દિવાળીના આગમનની છડી પોકારતું રંગોળી પ્રદર્શન રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે યોજાય

દિવાળીના તહેવારનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે તેની છડી પોકારતા રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે બે દિવસીય રંગોળી પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધો. 2ના વિદ્યાર્થીથી લઈ 45 વર્ષની વયના 77 જેટલા કલાકારોએ બેનમૂન રંગોળીઓ બનાવી છે. કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુ. કમિશ્નર અમિત અરોરા સહિતના મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાત લઈ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતાં.

કલાકારોની કલાને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ.અજંતા આર્ટ્સ કલાસીસ દ્વારા વર્કશોપ તેમજ રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 77થી વધુ કલાકારો દ્વારા 125 જેટલી રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી.

કલાકારો દ્વારા ફિલ્મ સ્ટાર્સ, રાજા મહારાજા, કોરોના વોરિયર્સ, દેશની રક્ષા કરતા જવાનો, સામાજિક સંદેશ આપતી, કલેકટર, કમિશનર, મેયર સહિતના મહાનુભાવોની આબેહૂબ રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. રાજકોટની કલાપ્રિય જનતાએ આર્ટ ગેલેરી ખાતે આયોજિત પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. અને રંગોળી કલાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.