મેયર ડો.પ્રદીપ ડવ,સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ.કમિશનર આનંદ પટેલની જાહેરાત
આગામી બુધવારે રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં ચાલતી સિટી બસમાં બહેનોને ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવશે.તેવી જાહેરાત મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્રારા કરાય છે.
તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં 70 ડીઝલ અને 27 ઇલેક્ટ્રિક બસ તથા બી.આર.ટી. એસ.માં 20 ઇલેક્ટ્રિક એ.સી. બસ ચલાવવામાં આવી રહી છે. મહાપાલિકા દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દર વર્ષની પરંપરા મુજબ ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવાનું આ વર્ષે પણ નક્કી કરવામાં આવેલ છે. આગામ બુધવારના રોજ રક્ષાબંધન ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુરુષોએ તેઓની મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. બહેનોને રક્ષા બંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા અપીલ કરી છે.