રાજકોટ રૂરલ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરનાં ૩૨ બુટલેગરોની આરઆરસેલે કરી ધરપકડ
રાજકોટ ગ્રામ્ય અને રાજકોટ રેન્જનાં ૫ જિલ્લાઓમાં રેપીડ રીસપોન્સ સેલ દ્વારા છેલ્લા પાંચ માસમાં ૨ કરોડ રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો હતો. આરઆરસેલ દ્વારા ૩૨ જેટલા નામચીન બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે, આરઆરસેલ દ્વારા ૫ માસમાં આ સૌથી મોટી રેઈડો કરવામાં આવી હતી ત્યારે લોકસભાની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી રહેતા આરઆરસેલ દ્વારા ખૂબજ આકરી કામગીરી કરવામાં આવી રહી છે જે નાસ્તા ફરતા બુટલેગરો છે તેના પર માર્કર મુકી દેવામાં પણ આવ્યા છે જેથી કોઈ ગેર પ્રવૃતિને અંજામ આપવામાં ન આવે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ કરાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં અનેક લીસ્ટેડ બુટલેગરો પોલીસની મીઠી નજર હેઠળ અથવા તો પોલીસની આંખમાં ધુળ નાખીને દારૂનો બેરોકટોક શહેરની જેમ રાજકોટ ગ્રામ્ય અને રેન્જના ૫ જિલ્લાઓમાં વેપાર પણ કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં રાજયભરની પોલીસ બુટલેગરો ઉપર ધોસ બોલાવી રહી છે અને કરોડો રૂપિયાનો દારૂ માત્ર પાંચ માસમાં જ ઝડપી લીધો છે. રાજકોટ રેન્જમાં આવતા પાંચ જિલ્લાઓમાં છેલ્લા અણગણીત પ્રોહિબીશનનાં ગુન્હા નોંધાયા છે, જેમાં રાજકોટ ગ્રામ્ય વિંછીયા પોલીસ સ્ટેશન, પડધરી પોલીસ સ્ટેશન, દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન, દ્વારકા પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરનાં બામણબોર પોલીસ સ્ટેશન, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સહિતના અનેક પોલીસ મથકોમાં પ્રોહીબીશનનાં ગુન્હા નોંધાવામાં આવ્યા છે.
૫ માસમાં આરઆરસેલ દ્વારા ૨ કરોડથી વધુ રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરનાં સાયલા પોલીસ સ્ટેશનમાં આર.આર.ભરવાડ, એસ.વી.દાફડા અને રાજદિપસિંહ ઝાલા અને દિપસંગ ચિત્રા દ્વારા વિદેશી દારૂની ૩૦,૯૪૮ બોટલો પકડી પાડી હતી જેની કુલ કિંમત ૫૫.૫૭ લાખ ગણવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા જોગેન્દરસિંહ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી પ્રોહિબીશન એકટ અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
એવી જ રીતે જામનગરનાં પંચકોષી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશને લઈ અનેકવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા હતાં, જેમાં આરઆરસેલની ટીમ દ્વારા વિદેશી દારૂની કુલ ૧૪,૧૧૨ બોટલ પકડવામાં આવી હતી જેની કિંમત કુલ ૪૯.૩૯ લાખ આંકવામાં આવી હતી. આ રેઈડમાં આરઆરસેલ દ્વારા બુટલેગર વિપુલ શીયાર સહિત કુલ ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
જયારે મોરબીની હદમાં આવતા હળવદ પો.સ્ટેશનમાં પણ પ્રોહિબીશન અંગે ગુન્હા નોંધવામાં આવ્યા હતાં. જેમાં શક્તિસિંહ ઝાલા સહિતનાં પોલીસ અધિકારીઓએ વિદેશી દારૂની ૧૨૬૬૦ બોટલ જેની કિંમત ૪૬.૫૪ લાખ આંકવામાં આવી છે. સાથો સાથ ૩.૩૬ લાખના ૩૩૬૦ બીયર ટીન એમ કુલ મળી ૪૯.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ત્યારે હવે ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહેતા તમામ મોટા-નાના બુટલેગરો પર પોલીસે લાલ આંખ કરી છે. આરઆરસેલ દ્વારા નામચીન બુટલેગર જેવા કે, દિપક ટીંબલ, ભરત ઉર્ફે ભગો રાઠોડ, સાગર ઉર્ફે મનીષ નંદાણીયા, મનીષ નકુમ, મોહંમદ બીલાલ, રવિ ઓવસીયા, નઝીર ઉર્ફે વલો હુસેન જામ, સુનીલકુમાર, ઉમેદ ઉર્ફે લાલો શ્રવણ, જગદીશ ઉર્ફે જગો મારૂ , ફરારી અને ભરતભાઈ, બીરેન્દ્રસિંઘ રાજપુત, અસલ મુલતાની સહિતના બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે.