સવારે ૬ વાગ્યે વેઈટીંગ મમાંથી મોબાઈલ ચોરી કરતા ભાગતા આરોપીને રેલવે પોલીસ ઝડપી લીધો
રાજકોટ રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરી કરતા એક વ્યકિતને રેલવે પોલીસે ઝડપી લીધો છે. બનાવની વિગત એવી છે કે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર સવારે ૬ વાગ્યે દ્વારકાથી રાજકોટ આવેલા પ્રવિણભાઈ દુભાણી તેમજ તેમના સાથી સ્લીપર કલાસ વેઈટીંગ રૂમમાં બેઠા હતા ત્યારે એક વ્યકિત તેમનો મોબાઈલ ચોરીને ભાગી ગયો. વેઈટીંગ રૂમમાંથી ચોર ચોરનો અવાજ સાંભળી કોન્સ્ટેબલ બહાદુરસિંહ અને કોન્સ્ટેબલ મનુભાઈ તેમજ વિષ્ણુભાઈ સફાળા જાગી ગયા. અનુભાઈ અને વિષ્ણુભાઈએ મોબાઈલ ચોરી જતા શખ્સનો ઘણે દુર સુધી પીછો કર્યો અને છેવટે ઝડપી લીધો. પકડાયેલા આરોપીને કાર્યવાહી માટે રેલવે સુરક્ષા બળ પોલીસ સ્ટેશન લઈ ગયા પુછપરછ દરમિયાન આ વ્યકિતએ પોતાનું નામ અયુબશા વલિશા શાહમદાર મુળ જુનાગઢના હોવાનું જણાવ્યું. મોબાઈલના મુદામાલ સાથે ઝડપાયેલા આરોપીને રાજકોટ રેલવે પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. તેની પાસેથી રેડમી કંપનીનો મોબાઈલ મળી આવ્યો છે. જેની કિંમત ૯૩૦૦ રૂપિયા છે. આ આરોપી સામે આઈપીસી ધારા ૩૭૯ લગાવી વધુ તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ મંડલના મંડલ પ્રબંધક પી.બી.નિનાવે તથા સુરક્ષા આયુકત મિથુન સોનીએ આરપીએફ સ્ટાફ દ્વારા કરાયેલી આ ત્વરીત કાર્યવાહીની સરાહના કરી.