‘મંઝીલ સે જરા કહ દો, અભી પહુંચા નહીં હું મેં, મંઝીલે જરૂર હૈ, મગર ઠહરા નહીં હું મેં…’: શાયરાના અંદાજમાં બોર્ડ સમક્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ બજેટ રજૂ કર્યું
મેયર ડો.પ્રદિપ ડવ, ભાનુબેન બાબરીયા, મનિષભાઈ રાડીયા અને દેવાંગભાઈ માંકડે કરી અંદાજપત્રની સરાહના: કોંગ્રેસના કોર્પોરેટરોએ મુકેલી પ્રોફેશનલ ટેકસ રદ કરવાની દરખાસ્ત નામંજૂર
રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વર્ષ 2020-21નું રિવાઈઝડ બજેટ અને વર્ષ 2021-22નું રૂા.2291.24 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના બે મહિલા કોર્પોરેટરોએ બોર્ડ સમક્ષ કોરોના કાળના કારણે વેપારીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ હોય પ્રોફેશ્નલ ટેકસ રદ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી જે નામંજૂર કરવામાં આવી હતી.
જનરલ બોર્ડ સમક્ષ આખરી મંજૂરી અર્થે બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટની વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે ભાજપના શાસકો કટીબદ્ધ છે. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન તરીકે મારી બીજીવાર નિયુક્તિ કરવા બદલ હું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર વ્યકત કરૂ છું. મારા કાર્યકાળ દરમિયાન હું નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીશ અને રાજકોટને વિકાસ પથ પર વધુ આગળ ધપાવવાની મારી પ્રતિબદ્ધતા રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે, મહાપાલિકા વિકાસ પ્રક્રિયાને યથાવત જાળવી રાખવાના પડકારને ઝીલી આગળ વધશે. મ્યુનિ.કમિશનર દ્વારા વર્ષ 2021-22 માટે રૂા.2275.80 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ સમક્ષ રજુ કર્યું હતું. જેમાં ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ રૂા.56.70 કરોડની નવી 22 યોજનાઓ સાથે બજેટના કદમાં રૂા.15.44 કરોડનો વધારો કરી રૂા.2291.24 કરોડનું વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ જોગવાઈઓ કરાઈ છે. શહેરીજનોની જરૂરીયાત, મહાપાલિકાની આર્થિક સ્થિતિ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટવાસીઓએ ફરી એકવખત મહાપાલિકાની શાસન ધુરા ભાજપને સોંપી છે જે સાબીત કરે છે કે, શહેરીજનો સર્વાગી વિકાસના સુત્રને અપનાવવા માગે છે.
હંમેશા વિકાસને આડે અવરોધ ઉભી કરનારી કોંગ્રેસે જે કુટીલ રાજનીતિ અપનાવી હતી તેને પ્રજાએ ફગાવી દીધી છે. જે હવે કોંગ્રેસે સમજી લેવું જોઈએ.
તેઓએ શાયરાના અંદાજમાં જણાવ્યું હતું કે, જીસકે મનકા ભાવ સચ્ચા હોતા, ઉસકા હર કામ અચ્છા હોતા હૈ… તે રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનથી લઈ મેયર સુધીની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને શહેરની રગે-રગથી જાણકાર હોવાના કારણે પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવે તે પહેલા જ તેનું નિરાકરણ આવી જાય છે. બજેટમાં શહેરીજનોની આશા અને અપેક્ષાઓને સંતોષવા માટેના પુરા પ્રયાસો કરવામાં આવ્યા છે. અલગ અલગ ત્રણ સ્થળોએ બ્રીજ બનાવવા માટે 18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો કોલ સેન્ટરનું અપગ્રેડેશન અને આરએમસી ઓન વોટ્સએપ જેવી મહત્વપૂર્ણ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાઈબ્રેરી પણ ડિઝીટાઈઝેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ કામો થાય તે માટે પણ માતબર જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે અલગ અલગ વિસ્તારોમાં ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક ઉભુ કરવા અને પાણીની જરૂરીયાત ધ્યાનમાં રાખી 300 એમએલડી ક્ષમતાના પ્લાન્ટ બનાવવા માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.
ઈન્ડોર સ્ટેન્ડિયમ, ઝોન વાઈઝ પાર્ટીપ્લોટ, વોંકળા પાકા કરવા, ઓડિટોરીયમ બનાવવું, ઈ-ટોયલેટ, ઈલેકટ્રીક કાર વસાવા જેવી જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. બજેટ સ્પીચ દરમિયાન તેઓએ પોતાના શાયરાના અંદાજમાં ‘મંઝીલ સે જરા કહ દો, અભી પહુંચા નહીં હું મેં, મંઝીલે જરૂર હૈ, મગર ઠહરા નહીં હું મેં…’ પડકારો ઘણા છે પરંતુ તે તમામ પડકારોને સાર્થક કરવા માટે ભાજપના શાસકો પણ કટીબદ્ધ છે. રાજકોટને સતત વિકાસશીલ રાખવા માટે અને શહેરીજનોની સુખાકારીમાં ક્રમશ: વધારો થાય. રાજકોટ રહેવાલાયક અને માણવાલાયક બને તેવા ઈરાદા સાથે તેઓએ જનરલ બોર્ડ સમક્ષ આખરી મંજૂરી માટે બજેટ રજૂ કર્યું હતું. સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવેલા વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટને મેયર ડો.પ્રદિપ ડવ, પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નં.1ના નગરસેવિકા ભાનુબેન બાબરીયા, વોર્ડ નં.2ના કોર્પોરેટર મનિષભાઈ રાડીયા તથા વોર્ડ નં.7ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડે આવકાર્યું હતું અને ચેરમેન સહિત સમગ્ર કમીટીને અભિનંદન પાઠવ્યા હતા.
કોરોનાકાળમાં હાલ વેપારીઓની સ્થિતિ અતી નાજૂક હોવાના કારણે મહાપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રોફેશ્નલ ટેકસ ઉઘરાવવામાં આવે છે તે 1 વર્ષ માટે માફ કરવાની દરખાસ્ત કોંગી કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ મુકી હતી જેને કોમલબેન ભારાઈએ ટેકો આપ્યો હતો. જો કે આ દરખાસ્ત વધુ વિરોધ સાથે બોર્ડમાં નામંજૂર કરવામાં આવી હતી.
વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવા બદલ સ્ટે.ચેરમેનને અભિનંદન પાઠવતા મેયર
મહાપાલિકાની હદમાં નવા ભળેલા વિસ્તારોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે બજેટમાં પૂરું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તમામ વોર્ડનો વિકાસ થાય તે મુજબ નાણાની ફાળવણી કરવામાં આવી છે અને મોટા પ્રોજેકટ પર પણ ભાર મુકવામાં આવ્યો છે. કરબોજ વિહોણા, પ્રજાલક્ષી અને વાસ્તવિક રૂા.2291.24 કરોડનું બજેટ આપવા બદલ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા તમામ સભ્યોને મેયર ડો.પ્રદિપભાઈ ડવ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેઓએ ઉમેર્યું હતું કે, વર્તમાન સમય અને ભાવી રાજકોટની સંભવિત રૂપરેખાને નજર સમક્ષ રાખી તૈયાર કરવામાં આવેલા બજેટની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે, આજે જ્યારે વિશ્ર્વ ગ્લોબલ વોર્મિંગથી ચિંતીત છે ત્યારે સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવી બાબતો જેમ કે, આરોગ્ય કેન્દ્રનું અપગ્રેડેશન, ગો-ગ્રીન ક્ધસેપ્ટ, ઈલે.બસ અને ઈલે. કાર તથા ઈ-બાઈકની ખરીદી પર પ્રોત્સાહન, નવા ગાર્ડન, ખાસ ક્ધસેપ્ટ સાથે વૃક્ષારોપણ વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું તે ગૌરવની બાબત છે. આ ઉપરાંત નવા બ્રિજ, ઓડિટોરીયમ, મહિલા હાટ, મહિલા ગાર્ડન, થીમ બેઈઝ ચિલ્ડ્રન પાર્ક, ગો-ગ્રીન ક્ધસેપ્ટ, મીયાવાકી ક્ધસેપ્ટથી વૃક્ષારોપણ, કોઠારીયામાં સીસી રોડ અને પાકા વોકળા જેવા કામોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પાંચ શોક ઠરાવ બોર્ડમાં પસાર કરાયા
મહાપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પાંચ શોક ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. સદ્ગતોને શ્રદ્ધાંજલી આપવા માટે સભાગૃહમાં ઉપસ્થિત નગરસેવકો સહિત ઉપસ્થિતિઓ બે મીનીટનું મૌન પાળ્યું હતું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયા અને પૂર્વ કોર્પોરેટર પ્રેમજીભાઈ વિશપરાનું દુ:ખદ અવસાન થતા આજે સભાગૃહે ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાજલી અર્પણ કરી હતી.
બજેટ ભ્રામક અને આંકડાઓની માયાજાળ: વશરામ સાગઠીયા
બજેટ બોર્ડમાં સર્વાનુમતે ચોક્કસ મંજૂર થયું છે. પરંતુ પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા હોમ ક્વોરન્ટાઈન હોવા છતાં તેઓએ બજેટને વખોડ્યું હતું અને નવા વર્ષનું બજેટ તદન અવાસ્તવિક, ભ્રામક અને આંકડાઓની માયાજાળ હોવાનું ગણાવ્યું હતું. અનેક યોજના રીપીટ કરીને ભાજપે પ્રજાને છેતરી છે તેવો પણ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના ચારેય કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, મકબુલ દાઉદાણી, ભાનુબેન સોરાણી અને કોમલબેન ભારાએ કરબોજ વિહોણુ બજેટ આપવા બદલ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે, બજેટમાં 100 ટકા પ્રોજેકટ પુરા ન થાય તો કાંઈ નહીં પરંતુ 80 ટકા પ્રોજેકટ પૂરા થાય તે રીતે કામગીરી થવી જોઈએ. મુડી ખર્ચ અને મહેસુલી ખર્ચમાં ખાસ્સો ડિફરંટ છે. ગત વર્ષના મુડી ખર્ચમાં 738 ટકાનો જે વધારો છે તે અવાસ્તવિક જણાય છે. મુડી, આવકમાં પણ 104 કરોડનો વધારો દર્શાવવામાં આવ્યો છે. વધારાનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરવામાં આવ્યું નથી. મહાપાલિકા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આર્થીક પરિસ્થિતિ તેના અનામત ભંડોળથી નક્કી થતી હોય છે પરંતુ અનામત ભંડોળ બજેટમાં ઓછુ બતાવવામાં આવ્યું છે તે સાબીત કરે છે કે મહાપાલિકાની તિજોરીની કેવી પરિસ્થિતિ છે. મહિલા ગાર્ડન, મહિલા હાટ અને માલધારી વસાહત જેવા પ્રોજેકટ દર વર્ષે બજેટમાં રીપીટ કરવામાં આવે છે જે કદી સાકાર થતાં નથી. ટૂંકમાં બજેટ ભલે પ્રજાલક્ષી કહેવામાં આવતું હોય પરંતુ તદન અવાસ્તવિક છે.