1050 ડોઝ પૂરા થતા તમામ આરોગ્ય કેન્દ્રો પર બુસ્ટર ડોઝ આપવાની કામગીરી બંધ કરી દેવાઇ
કેન્દ્ર સરકારના આદેશના પગલે ગત 15મી જુલાઇથી રાજ્યભરમાં 18 થી લઇ 59 વર્ષની ઉંમર ધરાવતા લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ મફ્તમાં આપવાના 75 દિવસીય અભિયાનનો આરંભ કરી દેવામાં આવ્યો છે. મોટા ઉપાડે શરૂ કરવામાં આવેલા વેક્સિનેશનના મહા અભિયાનમાં હવે ધાંધિયા રોજીંદા બની ગયા છે. આજે રાજ્ય સરકાર દ્વારા રાજકોટને વેક્સીનના ડોઝની ફાળવણી ન કરાતા ફરી એક વખત વેક્સિન ખલાસ હોવાના પાટીયા આરોગ્ય કેન્દ્રો પર ઝૂલવા લાગ્યા હતા. હજારો અરજદારો રઝળી પડ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે રવિવાર બાદ આજે સોમવારે પણ રાજકોટ મહાનગરપાલિકાને વેક્સીનના ડોઝની ફાળવણી કરવામાં આવી ન હતી. જેના કારણે આજે ઉઘડતા સપ્તાહે વેક્સીનેશનના ધાંધિયા સર્જાયા હતા. સ્ટોકમાં રહેલા 1050 ડોઝથી ગાડું ગબડાવવામાં આવ્યું હતું. જો કે આટલા ડોઝ ગણતરીની મિનિટોમાં પૂરા થઇ ગયા હતા. બાદમાં તમામ આરોગ્ય કેન્દ્રો પર વેક્સીનનો સ્ટોક ખલાસ હોવાના કારણે વેક્સીનેશનની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે સવારના સમયે આરોગ્ય કેન્દ્રો પર ઉમટી પડેલા લોકોને ધરમનો ધક્કો થયો હતો. આજે સાંજ સુધીમાં જો રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં વેક્સીનનો જથ્થો ફાળવવામાં નહીં આવે તો આવતીકાલે પણ વેક્સીનેશનના ધાંધિયા થશે. બુસ્ટર ડોઝ મફ્ત આપવાની જાહેરાત કરાયા બાદ સ્ટોકની ફાળવણી પૂરતા પ્રમાણમાં ન કરતા એક દિવસ વેક્સીનેશનની કામગીરી વ્યવસ્થિત ચાલ્યા બાદ બીજા જ દિવસથી ધાંધિયા શરૂ થઇ ગયા છે.