અબતક, રાજકોટ
શિયાળો, ચોમાસું કે અન્ય કોઇ સંજોગોમાં આશ્રય વિહોણા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રેનબસેરા ખરેખર આશીર્વાદરૂપ પુરવાર થાય છે. રેનબસેરામાં આવતા લાભાર્થીઓને નિ:શુલ્ક રહેવા તથા પોષણયુક્ત આહારની સુવિધા આપવામાં આવે છે.
શિયાળાની ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આશ્રય વિહોણા લોકોને રેનબસેરાની ઉપલબ્ધ સુવિધા અંગે માહિતીગાર કરવામાં આવે છે. શહેરમાં અલગ અલગ છ સ્થળોએ રેનબસેરાની સુવિધા ઉપલબ્ધ છે. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રામનગર અને આજી ડેમ ચોકડી ખાતેના બંને રેનબસેરાની રૂબરૂ મુલાકાત લીધી હતી.
બે રેનબસેરાની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા લાભાર્થીઓને રેનબસેરા ખાતે અપાતી સુવિધાઓની વિગતો મેળવી
આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ લાભાર્થીને આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી મેળવી હતી તેમજ લાભાર્થીઓના સ્વાસ્થ્ય લગત આરોગ્ય ચેકઅપ, વેક્સીનેશન તેમજ સ્વચ્છતા અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. આશ્રય વિહોણા લોકો વધુને વધુ રેનબસેરાની સેવાનો લાભ મેળવે તે માટે પ્રોજેક્ટ શાખાને જરૂરી કામગીરી કરવા સુચના આપી હતી. રેનબસેરાની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, આસી. કમિશનર એચ. આર. પટેલ, પી.એ.(ટેક)ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. મેનેજર હિમાંશુ મોલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.