વડાપ્રધાનને આવકારવા માટે તડામાર તૈયારીઓ : અધિકારીઓ અને પદાધિકારીઓની સ્થળ વિઝીટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 19મી ઓકટોબરના રોજ રાજકોટ ખાતે પધારનાર છે. જેમના અદકેરાં સ્વાગત માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 19 ઓકટોબરના રોજ રેસકોર્ષ સાથે યોજાનારા કાર્યક્રમ સ્થળ ઉપર પાંચ વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવ્યા છે.
સભા મંડપમાં કાર્યક્રમ નિહાળવા માટે 14 ડ્ઢ 8 ની 32, 20 ડ્ઢ 40 ની 4 અને 60 ડ્ઢ 20 ની 1 એલ.ઈ.ડી સ્ક્રીન સહિત કુલ 37 જેટલી એલ.ઈ.ડી સ્ક્રીન લગાવવામાં આવી છે. સાઉન્ડ સિસ્ટમ, વીજપુરવઠો ન ખોરવાઈ તે માટે જનરેટર, પીવાના પાણીની વ્યવસ્થા, મેડીકલ વ્યવસ્થા, શૌચાલય સહિતની દરેક આનુસંગિક સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પ્રધાનમંત્રીની સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના હોય તેઓને મુશ્કેલી ન થાય તે માટે સેક્ટર વાઈઝ 75 જેટલા લોકોની નિમણૂંક કરવામાં આવી છે. તથા તેઓને તાલીમ પણ આપવામાં આવી છે.
વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી કરેલાં આયોજન મુજબ થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીનીંગ ડાયરેકટર વરૂણકુમાર બરનવાલ, પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકા ધીમંતકુમાર વ્યાસ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળ પર જઈને નિરિક્ષણ કર્યું હતું. રાજકોટમાં વિકાસની ગતિ વધુ ઝડપ પકડે તે માટે વડાપ્રધાનના હસ્તે 19મી ઓકટોબોરના રોજ રંગીલા રાજકોટને કરોડોના વિકાસ કામોની ભેટ મળશે. ત્યારે રાજકોટની જનતામાં પણ પી.એમ. મોદીજીને આવકારવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વહિવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.