનાર કલાકાર માટે પોતાનો ભાવ નિચોવવાનો હોય છે માટે લોકોએ રંગોળી વિખાય નહિ એવો પ્રયાસ કરવો જોઈએ.
કિંજલબેને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ પ્રોફેશનલ રંગોળી આર્ટિસ્ટ તરીકે કામ કરે છે તેઓ સાળંગપુરના હનુમાનજીના વાઘા તૈયાર કરે છે અને બાગેશ્વર બાબા રાજકોટ આવ્યા એ વખતે પણ તેમણે રંગોળી બનાવી હતી.
- રામકથામાં પ્રસાદ વ્યવસ્થા ખોડિયાર રાસ મંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ સંભાળશે
- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં ખોડીયાર રાસ મંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ આપી વિગત
સેવાનું 52મ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ.મોરારી બાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મો2ા2ી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા.23 નવેમ્બરથી શરૂ થઈને તા.1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ ક2શે અને પ્રસાદ લેશે.
ત્યારે આ સમગ્ર આયોજનમાં રસોડાની જવાબદારી ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા સંભાળવામાં આવી રહી છે. ખોડીયાર રાસમંડળ દ્વારા વિવિધ ધાર્મિકોત્સવમાં છેલ્લા 63 વર્ષથી ભોજન વ્યવસ્થા સંભાળવાનો બહોળો અનુભવ છે. ત્યારે રેસકોર્ષ ખાતે યોજાઈ રહેલ રામકથા દરમ્યાનં રોજ 50 હજારથી વધુ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભોજન-પ્રસાદમાં બધી સામગ્રીઓ ચોખ્ખા ઘી અને શીંગતેલમાં જ બનાવવામાં આવશે. રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રામકથા દરમ્યાન ભાવિકોનો ઘસારો વધી જાય તો વધુ રસોઈ બનાવવાની તેમજ અન્નનો બગાડ ન થાય તે માટે પણ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ભોજન વ્યવસ્થા માટે દરરોજ જરૂરીયાત મુજબ તાજા શાકભાજી માટે પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા આ સેવાયજ્ઞમાં ભોજન વ્યવસ્થામાં ખોડલધામ મહિલા સમિતિની 100થી વધુ બહેનો નિ:સ્વાર્થભાવે પોતાની સેવા આપશે.
આમ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ.મોરારી બાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, ત્યારે આ વૈશ્ર્વિક રામકથા દરમ્યાન ભોજન-પ્રસાદની વ્યવસ્થા સંભાળી રહેલ ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્રના કિશોરભાઈ વાડોદરીયા, ભીખાભાઈ આંબલીયા, વલ્લભભાઈ મનજીભાઈ પટેલએ પ્રેસ શુભેચ્છા મુલાકાત દરમ્યાન માહિતી આપતા જણાવ્યું હતું.