કોરોના સામેની લડાઈમાં આવશ્યક નિવડેલી આરોગ્ય સેતુ એપમાં અનેક મહત્વના ફિચર્સ: નવા મોબાઈલમાં એપ હવેથી પ્રિ-લોન્ચ હશે
કોરોના વાઇરસનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં હાલ ચરમસીમાએ છે, ત્યારે ભારત ત્રીજા સ્ટેજથી બચવામાં સફળ રહ્યું છે જેનું મહત્વનું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સાવચેતી ભર્યા પગલાંઓ. ખાસ કરીને યોગ્ય સમયે લોકડાઉન જાહેર કરી કોરોના સંક્રમણ વધુ ફેલાતા અટકાવી શકાયું
બીજા લોક ડાઉનના પ્રારંભે પ્રધાનમંત્રી મોદીએ ખુબજ અગત્યની એવી આરોગ્ય સેતુ મોબાઈલ એપની જાહેરાત કરી. જેને ટુંકાગાળમા ૫૦ મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. માત્ર ૨.૮ એમ.બી.ની એપ શુ છે ? કોણે અને ક્યા ઉદેશ સાથે બનાવી અને તેની ઉપયોગિતા શુ છે તે વિશે જાણીએ.
આરોગ્યા સેતુ મોબાઇલ એપ્લિકેશન છે જે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે.જેનો મુખ્ય ઉદેશ કોવિડ -૧૯ સામેની સંયુક્ત લડાઈમાં ભારતની જનતાને આરોગ્ય વિષયક આવશ્યક સેવાઓ સાથે જોડવાનો છે. એપ્લિકેશનનો હેતુ ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા સક્રિયપણે એપ્લિકેશનના વપરાશકર્તાઓ સુધી પહોંચી, વપરાશકર્તાઓને કોવીડ -૧૯ સંબંધિત સલાહ, જોખમો, સંસર્ગથી બચવા તકેદારી તેમજ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી આવશ્યક પગલાંઓની માહિતી મળી રહે તે છે.
આ એપથી આંગળીના ટેરવે કોરોનાની સમગ્ર માહિતી હાથવગી મળી રહે છે તોવિશેષમાં યુઝર્સની હેલ્થની તમામ માહિતી તેમાં ફીડ કરી શકાતી હોઈ આરોગ્ય હિસ્ટ્રી સ્ટોર થઈ જાય છે, જે ને આરોગ્ય વિભાગ તરફથી પ્રતિસાદ પણ આપવામાં આવે છે.
સૌથી મહત્વના ફીચર્સમાં જોઈએ તો આ એપ બ્લુટૂથ, જીપીએસ સિસ્ટમ તેમજ મોબાઇલ નંબરની મદદથી ચેક કરે છે કે તમે કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં તો નથી આવ્યા, જેનામાં કોરોના વાયરસનું સંક્રમણ હોય. એપમાં આ ઉપરાંત કોવિડ-૧૯ હેલ્પ સેન્ટર્સ તથા સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ પણ સામેલ છે. ગુજરાતમાં તા. ૨૭ એપ્રિલ સુધીમાં ૫ લાખથી વધુ લોકો આ એપ સાથે જોડાયા છે, ત્યારે રાજકોટ ૨.૮૧ લાખ યુઝર્સ સાથે ચોથા ક્રમે રહ્યું છે.
જયારે ૪ હજારથી વધુ લોકોને સામાન્ય બીમારી હોવાનું સામે આવ્યું છે. સૌથી મહત્વનું છે કે જો આપણા મોબાઈલ પર એલર્ટ મેસેજ આવે તો તુર્ત જ તંત્રને જાણ કરવી જેથી શંકાસ્પદ વ્યક્તિનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ થઈ શકે તેમ આરોગ્ય વિભાગના ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું છે.
અગિયાર ભાષામાં ઉપલબ્ધ આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇફોન એમ બન્ને પ્લેટફોર્મ પર કાર્ય કરે છે. આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં કોરોના વાયરસ સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ છે.
આ એપ હાલના સમયમાં અતિ ઉપયોગી બની રહી છે, ત્યારે તમે શું આ એપ ડાઉનલોડ કરી છે ? શું આપ કોરોના સંક્રમીત લોકોથી બચવા માંગો છો તો મોબાઈલ પ્લે સ્ટોરમાં આરોગ્ય સેતુ એપને સર્ચ કરી આજે જ ઇન્સટોલ કરો. કોરોનાથી આપણે બચીએ અને દેશને બચાવીએ. જન જનની સુરક્ષાનો સેતુ એટલે આરોગ્ય સેતુ.
શહેરમાં પાંચ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ દર્દી નજીક આવતા મળ્યો મેસેજ
કોરોના વાયરસમાં મહત્વપૂર્ણ ગણાતી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાથી અનેક લોકોને ફાયદા થઈ શકે છે. તાજેતરમાં જ શહેરમાં પાંચ વ્યક્તિઓને મોબાઈલમાં મેસેજ મળ્યો હતો. કોરોનાગ્રસ્ત વ્યક્તિ નજીક આવતા જ એપ્લીકેશન દ્વારા નોટિફીકેશન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત નાદુરસ્ત તબીયત અને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોની જાણકારી પણ આરોગ્ય સેતુ એપ્લીકેશન દ્વારા આપવામાં આવી રહી છે.