રેલનગર અન્ડરબ્રિજનું ખાતમુહુર્ત જાણે ક્યા ચોઘડીયે થયું છે કે જાણે બ્રિજ સુવિધા કરતા દુવિધા વધુ આપી રહ્યો છે. અગાઉ એવી ઘોષણા કરવામાં આવી હતી કે રેલનગર અન્ડરબ્રિજમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ન ભરાય અને બંને બાજુની દિવાલમાંથી સતત પાણી ચાલુ ન રહે તે માટે 56 લાખના ખર્ચે રિપેરીંગ કરવામાં આવશે. મૂળ અંદાજ કરતા 6 લાખનો વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. 73 દિવસથી બંધ બ્રિજને ગઇકાલે સાંજે વાહનચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ જાણે પાણીમાં ગયો હોય તેમ ખૂદ ઇજનેરો રિપેરીંગ બાદ પણ બ્રિજમાં પાણી પડશે તેવી 100 ટકા ગેરેન્ટી આપી રહ્યા છે. જો કે, પાણીનો ભરાવો થશે નહિં અને તત્કાલ નિકાલ થઇ જશે. બીજી તરફ રંગરોગાન માટે 12 લાખ ફૂંકી મારવામાં આવ્યા છે.
બ્રિજની બંને બાજુથી પાણી પડશે પરંતુ બ્રિજમાં પાણી ભરાયેલું નહિં રહે: રંગરોગાન માટે 12 લાખ વેડફાયા: હવે પાણી ઉલેચવા નવી મશીનરી પણ મુકાશે
રેલનગર અન્ડરબ્રિજ ચોમાસાની સિઝનમાં વાહનચાલકો માટે મહા મુસીબત સર્જે છે. વરસાદ ન હોય ત્યારે પણ બ્રિજની બંને બાજુથી સતત પાણી ટપકતું રહે છે અને બ્રિજના વચ્ચેના ભાગમાં પાણી ભરાયેલું રહે છે. સતત ત્રણ થી ચાર મહિના સુધી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના નિવારણ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 56 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. ગત 27મી સપ્ટેમ્બરે બ્રિજ રિપેરીંગ માટે વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. 73 દિવસ રિપેરીંગની કામગીરી ચાલ્યા બાદ ગઇકાલે સાંજે ફરી બ્રિજ ખોલી દેવામાં આવ્યો છે. જો કે, ઇજનેરો એવું છાતી ઠોકીને કહી રહ્યા છે કે રેલનગર બ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા રિપેરીંગથી હલ થશે નહિં. જ્યાંથી પાણી પડે છે તે ટપકતું રહેશે પરંતુ વગર વરસાદે પાણી ભરાય રહેતું હતું તે સમસ્યા હલ થઇ જશે અને બ્રિજની મજબૂતાઇ વધારવા માટે પ્રેશર ગ્રાઉન્ટીંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વરસાદી પાણીના નિકાલ માટે વધારાના પમ્પ મુકવા અંગે ટેન્ડર પ્રસિદ્વ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં આવેલ રેલનગર અન્ડર બ્રીજમાં પાણી ભરાવવાની સમસ્યા હતી. જે અંદાજીત રૂ.62 લાખના ખર્ચે પી.યુ. પ્રેસર ગ્રાઉટીંગ તથા આર.સી.સી. સ્લેબ ભરી વચ્ચેના ભાગે રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામગીરી કરવાથી શહેરીજનોને હાલાકીમાંથી મુક્તિ મળશે. નાગરિકોના સરળ પરિવહન માટે બ્રિજ પુન: ખુલ્લો મુકવામાં આવેલ છે.
આ બ્રિજમાં રૂ.12 લાખના ખર્ચે નવા રંગરોગાન અને બ્યુટીફિકેશન તથા પેઇન્ટિંગ પણ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં બ્રિજના સાઈડના એપ્રોચમાં પણ આ કામગીરી કરવામાં આવશે.
રેલનગર અન્ડરબ્રિજ પુન: શરૂ થવાથી રેલનગર અને બ્રિજની બંને તરફના વિસ્તારોના નાગરિકોને પરિવહન માટે સુગમતા રહેશે.