90 દિવસ સુધી ટેકાના ભાવે જણસીની ખરીદી કરાશે: 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે
વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જાય ત્યારબાદ કોઇ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરી શકાતી નથી. દિવાળી બાદ સતત જ ચૂંટણીનું એલાન થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આવામાં ખેડૂતોએ પોતાની મહામૂલી ખેત જણસીઓનું પાણીના ભાવે વેંચાણ ન કરવું પડે તે માટે ખરીફ પાકની વેચાણ સિઝન શરૂ થાય તે પૂર્વે જ ટેકાના ભાવે મગફળી સહિત ચાર જણસીની આગામી લાભ પાંચમથી સતત 90 દિવસ સુધી ખરીદી કરવાની જાહેરાત કરી દીધી છે. ટેકાના ભાવે માલ વેચવા ઇચ્છતા ખેડૂતો આગામી 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી સતત એક મહિનો રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને મેસેજ કરી વેચાણ માટે બોલાવવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે 29મી ઓક્ટોબરથી સતત 90 દિવસ સુધી ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે જણસી વેચવા ઇચ્છતા ખેડૂતો આગામી 25મી સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર એમ એક મહિના સુધી ઇ-ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. વર્ષ-2022/23 માટે ટેકાના ભાવે ખેત પેદાશની ખરીદી કરવા માટે નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણુંક કરાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ઇ-ગ્રામ કેન્દ્રો પરથી વીસીઇ મારફત નોંધણી કરાવી શકશે.
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા વર્ષ-2022/23ની સિઝન માટે મગફળીના ટેકાના ભાવ રૂા.5850, મગના ટેકાના ભાવ રૂા.7755, અડદના ટેકાના ભાવ રૂા.6600 અને સોયાબીન માટે ટેકાનો ભાવ રૂા.4300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે.
ગત વર્ષ રાજ્ય સરકાર દ્વારા 49899 ખેડૂતો પાસેથી રૂા.558.33 કરોડની 95230 મેટ્રીક ટન મગફળી, 10288 ખેડૂતો પાસેથી રૂા.126 કરોડની 20004 મેટ્રીક ટન તુવેરની ખરીદી કરી હતી.
વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય અને આચારસંહિતા લાગુ થઇ જાય તે પૂર્વે જ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ જણસીની ખરીદી કરવાની તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે.