૧ મહિલા સહિત ૫ સાયકલવીરોએ બે વખત સુપર રેન્ડોનિયર્સ સીરીઝ પૂર્ણ કરી: રેન્ડોનિયર્સના આયોજકોએ ‘અબતક’ની મુલાકાત લીધી
‘રાજકોટ રેન્ડોનીયર્સ’ સાયકલ કલબ દ્વારા સાયકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ તબકકામાં સાયકલીંગ કરનાર રાઈડરને રેન્ડોનીયર તરીકે ઓળખાય છે. જેમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ મહિલા સહિત ૧૯ સાયકલ વીરોએ ‘સુપર રેન્ડોનીયર’નો ખિતાબ હાંસલ કર્યો છે. આ સમગ્ર કાર્યક્રમને લઈ આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી.
રાજકોટ રેન્ડોનીયર્સ (આરઆર)એ શહેરનું એકમાત્ર સાયકલ કલબ છે જે ઓડેકસ ઈન્ડિયા રેન્ડોનીયર્સ (એઆઈઆર) અને ઓડેકસ કલબ પેરિસિયન (એસીપી) સાથે જોડાયેલ છે જે વિશ્વભરમાં લાંબા અંતરની સાયકલ ચલાવવા માટે જાણીતું છે. એઆઈઆર અને એસીપી હેઠળ, રાજકોટ રેન્ડોનીયર્સ આંતરરાષ્ટ્રીય નિયમો અંતર્ગત ૨૦૦, ૩૦૦, ૪૦૦, ૬૦૦, ૧૦૦૦ અને ૧૨૦૦ કિલોમીટર સુધીની સાયકલ ઈવેન્ટનું આયોજન કરે છે. એક સાયકિલસ્ટ રેન્ડોનીયર તરીકે ઓળખવા માટે ઉપરોકતમાંથી કોઈપણ એક રાઈડ પુરી કરવાની હોય છે ત્યારે તે સુપર રેન્ડોનીયર (એસઆર) તરીકે ઓળખાય છે.
રેન્ડોનીયર બનવું એ ઘણા સાઈકલસ્ટિસ્ટનું સપનું હોય છે ત્યારે રાજકોટ રેન્ડોનીયર્સ ખુશી અનુભવે છે કે આજ વર્ષમાં માત્ર ચાર મહિનામાં અમને ઘણા સુપર રેન્ડોનીયર્સ મળ્યા હતા અને ઘણા ડબલ સુપર રેન્ડોનીયસ કે જે લોકોએ બે વખત ચારેય રાઈડ કરી હોય જેમાં ગયા વર્ષે સૌરાષ્ટ્રના પ્રથમ ટ્રિપલ સુપર રેન્ડોનીયર બનેલા પરેશ બાબરીયા સહિત પરાગ તન્ના, નિકુલ ગોસાઈ, મનીષકુમાર ચાવડા, આરતી ચાપાણી, વિજય દોંગા, નીમાબેન મહેતા, અલ્પાબા ગોહિલ, હારિતસિંહ ગોહિલ, અમિત ટાંક, ધર્મેશ ટાંક, મનીષ માણસુરીયા, જીતેશ માણસુરીયા, કિરણ સોજીત્રા, પૂર્વિત મોરલ, નિલેશ ગોટી, સંદીપ મારું, પ્રશાંત ચંદારાણા અને રાજેશ ઘેલાણીનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરતીબેન ચાપાણીએ માત્ર ૪ મહિનાના ટુંકાગાળામાં બે વખત સુપર રેન્ડોનીયરનો ખિતાબ મેળવી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત રાજકોટ રેન્ડોનીયર્સના સભ્ય એવા નીમાબેન મહેતાએ ૫૦ વર્ષની ઉંમરે સાયકલિંગ કરવાનું નકકી કર્યું અને માત્ર ૬ મહિનાની અંદર સુપર રેન્ડોનીયર બનવાનું નકકી કરી બે મહિનાના ટુંકાગાળામાં સુપર રેન્ડોનીયરનો ખિતાબ મેળવ્યો છે. તદુપરાંત સૌરાષ્ટ્રના પ્રથમ સુપર રેન્ડોનીયર દંપતિ હારિતસિંહ અને અલ્પાબા ગોહિલ પણ સુપર રેન્ડોનીયરનો ખિતાબ સાથે મેળવનાર પ્રથમ દંપતી બન્યા છે. આ તમામ સાયકલવીરોને રાજકોટ રેન્ડોનિયર્સના સભ્યો તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે. ટુંક સમય પહેલા બાળકો માટે સાયકલોકિડસનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું.