૧૦૦ બસ અને ૫૦૦થી વધુ ખાનગી વાહનોમાં કાર્યકરો ગાંધીનગર પહોંચ્યા: રૂપાણીનો જયજયકાર
ગુજરાતના ૧૬માં મુખ્યમંત્રી તરીકે આજે વિજયભાઈ રૂપાણીએ શપથગ્રહણ કર્યા હતા. રાજકોટ શહેર ભાજપના ૮ હજારથી વધુ કાર્યકરો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આજે સવારે ૧૦૦ જેટલી બસ અને ૫૦૦થી વધુ ખાનગી વાહનોમાં ભાજપના કાર્યકરો ગાંધીનગર પહોંચી ગયા હતા. ‘રાજકોટ કા બેટા, ગુજરાત કા નેતા’ના ગગનભેદી સુત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. સર્વત્ર રૂપાણીનો જયજયકાર થતો જોવા મળ્યો હતો.
આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની શપથવિધિ થઈ રહી છે ત્યારે રાજકોટ ભાજપના નાનાથી લઈને મોટા ગજાના નેતાઓ વહેલી સવારે બસોમાં રવાના થયા હતા. ૧૦૦ જેટલી બસો અને ૫૦૦ જેટલા ખાનગી વાહનોમાં અંદાજિત ૮ હજાર ભાજપ સમર્પિત કાર્યકરો, અગ્રણીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. ‘રાજકોટ કા બેટા, ગુજરાત કા નેતા’ના સુત્રોચ્ચાર સાથે રાજકોટ ભાજપ મહિલા મોરચાના બહેનોએ રવાના થતા પહેલા ઠંડકભર્યા માહોલમાં ગરમાવો લાવી દીધો હતો. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારને કસોકસની લડાઈ પછી માત કરનાર વિજય રૂપાણીનો મુખ્યમંત્રીને છાજે તેવો ભવ્ય વિજય થયો હતો. મુખ્યમંત્રીપદ માટે અનેક નામો ચર્ચામાં આવ્યા પછી આખરે વિજય રૂપાણી ‘ગુજરાતના નાથ’ બનશે તે નકકી થયું છે. જયારે ગત ટર્મમાં નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલે પણ પોતાની સુરક્ષા જાળવી રાખી છે.
નવી ઘોડી નવો દાવની માફક ટીમ રૂપાણીની ઔપચારિક સુચિ જાહેર થઈ છે તે પ્રમાણે ૨૦ મંત્રીઓ આજે હોદાના અને ગુપ્તતામાં શપથ લેશે. જેમાં કૌશિકભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, કુમાર કાનાણી, પ્રદિપસિંહ જાડેજા, રમણ પાટકર, જયદ્રથસિંહ પરમાર, જયેશ રાદડિયા, પરસોતમ સોલંકી, પરબત પટેલ, ઈશ્ર્વર પરમાર, વિભાવરીબેન દવે, ઈશ્ર્વર પટેલ, બચુભાઈ ખાબડને મંત્રીપદના શપથ લેવા માટે વન લાઈન સુચના મળી ગઈ છે. વિધાનસભાના ૩ દંડક રહેશે. જેમાં પંકજ દેસાઈ, ભરતસિંહ ડાભી અને આર.સી.પટેલને પણ દંડક તરીકે ચાલુ રાખવામાં આવશે. જયારે મુખ્ય સ્પીકરનું નામ છેલ્લી ઘડીએ જાહેર થશે.
ગાંધીનગરમાં યોજાનાર આ શપથ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમીત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં ભાજપની જીત બાદ નરેન્દ્ર મોદી ગુજરાતભરમાંથી આવેલા કાર્યકરોને જીતની શુભેચ્છાઓ આપશે. ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ મહેનત કરવા માટે કાર્યકરોને પ્રોત્સાહિત કરશે. રાજકોટ-૬૯ માંથી ચુંટાઈને બીજીવાર મુખ્યમંત્રી બનવા જઈ રહેલા વિજયભાઈને ‘ગુજરાતના નાથ’ બનતા જોવાનો રૂબરૂ લ્હાવો લેવા વહેલી સવારથી વાહનોની લાંબી કતારો કુવાડવા રોડ ઉપર જોઈ શકાતી હતી.
કાર્યકરોની પોતાની મહેનત રંગ લાવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખે પ્રશંસા સાંભળવા માટે કાર્યકરોમાં જોશ જોવા મળતો હતો. કમલેશ મિરાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં ભાજપની જીતનો શ્રેય તેમના કર્મઠ કાર્યકરોને આપ્યો હતો. રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દોઢ વર્ષના રૂપાણી કાર્યકાળ દરમિયાન ગુજરાતે જે મેળવ્યું છે તેના કરતા હજુ ઘણુ વધારે હવેના પાંચ વર્ષના શાસનમાં ગુજરાત મેળવશે.
શપથવિધિ સમારંભમાં રવાના થતા પહેલા હરેશભાઈ, બાબુભાઈ માટીયા, વલ્લભ દુધાત્રા, જયમીન ઉપાધ્યાય સહિતના નેતાગણે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના ઉચ્ચતર વિકાસની સાથો સાથ રાજકોટનો સર્વાંગી વિકાસ થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.