100 ટકા વેકિસનેશનનો લક્ષ્યાંક સિદ્વ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ: 4 થી 10 ડિસેમ્બર સુધીમાં વેક્સિનનો ડોઝ લેનારા નાગરિકો માટે લક્કી ડ્રો યોજી રૂા.50,000 સુધીનો સ્માર્ટ ફોન અપાશે: રસીકરણમાં પ્રથમ રહેનાર આરોગ્ય કેન્દ્રની ટીમને પણ 21,000નું ઇનામ
રાજકોટવાસીઓને વેક્સીનના બંને ડોઝ આપી કોરોના સામે સંપૂર્ણપણે સુરક્ષિત કરી દેવા માટે મહાપાલિકા દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આગામી 4 થી 10 ડિસેમ્બર દરમિયાન વેક્સીનનો બીજો ડોઝ લેનાર નાગરિકો પૈકી લક્કી ડ્રો યોજવામાં આવશે. જેમાં વિજેતા થનારને 50,000 સુધીનો સ્માર્ટ ફોન ભેટ આપવામાં આવશે. હાલ શહેરમાં 1.82 લાખ લોકો એવા છે કે જેને વેક્સીનનો બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે પરંતુ તેઓ વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે આવતા નથી.
અન્ય શહેરોની માફક લોકોને વેક્સીનના બંને ડોઝ માટે આકર્ષિત કરવા કોર્પોરેશન દ્વારા લક્કી ડ્રો સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. બીજી તરફ હવે કોરોનાના નવા વેરિએન્ટે સૌરાષ્ટ્રમાં દસ્તક દીધી છે ત્યારે તેની સામે તંત્ર સાવચેત થઇ ગયુ છે. આગામી દિવસોમાં વેક્સીનના બંને ડોઝ ન લેનારાઓ માટે કેટલાંક આકરા નિયંત્રણ મુકવામાં આવે તેવી સંભાવના પણ જણાઇ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહન મળે તે માટે આગામી તા.4 ડિસેમ્બરથી સવારે 9 વાગ્યા થી તા. 10 ડિસેમ્બરે સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેરના નગરજનો વેક્સીનનો બીજો ડોઝ લેશે તેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 50,000/- સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21,000/-નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું છે.
વધુમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાનો ઉદેશ છે કે શહેરના કોઇપણ નગરજનો કોરોના વેક્સીનથી વંચિત ન રહે અને વધારેને વધારે લોકો જાગૃત બને અને વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ ઝડપથી લઇ લ્યે આથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકી શકાય, તમામ નગરજનોને વેક્સીન લેવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર અને આરોગ્ય સમિતિના ચેરમેન તરફથી અપીલ કરવામાં આવે છે.
હર ઘર દસ્તક: 36756 લોકોને ઘર આંગણે અપાયા વેક્સિનના ડોઝ
કોર્પોરેશન દ્વારા ગઇકાલે સાતમાં તબક્કાનો “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા 51 નગરજનોને વેક્સીન આપવામાં આવી હતી. “હર ઘર દસ્તક” અંતર્ગત 9 નવેમ્બરથી આજ સુધીમાં 298042 ઘરના 5443 પ્રથમ ડોઝ અને 36756 લોકોને બીજો ડોઝ ઘર આંગણે જઇને કોરોના વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી છે.
શનિ-રવિ મેગા વેક્સિનેશન ડ્રાઇવ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે અને રવિવારે કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શહેરના 22 આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે 09:00 વાગ્યાથી સાંજના 09:00 વાગ્યા સુધી તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ઇએસઆઇએસ હોસ્પિટલ ખાતે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી અને મહાપાલિકા સંચાલિત તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના 2 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તેમજ મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, ક્ધસ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં 63 મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેક્સીનેશનની કામગીરી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન શહેરના વધુને વધુ નાગરિકોને વેક્સીનેશનનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.