માર્ચ-એપ્રિલમાં 15મા ક્રમે રહેલું રાજકોટ રૈયા ટીપી સ્કીમ નં.32ને આખરી મંજૂરી ન મળવાના કારણે સતત પાછળ ધકેલાઈ રહ્યું છે: અમદાવાદ, સુરત અને બરોડા રાજકોટથી ખુબ જ આગળ
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ વાળી એનડીએ સરકાર 2014માં નિયુક્ત થયા બાદ દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરની પણ પસંદગી કરવામાં આવી છે. સ્માર્ટ સિટીના ત્રીજા રાઉન્ડમાં રાજકોટની પસંદગી કરાયા બાદ છેલ્લા વર્ષોમાં કોઈ નોંધપાત્ર કામગીરી સ્માર્ટ સિટી અંતર્ગત થવા પામી નથી. લોકડાઉન પૂર્વે સ્માર્ટ સિટીમાં 15માં ક્રમે રહેલું રાજકોટ હવે છેક 34માં ક્રમે ફેંકાઈ ગયું છે. રાજ્યના અન્ય શહેરોની સરખામણી કરવામાં આવે તો અમદાવાદ, સુરત અને બરોડા ટોપ 10માં છે. જ્યારે રાજકોટ તેનાથી ઘણું દૂર છે. ભોપાલ હાલ સ્માર્ટ સિટીમાં નં-1 શહેર છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દર શુક્રવારે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રગતિ અને કામના આધારે દેશના અલગ અલગ સ્માર્ટ સિટીઓને ક્રમાંક આપવામાં આવે છે. જેમાં માર્ચ-એપ્રીલ દરમિયાન રાજકોટ પોતાના સર્વોચ્ચ એવા 15માં ક્રમે હતું. કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી માટે ખાસ તૈયાર કરવામાં આવેલી રૈયા ટીપી સ્કીમ નં.32ને રાજ્ય સરકાર દ્વારા ડ્રાફટ લેવલે મંજૂરી અપાયા બાદ પ્રિલીમીનરી અને ફાઈનલ ટીપીને બહાલી આપવામાં આવી ન હોવાના કારણે શહેરમાં સ્માર્ટ સિટીને કામમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થવા પામી નથી. જેના કારણે રાજકોટનો ક્રમાંક સતત પાછળ ધકેલાઈ રહ્યો છે. ગત શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીના ક્રમાંક જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેર છેક 34માં નંબરે પહોંચી ગયું હોવાનું જાહેર કરાયું છે. નંબર-1 પર હાલ મધ્યપ્રદેશનું ભોપાલ શહેર છે. જ્યારે બીજા ક્રમે ગુજરાતનું અમદાવાદ અને સુરત 3જા ક્રમે છે. ટોપ-10માં આ બે શહેર ઉપરાંત રાજ્યના વડોદરાનો પણ 9મો ક્રમાંક હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
7 માસમાં જ સ્માર્ટ સિટીમાં રાજકોટ 15માં ક્રમેથી છેક 34માં ક્રમે ફેંકાયું છે તો ગાંધીનગરનો ક્રમ 39એ છે. અધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરત અને અમદાવાદની પસંદગી બીજા રાઉન્ડમાં થઈ ગઈ હતી. જ્યારે રાજકોટની પસંદગી ત્રીજા રાઉન્ડમાં થવાના કારણે આ બન્ને શહેરોમાં સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટની વધુ કામ થયા તે સ્વાભાવિક છે. બીજી તરફ ટીપી સ્કીમ 32 (રૈયા)ને મંજૂરી આપવામાં આવી ન હોવાના કારણે સ્માર્ટ સિટીના કામો પર થોડી બ્રેક લાગી ગઈ છે. બીજી તરફ મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટીની લાગુ વધુ એક ટીપી સ્કીમ 33 પણ બનાવવામાં આવી રહી છે. આ ટીપી સ્કીમો બન્યા બાદ શહેરમાં પુરજોશમાં કામ શરૂ થશે અને રાજકોટ ફરી ટોપ-10માં આવી જશે તેવો વિશ્ર્વાસ પણ વ્યકત કરવામાં આવી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી રાજકોટ સ્માર્ટ સિટીની કામગીરીમાં સતત પાછળ ધકેલાઈ રહ્યું છે.