ચારેય તરૂણીના રાષ્ટ્રીય શાળા રોડ પર સીસીટીવી કુટેજ મળ્યા: કોર્ટના આદેશ બાદ દુષ્કર્મનો ભોગ બનેલી ચારેયને સ્પેશિયલ હોમમાં છ માસથી મોકલાય’તી

રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી 4 સગીરા ગઈકાલે સવારે મહિલા ઇન્ચાર્જને ચકમો આપી નાસી છૂટતાં દોડધામ મચી ગઇ હતી. બાદ મોડે સુધી ચારેય સગીરાની ભાણ ન મળતા અંતે પોલીસમાં અપહરણનો ગુનો નોધિવામાં આવ્યો હતો.આ ચારેય સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી અને છ મહિનાથી માંડી એક વર્ષથી આ હોમમાં રહેતી હતી. હાલ સગીરાને શોધી કાઢવા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.જેમાં તે છેલ્લે રાષ્ટ્રીયશાળા નજીક સીસીટીવી કેમેરામાં કેદ થતા તે આસપાસના વિસ્તારમાં પોલીસે તપાસ કરી છે.જ્યારે ચારેય સગીરા તેના પ્રેમી સાથે ભાગી ગયા હોવાની પીએમ પોલીસે શંકા વ્યક્ત કરી છે. જયારે સગીરાઓના પ્રેમીઓ પર અગાઉ કુવાડવા, ઉપલેટા, ગોંડલ અને રાજકોટમાં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

વિગતો મુજબ ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ઓફિસર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પૂજાબેન લક્ષ્મણભાઇ શિયાળે ચાર સગીરાનું અપહરણ થઇ જવા અંગે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પૂજાબેન શિયાળે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં 45 જેટલી સગીરાઓને રાખવામાં આવી છે. શુક્રવારે સવારે 7.30 વાગ્યાના અરસામાં તમામ સગીરાઓને નિત્યક્રમ મુજબ નાસ્તો આપવામાં આવ્યો હતો અને સગીરાઓ નાસ્તો કરી રહી હતી. 7.45 વાગ્યાના અરસામાં ચાર સગીરા હોમના મહિલા રેક્ટર પાસે આવી હતી અને મહિલા ઇન્ચાર્જ વાતોમાં ઉલઝાવ્યા હતા.વાતચીત કર્યા બાદ બે સગીરા ત્યાંથી દૂર જઇ હોમના ગેટ નજીકના ખૂણા પર ગોઠવાઇ ગઇ હતી જ્યારે અન્ય બે સગીરાએ પાણી પીવા જઇએ છીએ તેમ કહી ગેટ નજીક પહોંચી હતી. અને ગેટ પહેલાની જાળી ખોલતાં જ રેક્ટરનું તેના પર ધ્યાન પડ્યું હતું. મહિલા રેક્ટરે બૂમ પાડતાં જ જાળી ખોલનાર બંને સગીરાએ ગેટ ખોલી નાખ્યો હતો અને તે બે તેમજ અગાઉથી ખૂણામાં ગોઠવાઇ ગયેલી અન્ય બે સગીરા સહિત ચારેય સગીરા મહિલા ઇન્ચાર્જની નજર સામે દોડીને હોમની બહાર ભાગી ગઇ હતી.

જ્યારે તે મામલે સ્ટાફ અધિકારીઓ દ્વારા નજીકમાં જ આવેલા ભક્તિનગર રેલવે સ્ટેશન, જંક્શન રેલવે સ્ટેશન અને બસ સ્ટોપ પર ટીમ રવાના કરી હતી, પરંતુ ફરાર થઇ ગયેલી ચાર પૈકીની એક પણ સગીરા હાથ નહીં આવતાં અંતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે પૂજાબેનની ફરિયાદ પરથી ચારેય સગીરાના અપહરણ થયાનો ગુનો નોંધ્યો હતો.અને ઘટનાને ગંભીરતાથી લઇ શહેર પોલીસે વિવિધ સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં છેલ્લે ચારેય સગીરા રાષ્ટ્રીયશાળા નજીક સાથે જોવા મળી હતી. ત્યારબાદ તેની ભાળ નહીં મળતાંઅન્ય ફૂટેજ ચેક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ચારેય સગીરા અગાઉ તેના પ્રેમી સાથે નાસી ગઇ હોય તેના પરિવારજનોએ જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સગીરા અને તેના પ્રેમીને શોધી કાઢ્યા બાદ સગીરાઓના પ્રેમી સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમનો ઉમેરો થયો હતો. ચારેય સગીરાને પોલીસે શોધી કાઢ્યા બાદ સગીરા તેના પરિવારજનો સાથે જવા ઇચ્છુક નહીં હોવાથી તેમને કોર્ટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મોકલી હતી.જેથી નાસી છૂટેલી સગીરાઓના પ્રેમીનો જામીન પર છુટકારો થયો હોય અને તેઓ પોતપોતાના પ્રેમી પાસે ભાગી ગયાની શંકાના આધારે પોલીસે સગીરાના પ્રેમીઓના ઘર સહિતના સ્થળે દરોડા પડી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.