- 30 પોલીસ અધિકારી-કર્મચારીઓની પાંચ સ્પેશિયલ ટીમોએ વેશ બદલાવી કાર્યવાહી કરી
લોકસભા ચુંટણીની શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવા ઉદેશ્ય સાથે પોલીસ દ્વારા ગુનેગારો પર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ રેન્જ પોલીસે અલગ અલગ પાંચ ટીમો બનાવીને મહારાષ્ટ્ર, એમપી, યુપી, રાજસ્થાન અને હરિયાણાથી કુલ 47 જેટલાં નાસ્તા ફરતા ગુનેગારોને ઉપાડી લઇ દાખલારૂપ કાર્યવાહી કરી છે.
આદર્શ આચારસંહિતા લાગુ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાના હેતુ સાથે પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર દ્રારા રેન્જ હસ્તકના પાંચ જીલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પકડવા માટે એક ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાજ્ય બહારના આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના 5 પોલીસ અધિકારી તથા 25 પોલીસ કર્મચારીઓ મળી કુલ 30 અધિકારી-કર્મચારીઓની 5 અલગ-અલગ સ્પેશ્યલ ટીમો બનાવવામાં આવેલ હતી.
આ ટીમો પૈકી મધ્યપ્રદેશ ખાતે અલગ-અલગ બે ટીમો, રાજસ્થાન ખાતે અલગ-અલગ બે ટીમો અને મહારાષ્ટ્ર ખાતે એક ટીમ મોકલવામાં આવી હતી. તેમજ રાજ્યના સ્થાનીક આરોપીઓને પકડવા માટે એલ.સી.બી.-એસ.ઓ.જીની ટીમો બનાવવામાં આવી હતી.
આ તમામ ટીમો દ્રારા વેશપલટો કરી તેમજ પોતાની પોલીસ તરીકેની ઓળખ છુપાવી ખાનગી રાહે હકીકત મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડી કામગીરી કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન રાજ્યના કુલ 11 આરોપીઓ અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત યુ.પી. તથા એમ.પી.ના કુલ 5 આરોપીઓ, મહારાષ્ટ્ર તથા હરીયાણાના કુલ 3 આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા
સાથોસાથ રાજ્યના લોકલ 28 આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, અટક કરેલ આરોપીઓ પૈકી 6 આરોપીઓ 20 વર્ષથી નાસતા-ફરતા હતા. અન્ય 6 આરોપીઓ 10 વર્ષથી નાસતા-ફરતા હતા. 35 આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી એટલે કે 2019 થી 2023 દરમ્યાનના નાસતા-ફરતા આરોપીઓ છે.
આમ રાજકોટ રેન્જના દેવભુમી દ્રારકા જીલ્લા પોલીસ દ્રારા કુલ 9, જામનગર જીલ્લા પોલીસ દ્રારા કુલ 7, મોરબી પોલીસ દ્રારા કુલ 10, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા કુલ 13 અને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા કુલ 8 સહીત રેન્જના કુલ 47 નાસતા-ફરતા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને અને આ કામગીરી આગામી લોકસભા ચંટણી સુધી ચાલુ રહેનારી છે તેવું રેન્જ આઇજી અશોક યાદવે જણાવ્યું છે.
રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાંથી રૂ. 3.64 કરોડનો દારૂ ઝડપી લેવાયો : 47 હજારના અટકાયતી પગલાં અને 449ને હદપાર કરાયા
રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ દ્વારા રાજકોટ ગ્રામ્ય, મોરબી ,સુરેન્દ્રનગર, જામનગર, અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આચારસંહિતા લાગુ પડી ત્યારથી જ આગોતરૂ આયોજન કરી સમગ્ર રેન્જના પોલીસ અધિક્ષક તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ-જુગાર સહિતની બદ્દી ડામવા સૂચના અપાયા બાદ ગત તા. 16 માર્ચથી રાજકોટ ગ્રામ્ય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાંથી રૂ. 3.64 કરોડનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહીત પાંચ જિલ્લાઓમાં ચુંટણી સંદર્ભે 47,265 અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. જેમાં 228 આરોપીને પાસા હેઠળ ધકેલાયા છે અને 449 આરોપીઓને તડીપાર- હદપાર કરવામાં આવ્યા છે.