લોધીકાના નાયબ મામલતદાર આર.એસ. લાવડીયા સરકારી ફરજની સાથે સતત માનવતા પણ મહેકાવતા હોય તેવા કિસ્સા અવાર નવાર સામે આવે છે. આ નાયબ મામલતદારે એક નિરાધાર દિકરીને અંગત રસ લઈને રૂ.3000ની માસીક સહાય અપાવી પોતે ખરા અર્થમા લોક સેવક હોવાનું પુરવાર કર્યું છે.
આ સમગ્ર ઘટના અંગે નાયબ મામલતદાર આર.એસ. લાવડીયા જણાવે છે કે, મામલતદાર ઓફીસ લોધીકામાં 12 માર્ચ 2021ના દિવસે કોઠાપીપળીયા ગામના સરપંચ સંજયભાઈ અમરેલીયા તેની સાથે તેમના ગામની 11 વર્ષની દીકરી અને તેના મોટાબાપુને લઈને આવે છે. આમ તો તે રેશનકાર્ડમાં સુધારા માટે આવ્યા હતા, જે કામ તો તુરંત જ થઈ ગયું પણ સંજયભાઈએ કહ્યું આ દિકરી જીજ્ઞાનાપતા 2014માં અવસાન પામ્યા છે. અને તે જ્ઞાતિએ ભરવાડ છે.
તેની બા એ 2015માં બીજા લગ્ન કરી, સણોસરા (બીજાગામ) જતા રહ્યા. આમ આ દિકરી ઉપર આભ ફાટી પડયું અને નોધારી થઈ ગઈ પણ આ દિકરીને તેના કૌટુંબિક મોટાબાપુએ ઘરે આસરો આપી ભણાવે છે. અને સારી રીતે રાખે પણ છે. આ ભાઈ ઘેટા બકરા ચરાવે છે. તેના પોતાના 2 છોકરા-છોકરી પણ છે. આમ કુટુંબ મોટું છે. અને ઘેટા બકરાના નાના માલમાં માંડ પુરૂ થાય છે.દીકરીને પોતાના જ દિકરા-દિકરીની જેમ રાખે છે. તો આ દિકરીને પણ જો કોઈ સરકારી સહાય મળે તો તેને ઘણો ટેકો મળી રહે.
સરપંચ સંજયભાઈની વાત દરમ્યાન મારૂ ધ્યાન દિકરી જીજ્ઞાના મોટાબાપુ કાનાભાઈ ઉપર જ હતુ. આ એક ગામડાનો અભણ માણસ, ઢોર ચરાવીને ટુંકી આવકમાં માંડ માંડ મહિને રૂ.2000 કમાય છે છતા તેના મોઢા ઉપર કોઈ જ અહેસાનની લકીર જોવા મળી નહિ. તેની દરિયાદીલી અને ખુમારીમાં મને ઈશ્ર્વર જોવા મળ્યા. કયાં શહેરનો સુધરેલ ભણેલ ગણેલ માણસ કે જે સગી જનેતાને બાપને વૃધ્ધાશ્રમ મૂકવા જાય છે.
જયારે આ અભણ ગોવાડીયો હજારો ગણી મુશ્કેલી વેઠી, ટુંકી આવકમાં પણ કૌટુંબિક ભત્રીજી દિકરીનું માત્ર ભરણ પોષણ જ નથી કરતો તેને કોઠાપીપળીયા પ્રા. શાળા 6 ઠા ધોરણમાં ક્ધયા કેળવણી અપાવે છે.અને પગભર કરવા પોતાની જાતને ઘસી કાઢે છે. આમ તો અમારી ઓફીસમાં વિધવા-વૃધ્ધ સહાય જેવી સરકારની કલ્યાણકારી યોજના અમલી છે. પરંતુ આ નિરાધાર બાળકી માટેની સરકારી યોજનાથી હું પણ અજાણ હતો. પરંતુ મને આવા નિરાધાર બાળક, બાળાઓ માટે રાજકોટ બહુમાળી ભવનમાં ઓફીસ આવેલી હોવાનું યાદ આવ્યું ત્યાંથી અલ્પેશ ગોસ્વામીનો મોબાઈલ નં. મેળવી કોન્ટેકટ કરતા નિરાધાર બાળકો માટે પાલક માતા-પિતા સહાય યોજના ચાલતી હોવાનું અને મહિને રૂ.3000 ની સહાય મળે તેવી જાણકારી પ્રાપ્ત થઈ અને અલ્પેશ ગોસ્વામીએ મને વ્હોટસપમાં અરજી ફોર્મ મોકલાવી આપવા કહ્યું.સરપંચ તથા સાથે આવેલ દિકરી અને તેના મોટાબાપુને અરજી ફોર્મ મળ્યે, તુરંત જ કોઠાપીપળીયા પહોચાડી દઈશ તેમ કહીને મોકલી આપ્યા.
વ્હોટસપમાં અરજી ફોર્મ સાંજે મળી જતા જરૂરી વિગતો ભરી, સોગંદનામાં લઈ કોઠાપીપળીયા ગામે કે જે લોધીકાથી 4 કિ.મી. ના અંતરે થાય છે. ત્યાં રિસેસનાં ટાઈમમાં રૂબરૂ જ જઈ સ્કુલમાંથી પ્રમાણપત્ર-સાક્ષીઓની તથા પાલક માતાપિતાની સહી તથા અરજી ફોર્મમાં તમામ પુરાવા જોડી બાળ સમાજ કલ્યાણની કચેરીમાં મારે ત્રણ દિવસ રાજકોટ સરકારી કામે જવાનું થતા, રૂબરૂ સહાયનું સબમીટ કરી દીધું પાલક માતાપિતાની સહાયની અરજી તા.31.3.21ના રોજ મંજૂર પણ થઈ ગઈ. આજે પાલક પરિવારને દર મહિને રૂ.3000 મળે છે. સરકારની આ યોજનાથી પાલક માતા પિતાને પ્રોત્સાહન મળે છે. જયારે બાળકને પોતે બોજારૂપ નથી તેવો અહેસાસ થાય છે.